Sep 7, 2020

ભાગવત રહસ્ય -૩૮૪

શ્રીકૃષ્ણે જેવી ગોવર્ધનનાથને પ્રાર્થના કરી –તે જ સમયે ગિરિરાજમાંથી ખળખળ કરતાં ગંગાજી પ્રગટ થયાં છે.(ગિરિરાજ ની પરિક્રમામાં માનસી ગંગા આવે છે) ગોપબાળકો બોલવા લાગ્યાં “કનૈયા આ તો નદી નીકળે છે.” 
કનૈયો સમજાવે છે કે-આ સામાન્ય નદી નથી.આ તો ગંગાજી છે.
ગોવર્ધનનાથનો અભિષેક થયો છે.અભિષેકમાં ધારાનું ખંડન ના થવું જોઈએ.
ખંડન થાય તો અભિષેકમાં ભંગ થાય છે.તેમ ઠાકોરજીની પૂજામાં પણ સાવધાન રહેવાનું છે,મનની ધારા ખંડિત ના થાય.મન ઠાકોરજીથી દૂર ના જાય.

તે પછી કનૈયો ગોવર્ધનનાથનો શૃંગાર કરે છે.શ્રીકૃષ્ણ પોતે જ (પોતાનો) ગોવર્ધનનાથનો શૃંગાર કરે,તો પછી 
તે શૃંગારમાં શું બાકી રહે ? જરા વિચાર કરવામાં આવે તો...મોરના પીંછાનું કે સુંદર ફૂલોનું ચિતરામણ કરી નિર્માણ કોણ કરે છે ? ચિત્રકાર કદાચ ચીતરી શકે પણ તેનું નિર્માણ કરી શકે ? 
માત્ર પરમાત્મામાં જ દિવ્ય શક્તિ છે.કે જે જાત ભાતના રંગો ભરી "પૃથ્વી" નો શૃંગાર કરે છે.!!!

વ્રજવાસીઓ અને ગોપબાળકો કહે છે-કે લાલા,તારો ઠાકોર ગાલમાં ધીમું ધીમું હસે છે.
અભિષેકના દર્શન માં સર્વને ઘણો આનંદ આવે છે.
વ્રજવાસીઓ તે પછી ચંદનની અર્ચા લાવ્યા છે.કનૈયો કહે છે-કે-આ શિયાળાનો દિવસ છે,બહુ ઠંડી છે,
ચંદનની અર્ચ કરો તો મારા ભગવાનને શરદી થઇ જશે.મારા ભગવાનને પરિશ્રમ થશે.
ગોપબાળકો કહે છે કે-તો કંકુનું તિલક કરીએ તો ? ત્યારે કનૈયો કહે છે કે- હા,કંકુનું તિલક ચાલશે,
પણ બધા ધ્યાન રાખી ને તિલક કરજો,નાકમાં કંકુ જાય તો,મારા ઠાકોરજીને છીંક આવે.

નંદબાબા પૂછે છે કે-લાલા તારા ઠાકોરજીને છીંક પણ આવે છે ?
શ્રીકૃષ્ણ કહે છે કે -કેમ નહિ? બાબા,આપણે થોડા પહાડની પૂજા કરવા આવ્યા છીએ ? 
બાબા આ પહાડ નથી,પણ પ્રત્યક્ષ પરમાત્મા છે.(જડમાં પણ ચેતનતાની ભાવના કરવાની છે)
પરમાત્માની મૂર્તિની સેવા કરીએ ત્યારે,તે માત્ર જડ મૂર્તિ છે તેવું માનવાનું નથી.
ભગવાન આરોગતા નથી એમ માની ભગવાનને ભોગ ના ધરાવો,તો ભગવાન ક્યાંથી ભોગ આરોગે ?


પોતાના દેહમાં પ્રેમ રાખીએ છીએ તેવો જ પ્રેમ ભગવાનની મૂર્તિમાં રાખવો જોઈએ.
સેવા કરનાર પોતાના સુખનો વિચાર કરે તો તેનાથી સેવા થઇ શકતી નથી.આત્મસુખનો ભોગ આપે ત્યારે સેવા થાય છે.પોતાના શરીરના બહુ લાડ કર્યા વગર શરીરનો કસ કાઢે તો ત્યારે,સેવા થાય છે.
બાકી તો ઘણા ને પોતાને ગુલાબજાંબુ ખાવાનું મન થાય તો તે ગુલાબજાંબુ બનાવડાવીને –
ઠાકોરજી આગળ બે સેકંડ મૂકી-પોતે તે ગુલાબજાંબુ આરોગી જાય છે.
સાચે તો-ઠાકોરજીને પૂછવાનું છે -કે-પ્રભુ આજે આપને શું ખાવાની ઈચ્છા છે ?

લાલાએ આજે ગમ્મત કરી છે,એક સ્વરૂપ રાખ્યું છે નંદ બાબા પાસે અને પોતે જ ગિરિરાજની પૂજા કરે છે,
જયારે બીજા એક સ્વરૂપે ગિરિરાજમાં પ્રવેશ કર્યો છે.
વ્રજવાસીઓ,ગોપબાળકો અને નંદ બાબા એકસાથે બોલી ઉઠયા કે-
લાલા,આ ગિરિરાજ તો શ્વાસ લે છે અને બહાર કાઢે છે.લાલા,ગોર્વર્ધનનાથ તો ચેતન છે,જડ નથી.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE