Aug 31, 2020

ભાગવત રહસ્ય -૩૭૭

ગાયોથી ઘેરાઈને,બંસરી વગાડતા, ટેર-કદંબ (ઝાડ) પર બેઠેલા કનૈયાના ચિત્રની જરા આંખ બંધ કરીને કલ્પના કરવા જેવી છે.ગોપીઓ આ વેણુનાદ (વેણુગીત)ની વાતો કરતાં જાણે ધરાતી નથી.ગાયોની જેમ તેમને પણ લાલાની નજીક દોડી જવું છે.બીજી એક ગોપી કહે છે-કે- અરી સખી તને હું એક ખાનગી વાત કહું ? ગાયોથી ઘેરાઈને બેઠેલા લાલાને જોઈ ને અને લાલાના પગ ચાટીને લાલાનો સંસર્ગ પામતી ગાયોને જોઈને હું બાવરી થઇ જાઉં છું,મને પણ એવી ઈચ્છા થાય છે કે હું પણ દોડતી દોડતી જાઉં અને લાલાને આલિંગન આપું,લાલાનો સંસર્ગ પામું.પણ લોક લજ્જાને કારણે,એક સ્ત્રી હોવાને કારણે ઘરમાંથી હું જઈ શકતી નથી.

આ ગોપી ને હજુ લોક લજ્જાનું, દેહાધ્યાસનું (હું સ્ત્રી છું) તેવું સૂક્ષ્મ ભાન છે.પણ આ જ ગોપી જયારે સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાન ભૂલી જશે (દેહાધ્યાસ ભૂલી જશે) ત્યારે જ તેને પૂર્ણ ગોપીભાવ પ્રાપ્ત થશે અને રાસલીલામાં તેને સ્થાન મળશે. રાસલીલામાં દેહાધ્યાસને સ્થાન નથી.

શ્રીકૃષ્ણ બંસીનાદથી ગાયોને જયારે બોલાવે છે ત્યારે,નદીઓને પણ ભ્રાંતિ (ભ્રમ) થાય છે કે-
કનૈયો અમને બોલાવે છે.પણ નદી બિચારી શ્રીકૃષ્ણ પાસે જઈ શકતી નથી.એટલે પોતાના તરંગ રૂપી હાથમાં, કમળ-પુષ્પો લઇ જે દિશામાંથી વેણુનાદ આવે છે તે દિશામાં કમળ ફેંકે છે.અને ભગવાનનું અભિવંદન કરે છે.જડ અને ચેતન સર્વ બંસીનાદથી મોહિત થાય છે.
આજે મુરલી ના મધુર ધ્વનિથી સમસ્ત સૃષ્ટિ આનંદમાં મગ્ન બની છે.

વેણુગીત એ નાદ-બ્રહ્મની ઉપાસના છે.
નામબ્રહ્મમાં મનનો લય ના થાય ત્યાં સુધી નાદબ્રહ્મ થતો નથી. નાદબ્રહ્મથી પરબ્રહ્મ (કનૈયો) મળે છે.
દ્રષ્ટા (જોનાર) અને દૃશ્ય (જોવાની વસ્તુ –ઈશ્વર) બંને એક થાય ત્યારે દર્શનમાં તન્મયતા આવે છે.
ગોપીઓની તન્મયતા કેવી હશે ?!! કે ઘરમાં બેઠાં કનૈયાની મોરલીનો વેણુનાદ સાંભળે છે!!!
ઈશ્વર તો રોજ મોરલી વગાડી જીવને પોતાની તરફ બોલાવે છે પણ જીવને તે નાદ સંભળાતો નથી.

ગોપીઓના ઘરમાં એક જ વિષય છે-અને તે કનૈયો.
લાલાની વાતો કરતાં, વૃંદાવન ની વાતો કરતાં,ભગવાન શ્રીકૃષ્ણની ક્રીડા (લીલા)ની કથા કરતાં –
ગોપીઓ શ્રીકૃષ્ણમય –તન્મય થાય છે અને વિના પ્રયાસે (અનાયાસે) તેમને સમાધિ લાગી છે.
યોગીઓ સમાધિ લગાવે ત્યારે નાક પકડે છે,આંખ બંધ કરે છે,(પ્રાણાયામ-પ્રત્યાહાર કરે છે) 
જયારે ગોપીઓ નથી નાક બંધ કરતી કે નથી આંખ બંધ કરતી !!
અંદર-બહાર શ્રીકૃષ્ણનાં દર્શન કરતાં,ખુલ્લી આંખે ગોપીઓને અનાયાસે સમાધિ લાગી છે.

જે બ્રહ્મ (ઈશ્વર)ના દર્શન કરવા યોગીઓ(જ્ઞાનીઓ) મથે છે,(પ્રાણાયામ વગેરેનું કષ્ટ કરે છે)
તે બ્રહ્મનાં દર્શન ગોપીઓ કોઈ પણ જાત ની મથામણ વગર વિના પ્રયાસે કરે છે.(કોઈ પણ કષ્ટ વગર)
એક એક ઇન્દ્રિયોને ભક્તિરસનું દાન કરીને શ્રીકૃષ્ણમાં તન્મય કરવાથી,
અનાયાસે મનનો-ચિત્તનો નિરોધ થાય છે અને યોગીઓને જેવો બ્રહ્માનંદ મળે છે તેવો બ્રહ્માનંદ મળે છે.

ગોપીઓની આ સમાધિ (બ્રહ્માનંદ ની પ્રાપ્તિ) દિવ્ય છે.ગોપીઓ નો વસ્ત્ર સંન્યાસ નથી,પણ પ્રેમસંન્યાસ છે.
ગોપીઓએ શ્રીકૃષ્ણ માટે સંસારનાં સુખો નો ત્યાગ કર્યો છે.
એટલે જ જેણે વસ્ત્રો પણ ત્યાગી દીધા છે તેવા શુકદેવજી,સાડી પહેરેલી ગોપીઓની (પ્રેમ-સંન્યાસીનીઓની)
કથા કરતાં,લાલાની લીલાઓનું વર્ણન કરતાં પાગલ બન્યા છે.(જ્ઞાન પર ભક્તિનો આ વિજય છે)
આ કોઈ ગોપીઓની કથા નથી,પણ આ તો જ્ઞાનીઓની કથા છે,પરમહંસ યોગીઓની કથા છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE