Oct 12, 2020

ભાગવત રહસ્ય -૪૧૪

કૃષ્ણ-વિયોગમાં ગોપીઓના પ્રાણ અકળાય છે.શ્રીકૃષ્ણ દર્શનની તીવ્ર આતુરતા જાગી છે.
“અમે બધું છોડીને આવ્યાં છીએ અને તમે અમારો ત્યાગ કર્યો છે,નાથ દર્શન આપો”
ગોપીને મરણની બીક નથી,પોતે નિર્વિકાર-નિષ્કામ છે એટલે પોતે જો મરશે તો શ્રીકૃષ્ણ ના ચરણમાં જ જશે તેવી તેને ખાતરી છે.ગોપીનું મૃત્યુ –એ તો તેને પ્રભુનું મિલન કરાવનાર છે.

પણ ગોપીને એક જ ભય છે કે-શ્રીકૃષ્ણના વિયોગમાં મારા પ્રાણ જશે તો મારું તો કાંઇ બગડશે નહિ,
પણ મારા ઠાકોરજીને પરિશ્રમ થશે.હું મરીશ તો શ્રીકૃષ્ણની કીર્તિ ને કલંક લાગશે.મારે શ્રીકૃષ્ણને અપયશ આપવો નથી.હું મરીશ તો શ્રીકૃષ્ણના દર્શન કરીને મરીશ.

ગોપીને શ્રીકૃષ્ણના વિરહનું દુઃખ અતિ ભયંકર છે,વિયોગમાં પોતાના પ્રાણ જશે તેવું તેને લાગે છે,
પણ પ્રાણ છોડવા નથી એટલે વિયોગનું દુઃખ ઓછું કરવા અને પ્રાણને ટકાવવા પ્રભુના ગુણગાન ગાય છે. ગોપીઓ પરમાત્માની સ્તુતિ (ગોપીગીત) કરે છે.
ગોપીગીતના પહેલા શ્લોકમાં પરમાત્માના ધામ નું વર્ણન છે,બીજા શ્લોકમાં પરમાત્માની આંખનું વર્ણન છે,
ત્રીજા શ્લોકમાં પરમાત્માની કૃપા નું વર્ણન છે.અને ચોથા શ્લોકમાં નારાયણનું વર્ણન છે.

ગોપીગીત  એ એકલું વિરહનું ગીત જ છે એવું નથી.
ગોપીઓના બહિરંગમાં વિયોગ પણ અંતરંગમાં સંયોગનો અનુભવ થાય છે.
ગોપીઓ ને શ્રીકૃષ્ણ જાણે પોતાની આસપાસ જ હોય તેવું લાગે છે,
અને પોતે જે બોલે છે તે ગુપ્ત રીતે શ્રીકૃષ્ણ સાંભળતા હોય તેવું પણ લાગે છે.

એક ગોપી કહે છે-કે- હે દયાના નાથ,તમે દયાનું સ્વરૂપ છો,તમે જીવમાત્ર પર દયા કરો છો.
ત્યારે અમે તો તમારાં છીએ.તમારા માટે સર્વ ત્યાગીને આવ્યાં છીએ.તો અમારા માટે તમે
નિષ્ઠુર બનો તે યોગ્ય નથી.
આપ વ્રજમાં પ્રગટ થયા ત્યારથી તમારા કારણે વ્રજની અને અમારી શોભા વધી છે.
વ્રજ એ વૈકુંઠ કરતાં પણ શ્રેષ્ઠ છે.વ્રજભૂમિ એ પ્રેમભૂમિ બની છે.

ભક્તોના મનમાં વૈકુંઠધામ એ સર્વથી શ્રેષ્ઠ છે,પણ અહીં ગોપીઓ વ્રજને અતિ શ્રેષ્ઠ કહે છે.
જે બુદ્ધિ અતિશય શુદ્ધ છે,તે શુદ્ધ બુદ્ધિમાં જે  પ્રગટ થાય છે તેને વૈકુંઠ કહે છે.
સૂર્યનો પ્રકાશ જેમ સર્વવ્યાપક છે તેમ પરમાત્મા તો સર્વવ્યાપક છે –પણ-
શુદ્ધ બુદ્ધિ દ્વારા જ પરમાત્મા પ્રગટ થાય છે.
કુંઠ એટલે કપટ એવો અર્થ પણ થાય છે,એટલે જ્યાં કપટ નથી તેવી શુદ્ધ નિષ્કામ બુદ્ધિમાં
પરમાત્મા પ્રગટ થાય છે.

વૈકુંઠમાં ઐશ્વર્ય પ્રધાન છે.જયારે વ્રજ ભૂમિ એ પ્રેમભૂમિ છે.
જ્યાં અતિ ઐશ્વર્ય છે ત્યાં પ્રેમ રહી શકતો નથી.ઐશ્વર્યમાં પડદો રહે છે.સંકોચ રહે છે.
વ્રજમાં પ્રેમ પ્રધાન છે,પ્રેમમાં પડદો રહેતો નથી,સંકોચ રહેતો નથી.
વ્રજનાં બાળકો શ્રીકૃષ્ણ સાથે ઝગડો કરી શકે છે,વૈકુંઠના નારાયણ સાથે કોઈ ઝગડો કરી શકે ?

વૈકુંઠમાં ભક્તો નારાયણને મનાવે છે,ત્યારે વ્રજમાં શ્રીકૃષ્ણ વ્રજવાસીઓને મનાવે છે.તેથી તો-
ભગવાન કહે છે-કે-હું વૈકુંઠમાં નિવાસ કરતો નથી પણ હું તો મારા ભક્તોના હૃદયમાં વસુ છું.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE