Oct 12, 2020

ભાગવત રહસ્ય -૪૧૫

વૈકુંઠમાં નારાયણ આંખ બંધ કરીને આરામ કરે છે,શયન કરે છે.ત્યાં માખણચોરીની લીલા થતી નથી,વૈકુંઠમાં નારાયણ કોઈને ત્યાં માખણ આરોગવા જતા નથી,પણ,વ્રજમાં તો કનૈયો ગોપીઓના ઘેર માખણ આરોગવા જાય છે,અને માખણચોરીની લીલા પણ કરે છે.વૈકુંઠમાં નારાયણ કોઈ સાથે રમતા નથી,પણ વ્રજમાં તો બાળકો સાથે રમે છે.
વૈકુંઠમાં ઠાકોરજીના ચરણ સ્પર્શ કરવાની દેવો અને ઋષિઓ ને પણ હિંમત થતી નથી,
તેઓ માત્ર પાદુકાનો સ્પર્શ કરે છે,ત્યારે વ્રજ માં તો કનૈયો,ગોપીઓ ની પાછળ પાછળ ચાલીને વગર બોલાવ્યે તેમના ઘેર પણ જાય છે.

વૈકુંઠમાં નારાયણને કોણ કહી શકે કે તમે પાટલો લઇ આવો ?કોણ કહી શકે કે તમે નાચો? ત્યારે-
ગોપીઓ લાલાને કહે છે-કે-જા,તું પાટલો લઇ આવ.પાટલો વજનદાર હોય અને લાલાનું પીતાંબર છૂટી જાય 
તો પણ માત્ર ગોપીઓ જ લાલા ને કહી શકે કે –લાલા તું નાચ.
અમે માખણનો લોભી લાલો (નિરાવરણ અવસ્થામાં) નાચે પણ ખરો...!!!!!! વ્રજ માં લાલો નાચે છે.

જે આનંદ શ્રીકૃષ્ણે વ્રજવાસીઓને આપ્યો છે,જે આનંદ વ્રજમાં છે તેવો આનંદ વૈકુંઠમાં નથી.
તેથી જ ભક્ત કહે છે કે-“વ્રજ વહાલું,વૈકુંઠ નહિ આવું”
ગોપી કહે છે-જ્યાં કામ અને કાળને પ્રવેશ નથી તેવું વૈકુંઠ શ્રેષ્ઠ છે 
પણ જ્યારથી આપ વ્રજમાં આવ્યા છો,ત્યારથી વ્રજ વૈકુંઠથી પણ અધિક થયું છે.
વૈકુંઠમાં નારાયણ રાજાધિરાજ છે,લક્ષ્મીજી મહારાણી છે,લક્ષ્મીજીની અનેક દાસ-દાસીઓ સેવા કરે છે.
પણ લક્ષ્મીજી તે ઐશ્વર્ય છોડી ને વ્રજમાં જાતે દાસી થઇને સેવા કરવા પધાર્યા છે.
શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા -વ્રજના એક એક ઝાડમાં,લતામાં,ફૂલમાં તેમણે પ્રવેશ કર્યો છે.
માતાજીએ વ્રજ ને એવું શણગાર્યું છે,વ્રજની એવી શોભા વધારી છે કે માલિકને રમવાનું મન થાય.
અને તેથી જ માલિક ને વ્રજમાં રમવાની ઈચ્છા થાય છે.

સામાન્ય રીતે લક્ષ્મીજી,નારાયણ ના વક્ષ:સ્થળ ઉપર વિરાજે છે.પણ લક્ષ્મીજીને થયું છે કે –
હવે મારે પરમાત્માના ચરણમાં રહેવું છે.
વૈકુંઠમાં રજ (માટીની રજ) નથી,વળી વૈકુંઠ માં રાજાધિરાજ, જગતના પતિ ઉઘાડા પગે ફરતા નથી,
એટલે પરમાત્માની ચરણ-રજ વૈકુંઠમાં લક્ષ્મીજીને મળતી નથી.
પ્રભુની ચરણ રજ તો વ્રજમાં છે,વ્રજમાં માલિક,ગાયોની પાછળ ઉઘાડા પગે ફરે છે,
વ્રજની રજ-રજ અતિ પાવન છે, તેથી તે રજ લેવા લક્ષ્મીજી પણ વ્રજમાં આવ્યા છે.
લક્ષ્મીજી ને પણ વ્રજ વહાલું થયું છે.પ્રભુના વ્રજમાં પ્રાગટ્ય પછી વ્રજની શોભા વધી છે.

પ્રભુના વ્રજમાં પ્રાગટ્યનું રહસ્ય જો જોવામાં આવે તો-
વ્રજ શબ્દનો એક અર્થ તો છે-વ્રજ-ભૂમિ.વ્રજનો બીજો અર્થ થાય છે માનવ શરીર.

શરીર-વ્રજ માં પણ જયારે પ્રભુ પ્રગટ થાય છે ત્યારે જ તે વ્રજ-શરીરની શોભા વધે છે.
આ શરીર-વ્રજની શોભા દાગીના વગેરેથી વધતી નથી,પણ પ્રભુ પ્રગટ થાય ત્યારે વધે છે.
શરીર-વ્રજના સિંહાસન પર કામ,ક્રોધ,લોભ,મોહ –વગેરે હશે નહિ ત્યારે પરમાત્મા ત્યાં દોડતા આવે છે.

તુકારામ,મીરાંબાઈ,નરસિંહ મહેતા જેવા ભક્તોએ પોતાના શરીરને જ વ્રજ બનાવ્યું હતું,માટે
તેમનો જયજયકાર થાય છે,તેમને જગત ભૂલ્યું નથી,કારણકે તેમના શરીર-વ્રજમાં શ્રીકૃષ્ણ વિરાજતા હતા,
બાકી તો મોટા મોટા રાજાઓ થઇ ગયા –પણ તેમને જગત ભૂલી ગયું છે,
જગતગુરુ શંકરાચાર્ય જેવો કોઈ જ્ઞાની થયો નથી,પણ શંકરાચાર્યનું તત્વજ્ઞાન પ્રેમલક્ષણા ભક્તિથી ભરેલું છે,
તે શુષ્ક તત્વજ્ઞાન નથી,શંકરાચાર્યના હૃદય-ગોકુળમાં પણ હંમેશાં શ્રીકૃષ્ણ વિરાજતા હતા.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE