Sep 3, 2020

ભાગવત રહસ્ય -૩૮૦

પરમાત્માની ભક્તિ વધારવા માટે કોઈ પણ સાધન કરવાનું છે.આખું વર્ષ સતત ભક્તિ થાય તે સારું છે,પણ તેમ ના થઇ શકે તો વર્ષમાં એકાદ મહિનો નિવૃત્તિ લઇ કોઈ પવિત્ર સ્થળમાં એકાંત માં જપ,ધ્યાન,પ્રાર્થના વગેરે કરવાથી ધીરે ધીરે ભક્તિ વધે છે.
કોઈ ગરીબ માણસને ઈચ્છા થાય કે-મારે વિષ્ણુયાગ યજ્ઞ કરાવવો છે.પણ તે ક્યાંથી કરાવી શકે ? પાસે પૈસા ના હોવાથી-વિષ્ણુયાગ યજ્ઞ નો ખર્ચો તે કરી શકે નહિ.કહ્યું છે –કે-કોઈ વિષ્ણુસહસ્ત્ર નામના ૧૫૦૦ પાઠ કરે અને કોઈ ગરીબને જમાડે તો તેને વિષ્ણુયાગનું પુણ્ય મળે છે.કમ સે કમ-પવિત્ર સ્થળમાં રહી વિષ્ણુસહસ્ત્ર નામના પાઠ પણ કરી શકાય.

સંસારની પ્રવૃત્તિમાં રહી ભક્તિ કરવી કરવી કઠણ છે.
મહાત્માઓ ગમે તેટલું કહે પણ મનુષ્ય નદી કિનારે (ગંગા-નર્મદા કિનારે) જઈ ભક્તિ કરવાનો નથી.
એટલે તે સાથો સાથ એ પણ કહે છે કે-ઘરમાં ભલે રહો,પણ બાબા-બેબી અને તેની મા ની ભક્તિ કર્યા વગરભગવાન સાથે ધીમે ધીમે નાતો (સંબંધ) જોડો. પવિત્ર સ્થાનમાં રહી ભક્તિ કરવી ઉત્તમ છે,પણ જો ઘર ને જ પવિત્ર તીર્થ જેવું પવિત્ર સ્થાન બનાવવામાં આવે તો તે પણ ઉત્તમ છે.

મહાત્માઓ સંસારની પ્રવૃત્તિ છોડવાનું કહેવાનું કહે તો કોઈ છોડવાના નથી.
પણ સંસાર માં રહી ને ધીમે ધીમે થોડી થોડી પ્રવૃત્તિ ઓછી કરી શકાય. અથવા......
પ્રભુએ જે આપ્યું હોય તેમાં સંતોષ માનવામાં આવે તો,અતિ પ્રવૃત્તિ (વધુ પડતી પ્રવૃત્તિ) નિવારી શકાય.
શરૂઆતમાં નિવૃત્તિમાં સંસાર યાદ આવે અને ભક્તિમાં મન ના ડુબે –એટલે તેને ભક્તિનો આનંદ મળતો નથી,તેથી મનુષ્ય વિચારે છે કે-પ્રવૃત્તિનો આનંદ શું ખોટો હતો ? 
એટલે પાછો તે વિષયાનંદ ભોગવવા લાગી જાય છે.

પણ જો એક વાર મનુષ્ય નિશ્ચય કરે અને નક્કી કરે કે મારે-ભક્તિનો આનંદ મેળવવો જ છે.
અને એક વાર એ જો એ ભક્તિના આનંદનો ચટકો લાગે તો –વિષયાનંદ વિષ (ઝેર) જેવો લાગે છે.
મહાત્માઓ કહે છે કે-એક વાર નિશ્ચય કરો કે –સંસારનું સુખ મેં અનેકવાર ભોગવ્યું પણ તેમાં આનંદ મળ્યો નથી,શાંતિ મળી નથી.તેમાં કંઇ સાર નથી,સંસાર-સુખની મજા તો પશુ-પક્ષીઓ પણ માણે છે,
ચકલા-ચકલી મહેનત કરી માળો બાંધે છે,પ્રજા ઉત્પન્ન કરે છે,અને સમય આવે તે પ્રજા ઉડી જાય છે.
માટે-હવે એક વાર મારે ભક્તિનો આનંદ લેવો છે,હવે મારે વિષયાનંદ ભોગવવો નથી,

શરુ શરુમાં ભલે કદાચ નિવૃત્તિનો –ભક્તિનો આનંદ ના આવે પણ 
'મારે ભક્તિ છોડવી નથી.ભક્તિ નો આનંદ –મારે એક વાર મેળવવો જ છે' 
આવા નિશ્ચય થી ભક્તિ નો આનંદ મળે જ છે અને 
એકવાર તે આનંદ મળી ગયો કે તેનો સ્વાદ ચાખ્યો તો-તેની આગળ વિષયાનંદની કોઈ જ કિંમત નથી.

ઉકરડામાં અત્તરની સુગંધ આવી શકે જ નહિ. તે પ્રમાણે પ્રવૃત્તિમાં ભજનાનંદ-બ્રહ્માનંદ મળી શકે નહિ.
સંસારના ભોગોમાં ફસાયેલા અને વિલાસી લોકોના સંગમાં રહેવાથી મન હંમેશા ચંચળ રહે છે,
એટલે આજ્ઞા કરી છે કે-ઘર છોડી પવિત્ર તીર્થ સ્થળે જાવ.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE