Sep 8, 2020

ભાગવત રહસ્ય -૩૮૫

ભગવાન ના ત્રણ સ્વરૂપો છે.
(૧) આધિભૌતિક સ્વરૂપ- આ જે ગોવર્ધનનાથ (ઠાકોરજી) રૂપે જે દેખાય છે તે-
(૨) અધ્યાત્મ સ્વરૂપ- સર્વમાં ઠાકોરજી (ભગવાન) રહેલા છે (આત્મારૂપે) તે 
(૩) આધિદૈવિક સ્વરૂપ-ખૂબ સેવા-સ્મરણ કરવામાં આવે ત્યારે ભગવાન આધિદૈવિક-રૂપે પ્રગટ થાય છે.

ઉદાહરણ તરીકે-સૂર્યને જોઈએ તો-
આપણી આંખને જે સૂર્ય દેખાય છે –તે આધિભૌતિક સ્વરૂપ છે.
તે જ સૂર્ય સર્વમાં આંખને દેખાય છે –તે અધ્યાત્મ સ્વરૂપ છે.અને 
કોઈ બહુ જાપ કરે તો સૂર્યદેવતા (પ્રકાશ રૂપે) આધિદૈવિક રૂપે પ્રગટ થાય છે.

વ્રજવાસીઓ હવે પૂછે છે-કે-લાલા હવે ગોવર્ધનનાથને ચોખાથી વધાવીએ ?
લાલો કહે છે-કે- ના,ના,આંખ-કાનમાં ચોખા જાય તો મારા ઠાકોરજીને કેટલો ત્રાસ થાય ?
મારા ઠાકોરજીને તો મોતીઓથી વધાવો.
લાલાના ગળામાં મોતીની કંઠી હતી તે તોડી નાંખી,અને બધાંને મોતી આપ્યાં છે.

સુંદર મોતીને હાથમાં જોઈ ગોપ બાળકો ખુશ થયા છે. અને,લાલા ને કહેવા લાગ્યાં કે-લાલા,
આ એક એક મોતી તો ખૂબ કિંમતી છે, અમને થાય છે કે –મોતી ઘેર લઇ જઈ તેની માળા બનાવીએ.
ત્યારે કનૈયો કહે છે કે –તમે આવી કંજુસાઈ ના કરો,ગોવર્ધનનાથને અર્પણ કરશો તો-જો જો –
આવા મોતી ની કોઠીઓ તમારા ઘેર ભરાશે.લક્ષ્મીજી તમારા ઘરમાં કાયમ રહેશે.

જે ઘરમાં લક્ષ્મીજીનો ઉપયોગ નારાયણની સેવામાં થાય છે,ત્યાં લક્ષ્મીજી અખંડ વિરાજે છે.
પણ આ જીવ એવો છે કે-તે જે વાપરે છે તેનાથી વધારે મળવાનું હોય તો જ વાપરે છે.
અને નારાયણની સેવામાં વાપરવાની કંજુસાઈ કરે છે.

ગોપબાળકો ગોવર્ધનનાથને મોતી થી વધાવે છે.અને પૂછે છે કે-લાલા હવે શું કરવાનું ?
ત્યારે કનૈયો કહે છે કે-મારા ઠાકોરજીને હવે ભૂખ લાગી છે,માટે બધી સામગ્રી લાવો.
વ્રજવાસીઓ બધી સામગ્રી લઇ આવ્યા અને કિલ્લા આકારે ગોઠવી તુલસીદલ અર્પણ કર્યું.
બધાં પૂછે છે કે-લાલા,તારા ગોવર્ધનનાથ ને શું ભૂખ પણ લાગે છે ? તે શું સાચેસાચ આરોગશે ?
લાલો કહે છે-કે-હા મારો નાથ તો જીવતી-જાગતી જ્યોત છે તે પ્રત્યક્ષ આરોગશે.

કનૈયો હવે પ્રાર્થના કરે છે-કે-હે ગોવર્ધનનાથ,તમને તો કોણ જમાડી શકે ? તમે તો જગતને જમાડો છો.
સર્વનું પોષણ કરો છે.પણ અમે પ્રેમથી તમારા માટે લાવ્યા છીએ,તો અમારી ભાવના છે કે આપ આરોગો 
અમે નિહાળીએ.

અને તે વખતે જ લાલાએ લીલા કરી,એક સ્વરૂપે ત્યાં પ્રાર્થના કરે છે અને એક સ્વરૂપે ગિરિરાજના 
શિખર પર “ચતુર્ભૂજ નારાયણ” રૂપે પ્રગટ થયા છે.પરમાનંદ થયો છે.
કનૈયો નંદબાબાને કહે છે-કે-બાબા આ સાક્ષાત પરમાત્મા છે.સર્વ લોકો નારાયણને વંદન કરે છે.
આજે કનૈયો પોતે જ પોતાને વંદન કરે છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE