Aug 27, 2020

ભાગવત રહસ્ય -૩૭૩

ભક્તિ માં વિલાસિતા-વિલાસીપણું આવે તો ભક્તિનો નાશ થાય છે.
ભક્તિમાર્ગના આચાર્યો વલ્લભાચાર્યજી,રામાનુજાચાર્યજી,ચૈતન્ય મહાપ્રભુજી વગેરેમાં પરિપૂર્ણ વૈરાગ્ય હતો.તેથી જ તેઓ ભક્તિ કરી શક્યા.પૂર્ણ વૈરાગ્ય વગર ભક્તિ થઇ શકતી નથી.ભક્તિ એ તો જ્ઞાન વૈરાગ્યની જનની (મા) છે.
આ આચાર્યો એક એક વસ્ત્રભેર જગતમાં ફરતા.પણ પાછળથી ભક્તિમાર્ગમાં વિલાસી લોકો (કાલિય-નાગો) દાખલ થઇ ગયા ત્યારથી ભક્તિમાર્ગ બગડ્યો છે,બદનામ થયો છે,વગોવાયો છે.

ઈશ્વરની સેવા કરવી કઠણ છે.સંસારસુખનો જે મનથી પણ ત્યાગ કરે તે જ દેવ-સેવા કરી શકે છે.
શરીરસુખ અને ઇન્દ્રિયસુખમાં જેનું મન ફસાયેલું છે તે સેવા કરતો નથી પણ સેવાનો ઢોંગ કરે છે.
મહાપ્રભુજીએ આજ્ઞા કરી છે કે-પ્રભુસેવામાં અનુરાગ રાખો અને શરીર અને ઇન્દ્રિયોના સુખોમાં વૈરાગ્ય રાખો,તો જ સેવામાં-ભક્તિમાર્ગમાં આગળ વધી શકાશે.સ્વાર્થી મનુષ્ય સેવા કરી શકતો નથી.

શ્રીકૃષ્ણે બીજા બધા દૈત્યોને માર્યા પણ કાલિયનાગને માર્યો નથી,પણ નાથ્યો છે.
કાલિયનાગ એ ઇન્દ્રિયોનું સ્વરૂપ છે.એટલે ઇન્દ્રિયોને મારવાની નથી પણ નાથવાની છે.
ઇન્દ્રિયોને સમજાવીને તેને વિવેકથી વશ કરવાની છે,પ્રભુના માર્ગમાં વાળવાની છે.
જેમ તપેલી જો સાફ ના હોય અને જો તેમાં દૂધ ભરવામાં આવે તો દૂધ બગડી જાય છે,
તેમ જો ઇન્દ્રિયો શુદ્ધ ના હોય તો ભક્તિરસ તેમાં ટકતો નથી.ઇન્દ્રિયોમાંથી વાસનાનું ઝેર કાઢવું જ પડે છે.


એમ પણ કહેવાય છે કે સિંહણનું દૂધ સોનાના પાત્ર માં જ ટકે છે.માટીના કોડિયા માં નહિ.
જેમ સિંહણનું દૂધ અતિ દુર્લભ છે,તેમ ભક્તિરસ પણ અતિદુર્લભ અને અલૌકિક છે.
(કોઈ કવિએ ક્યાંક કહેલું છે કે-
હૃદય છે પાત્ર માટીનું,ને,પ્રીતિ દૂધ સિહણનું, ના તરડે તો શું કરે ?પાત્ર નાજુક ક્ષીર વસમા છે.)

જ્ઞાનમાર્ગમાં ઇન્દ્રિયો સાથે ઝગડો કરવો પડે છે,ઇન્દ્રિયોને મારવી પડે છે.
જયારે ભક્તો ઇન્દ્રિય-રૂપી ફૂલ ભગવાન ને અર્પણ કરે છે.
ઈન્દ્રિયોને સમજાવી પ્રભુના માર્ગ માં વાળવું પ્રમાણ માં સહેલું છે.
શ્રીકૃષ્ણ કાલિયનાગને નાથી તેને રમણદ્વીપ મોકલીને ધરામાંથી બહાર આવ્યા છે.
સર્વને આનંદ થયો છે.અને તે રાત્રિ સર્વે જણાએ તે યમુનાના ધરાના કિનારે જ ગાળી.

તે વખતે વનમાં દાવાનળ સળગ્યો.અને સર્વ વ્રજવાસીઓ દાવાનળથી ઘેરાઈ ગયા.
શ્રીકૃષ્ણે દાવાનળ પી જઈને સર્વનું રક્ષણ કર્યું.શ્રીકૃષ્ણે બે વાર દાવાગ્નિનું પાન કર્યું છે.
બીજી એક્વાર જયારે બાલગોપાળો ખેલકૂદમાં લાગેલા હતા તે વખતે ગાયો દૂર ચરવા નીકળી ગઈ,
ગાયોને શોધવા જતાં ગોપબાળકો દાવાનળમાં ઘેરાઈ ગયા ,ત્યારે પણ શ્રીકૃષ્ણે વિરાટ સ્વરૂપ ધારણ 
કર્યું હતું અને દાવાનળ પી ગયા હતા.

સંસાર એ દાવાગ્નિ છે, તે ચારે બાજુથી સળગે છે અને ચારે બાજુથી તે જીવને બાળે છે.
ગરીબી એ દાવાગ્નિ છે,સંતાન ના હોય તે દાવાગ્નિ છે,દુઃખ એ દાવાગ્નિ છે.સાહેબ ઓફિસેથી ઘેર આવે અને સાસુ વહુનો ઝગડો ચાલતો હોય તે વખતે લાડીનો પક્ષ લઉં કે મા નો પક્ષ લઉં? શું કરું ? એ દાવાગ્નિ છે.
પ્રતિકૂળ પરિસ્થિતિરૂપ,દુઃખ રૂપી દાવાનળ બાળવા આવે ત્યારે –આંખ બંધ કરી,અંતર્મુખ દૃષ્ટિ કરી,
ભગવાનના નામનું ચિંતન કરવાથી ભગવાન તે દુઃખ ને પી જાય છે,અને દુઃખ દૂર થાય છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE