Sep 19, 2020

ભાગવત રહસ્ય -૩૯૬

આપણા શરીરમાં રુધિર,માંસ,હાડકાં છે.પણ શ્રીકૃષ્ણના “શ્રી અંગ”માં રુધિર માંસ નથી.તેમના શરીરમાં કેવળ આનંદ જ ભર્યો છે.શ્રીકૃષ્ણ આનંદ છે અને આનંદ શ્રીકૃષ્ણ છે.”નિરાકાર” આનંદ એ “નરાકાર” શ્રીકૃષ્ણનું સ્વરૂપ છે.આવા સ્વયં આનંદરૂપ અને આનંદથી ભરેલા શ્રીકૃષ્ણને કોઈ સુખ ભોગવવાની ઈચ્છા થઇ શકે? કે આવા આનંદરૂપ શ્રીકૃષ્ણ શું મળ મૂત્રથી ભરેલા શરીર સાથે રાસ રમી શકે ? જે પરમાત્મા (શ્રીકૃષ્ણ) નું યોગીઓ (મહાત્માઓ) ધ્યાન કરે છે, તેવા મહાત્માઓ પણ જો –મળમૂત્ર થી ભરેલા શરીરથી દૂર રહેતા હોય તો,તે પરમાત્મા તેવા મળમૂત્રથી ભરેલા શરીરો સાથે કેવી રીતે રમી શકે ? જે ભગવાન માં માત્ર આનંદ ભરેલો છે તે ભગવાન આવાં “શરીરો “ ને અડકતા પણ નથી.

લૌકિક દૃષ્ટિ થી જુઓ તો પણ રાસલીલા માં કામ સંભવી શકે નહિ.કારણકે-
શ્રીકૃષ્ણ ની ઉંમર તે વખતે માત્ર આઠ વર્ષની હતી.અને આઠ વર્ષના બાળકમાં કામભાવ જાગી શકે જ નહિ.

એક પતિ ને જો અનેક પત્નીઓ હોય તો તે સ્ત્રીઓમાં અંદર-અંદર મત્સર (ઈર્ષા) ચાલતી હોય.
પણ અહીં એક કનૈયા પાછળ પાગલ થનારી ગોપીઓ માં કોઈ મત્સર (ઈર્ષા) દેખાતો નથી.
એટલે આ રાસલીલા સાધારણ સ્ત્રી-પુરુષનું મિલન નથી.
અને જો હોય તો શુકદેવ જી આવી રાસલીલા ની કથા કરે જ નહિ.

ગોપીઓ ના બે મુખ્ય ભેદ બતાવ્યા છે. (૧) નિત્યસિદ્ધા ગોપીઓ અને (૨) સાધનસિદ્ધા ગોપીઓ.
(૧) નિત્યસિદ્ધા ગોપીઓ તે છે કે જે કનૈયા સાથે આવેલી છે.
(૨) સાધનસિદ્ધા ગોપીઓ-ના અનેક ભેદ છે—શ્રુતિરૂપા,ઋષિ રૂપા,સંકીર્ણરૂપા,અન્યપૂર્વા,અનન્ય પૂર્વા વગેરે-

--શ્રુતિરૂપા ગોપીઓ-વેદના મંત્રો ગોપીઓ થઇ ને આવેલા છે.
વેદો એ ઈશ્વર નું પુષ્કળ વર્ણન કર્યું,વર્ણન કરતાં વેદો થાકી ગયા પણ ઈશ્વર નો “અનુભવ” ના થયો.
ઈશ્વર એ કેવળ વાણીનો વિષય નથી,વાણી થી ઈશ્વર નું વર્ણન થઇ શકે નહિ,ઈશ્વર એ “અનુભવ” છે.
વેદાભિમાની દેવો બ્રહ્મસંબંધ કરવા –ગોપીઓ થઇ ને આવ્યા છે.
--ઋષિરૂપા ગોપીઓ-ઋષિઓ એ અનેક વર્ષો તપશ્ચર્યા કરી,પણ મનમાંથી કામ ના ગયો-એટલે-
એ કામને શ્રીકૃષ્ણ ને અર્પણ કરવા-બ્રહ્મસંબંધ કરવા ઋષિઓ ગોપીઓ થઇ ને આવ્યા છે.
--સંકીર્ણરૂપા ગોપીઓ-પ્રભુ ના મનોહર સ્વરૂપને નિહાળતાં જે સ્ત્રીઓ ને પ્રભુને પામવાની ઈચ્છા થઇ-
તે ગોપીઓ થઇ ને આવી છે-દાખલા તરીકે-શૂર્પણખા વગેરે
--અન્યપૂર્વા ગોપીઓ-સંસારમાં જન્મ્યા પછી સંસારસુખ ભોગવી –સંસારસુખમાં સૂગ આવે અને પ્રભુને
પામવાની ઈચ્છા થાય તે ગોપીઓ થઈને આવ્યા છે-દાખલા તરીકે તુલસીદાસ જેવા સંતો-વગેરે
--અનન્યપૂર્વા ગોપીઓ-જન્મથી જ નિર્વિકાર,નૈષ્ઠિક બ્રહ્મચારી,અને જન્મથી જ પ્રભુમાં પ્રેમવાળા,
પર્ણ વૈરાગ્યવાળા પ્રભુમાં મળી જવા ગોપીઓ થઇ ને આવેલા છે તે-દા.ત.-શુકદેવજી,મીરાં –વગેરે.

અનેક ભોગો ભોગવવા છતાં શ્રીકૃષ્ણ નિષ્કામ છે. કારણકે-તેમને તે ભોગોમાં આસક્તિ નથી,વાસના નથી.
નિષ્કામ શ્રીકૃષ્ણનું સતત ધ્યાન કરે અને કામ શ્રીકૃષ્ણ ને અર્પણ કરે -તે નિષ્કામ બને છે.
શેકેલા ચણા માંથી જેમ બીજ અંકુરિત થતું નથી-
તેમ શ્રીકૃષ્ણ ને કામ અર્પણ કર્યા પછી કામ અંકુરિત થતો નથી (ઉદભવતો નથી)
કામભાવે પણ જે નિષ્કામનું ચિંતન કરે છે-તે પરિણામે નિષ્કામ બને છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE