Sep 24, 2020

ભાગવત રહસ્ય -૪૦૦

ગોપીઓ ની કૃષ્ણ-મિલન ની આતુરતા નું વર્ણન કરતાં કહે છે કે-કેટલીક ગોપીઓ કે જે ગાયો દોહતી હતી તે વાંસળી નો અવાજ સાંભળતાની સાથે જ –અત્યંત ઉત્સુકતા-વશ તે ગાયો દોહવાનું કામ છોડીને શ્રીકૃષ્ણ તરફ દોડવા લાગી.દેહાધ્યાસ (દેહનું ભાન) જાય ત્યારે આવી સ્થિતિ થાય છે.એક ગોપી શૃંગાર કરતી હતી ત્યાં વાંસળીનો અવાજ તેણે સાંભળ્યો.તે સુધબુધ ભૂલી ગઈ છે ને આંખોમાં મેંશ આંજવાને બદલે કંકુ આંજી ને દોડી છે.વળી બીજીએ તો ચંદ્ર્હાર ગળામાં પહેરવાને બદલે હાથમાં પહેરી ને દોડી છે. ત્રીજી ઘરમાં લીંપવાનું કામ કરતી હતી,તેના હાથ છાણ થી ખરડાયેલા હતા,તે ધોયા વગર જ,તેવી ને તેવી સ્થિતિમાં શ્રીકૃષ્ણને મળવા દોડી છે.

સામાન્ય રીતે સ્ત્રીઓ બની-ઠનીને ,દર્પણમાં મુખ જોયા વગર બહાર નીકળતી હોતી નથી.
પણ અહીં ગોપીઓ નો દેહાધ્યાસ (દેહનું ભાન-સ્ત્રી ભાવ) રહ્યો નથી તે ભાવ બતાવવા માગે છે.  
ઈશ્વરને મળવાની આવી આતુરતા,આવી વ્યાકુળતા હોવી જોઈએ.

રામકૃષ્ણ પરમહંસ એક સુંદર દૃષ્ટાંત હંમેશાં આપતા.
એક શિષ્યે પોતાના ગુરૂને પૂછ્યું કે-ઈશ્વર ને પ્રાપ્ત કરવા કેવી જીજ્ઞાસા-કેવી વ્યાકુળતા જોઈએ ?
ગુરુએ કહ્યું-એ શબ્દનો વિષય નથી.શબ્દથી તેનું વર્ણન થઇ શકે નહિ,એ અનુભવનો વિષય છે.
હું કોઈ પ્રસંગ આવશે ત્યારે તને આ વાત સમજાવીશ.

એક દિવસ ગુરૂ-શિષ્ય નદીએ સ્નાન કરવા ગયા.શિષ્યે જેવી પાણીમાં ડૂબકી મારી એટલે ગુરૂ એ તેનું મસ્તક
પકડી અને પાણીની અંદર દબાવી રાખ્યું.શ્વાસ વગર શિષ્યનો જીવ મુંઝાવા લાગ્યો,અને એકદમ વ્યાકુળ થઇ 
તરફડિયાં મારવા લાગ્યો.એટલે ગુરુએ તેનું મસ્તક છોડી દીધું. શિષ્ય પાણીમાંથી બહાર નીકળ્યો.
એટલે ગુરુએ પૂછ્યું –કેમ પ્રાણવાયુ વગર તારા પ્રાણ કેવા અકળાતા હતા ?
શિષ્ય કહે છે કે-પ્રાણ અકળાવાની વાત છોડો,મને તો લાગ્યું કે હમણાં જ મારા પ્રાણ છૂટી જશે.
ગુરુએ કહ્યું કે-ઈશ્વર ને માટે આવો જ તરફડાટ,આવી જ વ્યાકુળતા,આવો જ તલસાટ થવો જોઈએ.
અને તો જ ઈશ્વર મળે,તો જ ઈશ્વરનાં દર્શન થાય.આતુરતા વગર દર્શન થતા નથી.

મીરાબાઈ નો પણ આવો જ તલસાટ હતો,તે કહે છે કે-
“તુમ દેખ્યા બિન કલ ન પડત હૈ,તડપ તડપ જીવ જાસી”
“શ્યામ બિના જીયડો મુરજાવૈ જૈસે જળ બિન બેલી”

આ સાધારણ  સ્ત્રી ની કથા નથી,પણ દેહભાન ભૂલેલી ,મહાન ભગવદભક્ત ગોપીઓની કથા છે.
ગોપીઓનાં સગાંસંબંધીઓ તેઓને અટકાવે છે,પણ તે અટકતી નથી.કારણ કે-
તેઓનું મન મનમોહને હરી લીધું હતું.

ગોપી એ હૃદયનો શુદ્ધ ભાવ છે.લૌકિક “નામ” ની “પૂર્ણ વિસ્મૃતિ” થાય છે ત્યારે ગોપીભાવ જાગે છે.
તેથી તો કોઈ ગોપીનું નામ રાસલીલા માં આવતું નથી.”ગોપાય શ્રીકૃષ્ણમ” જે શ્રીકૃષ્ણ ને હૃદયમાં ગુપ્ત રાખે છે 
તે ગોપી છે.જેના મનમાં શ્રીકૃષ્ણ સિવાય બીજું કશું નથી તે ગોપી છે.
ઇન્દ્રિયો દ્વારા ભક્તિરસનું પાન કરે તે ગોપી છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE