પ્રભુએ
અનેક સ્વરૂપો ધારણ કર્યા,જેટલી ગોપીઓ તેટલા શ્રીકૃષ્ણ.વચ્ચે
રાધા-માધવ અને તેને ઘેરીને અષ્ટ-સખીઓ ઉભી છે.અને તેને ઘેરીને બીજી ગોપીઓ ઉભી છે.પ્રત્યેક
ગોપી પાસે એક એક સ્વરૂપે શ્રીકૃષ્ણ ઉભા છે અને રાસનો પ્રારંભ કર્યો છે.હજારો
જન્મથી વિખુટો પડેલો જીવ પ્રભુની સન્મુખ આવ્યો.જીવ અને ઈશ્વર એક બન્યાં છે.
ગોપી અને કૃષ્ણ એક થયાં, શ્રીકૃષ્ણે ગોપીઓને
પરમાનંદનું દાન કર્યું,ગોપીઓ કૃતાર્થ થઇ.
“હવે અમારે સંસારમાં રખડવાનું નથી,હવે જન્મ-મરણના ત્રાસમાંથી મુક્ત થયા”
જીવ અને ઈશ્વરના મિલનનું કોણ વર્ણન કરી શકે ? કદાચ
મહાત્માઓ તેનો અનુભવ કરી શકે છે.
શ્રીકૃષ્ણને પણ આનંદ થયો છે,હજારો જન્મથી
વિખુટો પડેલો જીવ આજે મને મળ્યો છે.
જીવ-ઈશ્વરનું મિલન થતાં પરસ્પરને પરમાનંદ થયો
છે.ગોપીઓ દેહનું
ભાન ભૂલી અતિ આનંદમાં નાચે છે.
લક્ષ્મી (પૈસા) હાથમાં આવે તો કેટલાક નાચે છે,તો
ગોપીઓના હાથમાં તો લક્ષ્મી-પતિ આવ્યા છે,
તો તે કેમ ના નાચે ?
દ્વૈત (જીવ અને બ્રહ્મ) માંથી આજે અદ્વૈત (જીવ
અને બ્રહ્મ નું મિલન-એટલે કે-એક) થયું છે.
અદ્વૈત સિદ્ધાંતના આચાર્ય શુકદેવજીએ આ રીતે
રાસલીલામાં અદ્વૈત નું વર્ણન કર્યું છે.
રાસમાં સંગીત,સાહિત્ય,નૃત્યનો સમન્વય હોય છે.આ
રાસલીલામાં કામની ગંધ નથી.
રાસલીલા ખુલ્લા મેદાનમાં થઇ
છે,દેવો,ગંધર્વો,નારદ,બ્રહ્માજી વગેરે જોવા આવ્યા છે.
બ્રહ્માજી વિચાર કરે છે કે-શ્રીકૃષ્ણ અને ગોપીઓ નિષ્કામ
છે.ગોપીઓને દેહભાન નથી.તેમ છતાં
આવી લીલા કરવાથી મર્યાદા નો ભંગ થાય છે.આ મિલન
નિર્વિકાર છે પણ લોક વિરુદ્ધ છે.
કૃષ્ણાવતાર ધર્મમર્યાદા માટે છે,શ્રીકૃષ્ણ ધર્મનું રક્ષણ કરવા આવ્યા છે,તે આવું ધર્મ વિરુદ્ધનું
કૃત્ય કેમ કરે છે ?પરસ્ત્રી સાથે નાચવું તે અધર્મ
છે.
બ્રહ્માજી “રજોગુણ” ના અધિષ્ઠાતા દેવ છે.
રજોગુણીને બીજા ના “દોષ” જલ્દી દેખાય છે.
સત્વગુણીને બીજાના “ગુણ” જલ્દી દેખાય છે.
જેની આંખોમાં “રજોગુણ” હોય તે જ્યાં દોષ ના હોય
ત્યાં પણ દોષ શોધી કાઢે છે.
બ્રહ્માજીએ રજોગુણી હોવાથી કૃષ્ણનો દોષ શોધી
કાઢીને શંકા કરે છે.
પ્રભુએ વિચાર કર્યો કે-એ ડોસાને (બ્રહ્માજી ને)
મે ધર્મ શીખવાડ્યો છે અને
હવે તે મને ધર્મ શીખવાડવા આવ્યો છે. બ્રહ્માને ખબર નથી
કે આ ધર્મ-મર્યાદાનો ભંગ નથી.
“જીવ” (આત્મા) અને ઈશ્વર (પરમાત્મા) એ સજાતીય છે
(બંને પુરુષ છે)
અહીં સજાતીય,સજાતીય ને મળે છે એટલે તે ધર્મનો
ભંગ નથી,સજાતીય વિજાતીયને મળે તો
ધર્મનો ભંગ છે.સર્વ ધર્મ નું “ફળ” છે-જીવ અને
ઈશ્વરનું મિલન.ધર્મનું પાલન કરતાં-કરતાં કૃતાર્થી જીવો
પરમાત્મા સાથે એક થાય છે.
પ્રભુએ તે વખતે ગમ્મત કરી છે. અને પ્રત્યેક ગોપીને પોતાના સ્વરૂપનું દાન કરી કૃષ્ણ-રૂપ બનાવી છે.
ગોપી હવે સ્ત્રી રહી નથી પણ શ્રીકૃષ્ણ બની ગઈ છે.
અને હવે-
હવે ગોપી અને કૃષ્ણનો રાસ દેખાતો નથી પણ રાસમાં
બધા જ પીતાંબરધારી શ્રીકૃષ્ણ દેખાય છે.
પારસમણિ લોઢાને સોનું બનાવી શકે છે પણ લોઢાને
પોતાના જેવો પારસમણિ બનાવી શકતો નથી.
પરંતુ પરમાત્મા જે જીવ ને મળે છે તે જીવને પોતા
જેવો બનાવે છે.(આત્મા=પરમાત્મા)
બ્રહ્માને હવે ખાતરી થઇ છે કે-આ સામાન્ય
સ્ત્રી-પુરુષનું મિલન નથી.શ્રીકૃષ્ણ પણ ગોપીરૂપ થયા છે.
બ્રહ્માજીએ પ્રણામ કર્યા છે.આમાં ધર્મનો ભંગ
નથી,આ તો ધર્મનું ફળ છે.
શ્રીકૃષ્ણ એ દેવ નથી પણ દેવોના દેવ -પરમાત્મા
છે.બ્રહ્માજીનું અભિમાન ઉતર્યું છે.
આ લીલા અટપટી છે.અને આ લીલાનું રહસ્ય શ્રીકૃષ્ણની કૃપા વિના સમજાય નહિ.
શુદ્ધ જીવનું “બ્રહ્મ” સાથે રમણ એ જ રાસ છે.”બ્રહ્મ”
નો “બ્રહ્મ” સાથેનો વિલાસ એ જ રાસ છે.