Oct 19, 2020

ભાગવત રહસ્ય -૪૨૧

શ્રીકૃષ્ણ જ્યાં સુધી ગોકુળમાં રહ્યા ત્યાં સુધી તેમણે સીવેલાં કપડાં પહેર્યા નથી.
બીજાં ગોપબાળકોને સીવેલાં કપડાં પહેરવા ન મળે તો પોતાનાથી સીવેલાં કપડાં કેમ પહેરાય ? શ્રીકૃષ્ણ નો મિત્ર-પ્રેમ અલૌકિક છે.મારા મિત્રો કાળી કામળી ઓઢે છે,
તો હું પણ તે જ ઓઢીશ.ખભે કામળી લઈને ફરે છે,
તેથી તો કનૈયાને કેટલાક કાળી કામળી વાળા કહે છે.

શ્રીકૃષ્ણે ગોકુળમાં અનેક રાક્ષસોને માર્યા છે,પણ શસ્ત્રથી નહિ,ગોકુળમાં હાથમાં અસ્ત્ર લીધું નથી.
ફક્ત બંસી ધારણ કરે છે,ફક્ત પ્રેમની બંસી બજાવે છે.
અને તે બંસીની એવી માધુરી છે,કે લાલાની વાંસળી જે સાંભળે છે,તે કાયમ માટે તેનો ગુલામ બની જાય છે.ગોકુળના કૃષ્ણ પરમ-પ્રેમનું સ્વરૂપ છે,એ કોઈ ને શસ્ત્રથી મારે નહિ.
ગોકુળ-લીલા અને વૃંદાવનની લીલા આ પ્રમાણે શુદ્ધ પ્રેમની લીલા છે.

તેથી ઘણા મહાત્માઓ કહે છે કે –અમને રાસલીલા સુધી જ ભાગવતની કથા સંભળાવો.
પછીની મથુરાની લીલા રજસ લીલા છે,તેમાં યુદ્ધ અને લગ્નની વાતો છે.
દ્વારકા-મથુરામાં શ્રીકૃષ્ણ શંખ વગાડે છે,મધુરી બંસી નહિ.

વેદાંતના સિદ્ધાંતો અનુભવવા મુશ્કેલ છે,ત્યારે ગોપીઓએ પ્રેમ-લક્ષણા ભક્તિનો સરળ માર્ગ બતાવ્યો છે.
વેદાંત એ અનુભવનો વિષય છે,કેવળ વાણીનો વિલાસ (વિષય) નથી.
ખિસ્સામાંથી સો ની નોટ પડી જાય તો તે વખતે સમજાશે કે બ્રહ્મ સત્ય છે કે નોટ સત્ય છે.
કેવળ વેદાંતનાં વાક્યો પોપટની જેમ મુખેથી બોલનારો પણ કદાચ નોટની ચિંતા કરશે.
સાચે તો,સો રૂપિયાની નોટ ખોટી છે,તેમ માની, તેમાં અનાસક્તિ રાખી ને,વ્યવહાર કરવો જોઈએ.

રાસલીલા પછી ૩૪ મા અધ્યાયમાં સુદર્શન વિદ્યાધરની કથા આવે છે.
શિવરાત્રીનું પર્વ હતું,ભગવાન વ્રજવાસીઓ સાથે અંબિકાવન પધાર્યા છે.નંદબાબા ભગવાન શંકરની પૂજા કરે છે.બ્રાહ્મણોને પુષ્કળ દાન કર્યું છે.રાત્રિના સમયે બધાએ નદી કિનારે મુકામ કર્યો છે.
શિવરાત્રીના દિવસે જાગરણ કરવાનું હોય છે,પણ નંદબાબા પૂજા કરી ને સૂઈ ગયા છે.તેવામાં ત્યાં એક
અજગર રહેતો હતો,તે ત્યાં આવ્યો અને નંદબાબાને ગળવા લાગ્યો.લોકોએ અજગરને મારવાના ઉપાય
કર્યા પણ અજગર મરતો નથી,એટલે શ્રીકૃષ્ણને બોલાવવામાં આવ્યા.
પ્રભુએ આવી,ચરણથી અજગર નો સ્પર્શ કર્યો. અજગર મરી ગયો અને તેમાંથી એક દેવ-પુરુષ બહાર
નીકળ્યો. પ્રભુ તો જાણતા હતા છતાં તેને પૂછ્યું કે –તમે કોણ છો ?

તે દેવ-પુરુષ કહે છે કે-પૂર્વે હું સુદર્શન નામનો વિદ્યાધર હતો,હું બહુ સુંદર હતો અને મારા રૂપનું મને અભિમાન હતું,કોઈ કદરૂપા મનુષ્ય ને જોઈ ને હું હસતો.
એકવાર એક કાળા કુબડા ઋષિ (અંગિરા ઋષિ) ને જોતાં મને હસવું આવ્યું,હું હસ્યો તેથી તેમણે મને
શાપ આપતાં કહ્યું કે-તું મારી આકૃતિને જોઈ ને હસે છે,પણ મે સત્સંગ કરી મારી કૃતિને સુધારી છે.
મારું શરીર કાળું છે પણ મારું મન ઉજળું છે,તારું શરીર ઉજળું છે,પણ મન કાળું છે.
માટે જા,તું અજગર થઈશ.અંગિરા મુનિના શાપથી હું અજગર થયો,આપના સ્પર્શથી હું મુક્ત થયો.

શરીરની આકૃતિ એ તો પ્રારબ્ધ પ્રમાણે ઈશ્વર આપે છે.”મારું શરીર સુંદર છે” એવી કલ્પનામાંથી
કામનો –અભિમાનનો જન્મ થાય છે.
શરીરમાં કાંઇ સુંદર નથી,શરીરની અંદર તો હાડકાં,માંસ,મળમૂત્ર અને રુધિર ભરેલાં છે.
રસ્તામાં પડેલ હાડકાંને મનુષ્ય પગથી પણ સ્પર્શ કરતાં સૂગ કરે છે.તેવાં જ  હાડકાં શરીરમાં છે.
શરીર સુંદર નથી પણ શરીરમાં રહેલ ચૈતન્ય (આત્મા-પરમાત્મા) સુંદર છે.
અને જયારે પરમાત્મા (શ્રીકૃષ્ણ) અંદર વિરાજતા ના હોય (એટલે કે મનુષ્ય નું મૃત્યુ થાય) ત્યારે,
લોકો કહેશે-કે-(મડદાને) જલ્દી (ઘરની) બહાર કાઢો,નહિતર વજન વધી જશે.

શરીર જો સુંદર હોય તો તેને ઘરમાં કેમ રાખતા નથી ?
પરમાત્માને શરીરનું અભિમાન રાખનાર,કે શરીરના સૌન્દર્ય નું અભિમાન રાખનાર ગમતો નથી.
કોઈ પણ જીવને હલકો ગણે તેની તેની ભગવદભક્તિ સિદ્ધ થતી નથી.
જ્યાં નજર જાય ત્યાં ઈશ્વરનું દર્શન થાય તે દીનતા.
પ્રભુને પ્રસન્ન કરવાનું સાધન દીનતા છે. અને આ જ વિદ્યાધરની કથાનું રહસ્ય છે.
ત્યાર પછી શ્રીકૃષ્ણે શંખચૂડનો વધ કર્યો,તેની કથા છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE