Oct 13, 2020

ભાગવત રહસ્ય -૪૧૬

ગોપી કહે છે કે-કનૈયા,અમે કેવળ તારા માટે જીવીએ છીએ.અમારા પ્રાણને લેવા કાળ આવ્યો છે પણ તે કાળ અમારા પ્રાણને પકડી શકતો નથી,કારણકે,અમારા પ્રાણ તો તારામાં છે.શ્રીકૃષ્ણ તો કાળના પણ કાળ છે,ગોપીના પ્રાણ ગોપીમાં હોય તો કાળ તે પ્રાણ ને પકડી શકે,પણ તેના પ્રાણ શ્રીકૃષ્ણ પાસે હોવાથી કાળ કશું કરી શકતો નથી,
એટલે ગોપીના પ્રાણ જતા નથી.જે પ્રભુ માટે જીવે તેને પરમાત્મા મળે છે,પણ આ સંસારમાં કોઈ પૈસા માટે,કોઈ સ્ત્રી માટે,તો વળી કોઈ સંસારસુખ ભોગવવા માટે જીવે છે. અહીં ગોપી તો માત્ર પરમાત્મા માટે જ જીવે છે.

ગોપી કહે છે કે-નાથ,તમને અમારી ગરજ નથી,
પણ શરણે આવેલા જીવ નું રક્ષણ કરવું એ શું તમારી ફરજ નથી ?
અમારી લાયકાતનો,અમારા દોષનો વિચાર ના કરો,હું તો પાપી છું,પણ તમે પતિત-પાવન છો,
જો તમે અમારી રક્ષા નહિ કરો તો પછી જગતમાં અમારું કોણ ?
તમે અમારી ઉપેક્ષા ના કરો,સર્વ માં અમે તમને જ શોધીએ છીએ.
જે તમને શોધે તે જંગલમાં ભટકે તે યોગ્ય નથી.

ઈશ્વરના શરણે જવું એ જીવનો “ધર્મ” છે અને
શરણે આવેલા જીવને અપનાવવો અને તેનું રક્ષણ કરવું તે ઈશ્વરનો “ધર્મ” છે.
અહીં ગોપીઓ ઈશ્વરને શરણે ગઈ છે અને સર્વમાં ઈશ્વરને જ જુએ છે.સર્વમાં ઈશ્વરને શોધે છે.

આ જગતમાં ઘણા એવા જીવ છે કે જેમને પરમાત્માની જરાય જરૂર લાગતી નથી.
તેમને  પરમાત્માને શોધવાની પણ જરૂર લાગતી નથી, તે તો માત્ર શોધે છે-
ધન ને,સ્ત્રીને,સંસારસુખ-વગેરે ને......

ગોપી કહે છે-કે-અમે તમને શોધીએ છીએ.જે તમને શોધે તેની આવી દુર્દશા થાય તે યોગ્ય નથી.
અમે તમારી પાછળ પડીએ છીએ અને તમે અંતર્ધાન થઇ, દર્શન ન આપો,તે તમારા માટે યોગ્ય નથી.
તમે જગતને પ્રેમ નું દાન કરવા આવ્યા છો,તો તમે પ્રેમમાર્ગને છિન્નભિન્ન ન કરો.
તમને શોધે,તમારા માટે જીવે તેને તમે દર્શન ન આપો તો તમને પ્રેમ કોણ કરશે ?

ભક્તિમાર્ગમાં તો-“ ભગવાનની ઈચ્છા તે મારી ઈચ્છા” –તેવું હોય છે.
પણ અહીં ગોપીની સ્થિતિ ભક્તિથી આગળ છે.ગોપી અહીં “પ્રેમરૂપા” છે.
તે એમ જ માને છે કે-શ્રીકૃષ્ણ “અમારી ઈચ્છા” પ્રમાણે ચાલે છે.એટલે તેમના (શ્રીકૃષ્ણ) માટે-
શું “યોગ્ય” છે અને  શું “અયોગ્ય” છે તેની વાતો પણ કરે છે.

શ્રીકૃષ્ણ ઈશ્વર છે,અનંતકોટિ બ્રહ્માંડના નાયક છે,તેથી ગોપી તેમને પ્રેમ કરે છે તેવું અહીં નથી.
પણ “તમે અમારા છો,અમારા પ્રિયતમ છો” અને “તમે અમારા થઇને અમને કેમ છોડો છો?”
એમ ગોપીના વિયોગમાં પ્રથમ દ્રષ્ટિએ “દૈન્ય” નથી દેખાતું,અધિકાર દેખાય છે.
જયારે સાધારણ ભક્તિમાં વિયોગમાં દૈન્ય આવે છે. ગોપીની સ્થિતિ ભક્તિથી ઘણી આગળ છે.

જ્ઞાની પુરુષો માને છે કે-ઈશ્વર દૃશ્ય નથી પણ દ્રષ્ટા છે.જે સર્વનો સાક્ષી (દ્રષ્ટા) છે તેને કોઈ જોઈ શકે નહિ.
પણ ગોપીઓનો પ્રેમ એવો છે કે-તેને લીધે ઈશ્વર દ્રષ્ટા મટી ને દૃશ્ય (જોઈ શકાય તેવા) બન્યા છે.
વૈષ્ણવશાસ્ત્રો (ભક્તિ માર્ગ) કહે છે-કે-ભગવાન દ્રષ્ટા છે અને દૃશ્ય પણ છે.

ગોપી કહે છે –કે-તમે દ્રષ્ટા મટી ને દ્રશ્ય બનો.દ્રષ્ટા રૂપે તો આપ અંદર છો,પણ તેનો અનુભવ કેવળ બુદ્ધિ કરે છે,તમે બહાર આવો અને અમારી આંખ સમક્ષ પ્રગટ થાવ. અમને પ્રત્યક્ષ દર્શન આપો.
“બુદ્ધિ-ગ્રાહ્ય” (બુદ્ધિ થી જોઈ શકાય તેવા) નહિ પણ “ચક્ષુગ્રાહ્ય” (આંખ થી જોઈ શકાય તેવા) બનો.

ગોપીગીત ના આ પહેલા શ્લોકમાં –ભક્તિ ના જુદા જુદા પ્રકારો આવે છે.
--પ્રભુના ગુણગાનનું  વર્ણન  છે એટલે –તે કીર્તનભક્તિ.
--પ્રભુ ના દર્શનની અપેક્ષા છે-એટલે- તે દર્શનભક્તિ.
--પ્રભુના માટે પ્રાણ ધારણ કરેલો છે-એટલે આત્મનિવેદન.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE