Sep 4, 2020

ભાગવત રહસ્ય -૩૮૧

માનવ સમાજમાં રહી માનવ થવું સહેલું છે,પણ માનવ સમાજના વિલાસી મનુષ્યો સાથે રહી ભક્તિ કરવી કઠણ છે.વિલાસીના સંગમાં રહેવાથી ભક્તિમાં વારંવાર વિક્ષેપ આવે છે.ભજનાનંદી મહાત્માઓના સત્સંગ થી-કે-ગીતા-ભાગવતના સત્સંગથી ભક્તિ કરવાની પ્રેરણા મળે છે.પ્રવૃત્તિ ધર્મ છોડ્યા વગર ભક્તિનો ઉદય થતો નથી.પરંતુ મનુષ્યને જ્યાં સુધી “શરીરમાં શક્તિ” હોય ત્યાં સુધી પ્રવૃત્તિ છોડવાની ઈચ્છા થતી નથી.પછી બ્લડ-પ્રેસર વધે,શરીર રોગી થાય,શરીર બગડે,
શરીરની શક્તિ જતી રહે એટલે ફરજીયાત પ્રવૃત્તિ છોડવી પડે અને નિવૃત્તિ લે તેનો કોઈ અર્થ નથી.

ફરજીયાત છોડવું પડે એટલે ત્રાસ થાય છે.શક્તિ વગરનું શરીર ભક્તિ કરી શકતું નથી.વિષયાનંદ જલ્દી મળે છે પણ ભક્તિનો આનંદ મેળવવા પ્રયત્ન કરવો પડે છે.શરીરમાં શક્તિ હોય ત્યારે જ ભક્તિ કરવાનો પ્રયત્ન થઇ શકે છે.અને ભક્તિ કરવા માટે થોડી નિવૃત્તિનો સમય કાઢીને પ્રયત્ન કરવો જરૂરી છે.
વિષય અને ઇન્દ્રિયોનો સંયોગ થાય એટલે થોડો સમય વિષયાનંદ તરત મળે છે.પણ..શરૂઆતમાં ભલે ભક્તિમાં આનંદ ના આવે -પણ ભક્તિ માટે પ્રયત્ન કરવામાં આવે તો-સતત આનંદનો વરસાદ વરસે છે.

અનેક જન્મના વાસનાના સંસ્કાર મનમાં હોવાથી,મનને ભક્તિમાં જોડવા માટે પ્રયત્ન કરવો જરૂરી છે,
પરમાત્મા માટે પ્રવૃત્તિનો ત્યાગ કરવો જરૂરી છે. એક વાર ભક્તિનો નાદ લાગે તો બેડો પાર છે.
નિવૃત્તિના સમયે નિવૃત્તિનો જ આનંદ (ભક્તિ નો જ આનંદ) લેવો જોઈએ.
બાકી ઘણા લોકો તો ગંગા કિનારે કે નર્મદા કિનારે પણ નવો સંસાર ઉભો કરી નાખે છે.(આશ્રમો)

ગોવર્ધનલીલામાં “ગો” શબ્દનો અર્થ “ઇન્દ્રિયો”અને .”વર્ધન” એટલે “વૃદ્ધિ” એવો થાય છે.
ઇન્દ્રિયોની વૃદ્ધિ (પ્રવૃત્તિના) ત્યાગથી અને ભક્તિ વધારવાથી થાય છે,ભોગથી નહિ.
ભોગમાં તો ઇન્દ્રિયો ઘસાય છે.માટે ઇન્દ્રિયોને ભોગમાર્ગમાંથી હટાવી ભક્તિ માર્ગમાં વાળવાની છે.
અને આવે વખતે ઇન્દ્ર (દેવો) બહુ વરસાદ (વાસનાઓ નો) પાડે છે.

ભાગવત માં વર્ણન આવે છે કે-વ્રજવાસીઓ ગિરિરાજ ના ચરણમાં આવ્યા (નિવૃત્તિ લઇ ભક્તિના શરણમાં આવ્યા)-ત્યારે ઇન્દ્ર રાજાએ ખૂબ વરસાદ (વાસનાઓ નો વરસાદ) વરસાવ્યો.
મનુષ્ય જયારે નિવૃત્તિ લઇ જ્ઞાન-ભક્તિ વધારવાનો પ્રયત્ન કરે છે તે દેવોથી (ઇન્દ્ર વગેરે દેવો) સહન થતું નથી. ઉપનિષદમાં વર્ણન આવે છે કે-જો કોઈ સતત બ્રહ્મચિંતન કરે તો તે ચિંતનમાં ઇન્દ્ર વિઘ્ન કરે છે.
ઇન્દ્ર વગેરે દેવો વિચારે છે કે જો મનુષ્ય ધ્યાનમાં આગળ વધશે તો અમારા માથા પર પગ મૂકી આગળ જશે. એટલે મનુષ્યના ધ્યાનમાં-સત્કર્મમાં માત્ર મનુષ્યો જ વિઘ્ન કરે તેવું નથી. દેવો પણ વિઘ્ન કરે છે.

જીવ સતત પરમાત્માનું ધ્યાન (ભક્તિ) કરે તો તે દેવો કરતાં પણ શ્રેષ્ઠ બને છે.
એટલે દેવોને થાય છે કે આ આપણા કરતાં શ્રેષ્ઠ થશે તો આપણું શું થશે ?
એટલે તે દેવો (ઇન્દ્ર વગેરે) વાસનાઓનો વરસાદ વરસાવે છે.(ઇન્દ્ર એ ઇન્દ્રિયોનો અધિપતિ દેવ છે)
મનુષ્ય જયારે સર્વ પ્રવૃત્તિ છોડી,નિવૃત્તિમાં બેસે ત્યારે ઇન્દ્રિયો ત્રાસ આપે છે,નિવૃત્તિમાં ઇન્દ્રિયો,
વિષયસુખનું સ્મરણ કરવા માંડે છે,એટલે નિવૃત્તિનો આનંદ મળતો નથી અને જીવ ગભરાય છે.

આવે વખતે ગોવર્ધનનાથનો આશ્રય લેવાનો છે.
ઇન્દ્ર વરસાદ વરસાવે છે તે વખતે વ્રજવાસીઓએ ગિરિરાજનો (ગોવર્ધનનાથનો) આશ્રય લીધો છે.
નામસેવા-સ્વરૂપસેવા (ભક્તિ) નો જે આશ્રય લે તે વાસનાના વરસાદનો વેગ સહન કરી શકે છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE