Jul 29, 2020

ભાગવત રહસ્ય -૩૪૬

યશોદાજી, લાલાને સ્તનપાન કરાવતાં લાલા જોડે એક થયાં છે.અદ્વૈત થયું છે.તે સર્વ સંસારિક કાર્યો ભૂલી ગયા છે,તે ભૂલી ગયા છે કે,થોડા સમય પહેલા ચૂલા પર દૂધ મુક્યું છે.કનૈયાએ અગ્નિ ને આજ્ઞા કરી છે કે- જરા વધુ પ્રજ્વલિત થા, જેથી દૂધમાં ઉભરો આવશે,દૂધ ચૂલામાં પડશે,નુકસાન થશે,અને જો મા મને છોડીને તે દૂધ ઉતારવા જશે,નુકસાન થતું રોકવા જશે તો –તેને સંસાર વહાલો,અને જો તેની (નુકસાનની) ચિંતા નહિ કરે તો હું વહાલો.મારી મા શું કરે છે તે મારે જોવું છે.

ઘણા ઈચ્છે છે –વિચારે છે-કે-વ્યવહાર બરાબર થાય –વ્યવહાર પુરો થઇ જાય પછી –ભક્તિ કરીશ.
પરંતુ વ્યવહાર બરાબર કોઈનો થયો નથી અને થવાનો નથી.
મહાત્માઓ કહે છે કે-સર્વ રીતે જગતમાં કોઈ સુખી થતો નથી,અને થાય તો શાન-ભાન ભૂલે છે.(અહમ)
સંસારમાં અડચણ રોજ આવે છે.પણ નિશ્ચય કરવાનો છે-કે-“હું એક ક્ષણ પણ ઈશ્વર ચિંતન નહિ છોડું”

મહાત્માઓ શ્રીકૃષ્ણ લીલા પાછળ એવા પાગલ બન્યા છે –કે-એક એક લીલા પાછળ વિચારો કર્યા કરે છે.
જેમ જેમ વિચારો કરે તેમ તેમ નવા અર્થો પ્રગટ થાય છે.આ મહાત્માઓ ચોવીસ કલાકમાં એક વાર સ્વાદ વગરનું અન્ન આરોગી રાધે કૃષ્ણનું ચિંતન કરે છે.બીજો કોઈ ધંધો નથી.
પૂતનાએ આંખો બંધ કેમ કરી ?દૂધ ને ઉભરો કેમ આવ્યો ? લાલાએ વાંસળી કેમ વગાડી ?
આવા પ્રશ્નોનું અનેક રીતે ચિંતન કરે છે. અને કૃષ્ણ-લીલા પાછળ પાગલ બને છે.

(૧) એક મહાત્મા કહે છે કે-દૂધને ઈચ્છા હતી કે-યશોદા લાલાને ઓછું ધવડાવે તો લાલાને ભૂખ લાગશે,
એટલે મને પીવા આવશે. “લાલા તું ઓછું ધાવ,ઓછું ધાવ” એમ કહેવા દૂધ કૃષ્ણ તરફ દોડ્યું.ઉભરાયું.
(૨) બીજા મહાત્મા કહે છે-કે-દૂધ યશોદાજીના ઘરનું હતું.યશોદાજીના ઘરમાં કૃષ્ણ કીર્તન –કૃષ્ણ કથા થાય,
તેથી ઘરમાં દૂધને પણ સત્સંગ થયો છે. દૂધને લાલાનાં દર્શન થયા,એટલે લાલા ને મળવા આતુર થયું,
પણ લાલો તેની સામે જોતો નથી એટલે અકળાઈને દૂધ ઉભરાઈ ને લાલાને મળવા ચાલ્યું.

(૩) ત્રીજા મહાત્મા કહે છે કે-દૂધ વિચારે છે –કે- “યશોદાજી લાલાને ધવડાવીને તૃપ્ત કરે છે,એટલે હવે 
લાલા ને ભૂખ રહેશે નહિ અને મને પીશે નહિ.જો મારો ઉપયોગ કૃષ્ણ સેવામાં ના થાય તો મારું જીવન શા કામનું ?હું અગ્નિમાં પડી ને મરી જાઉં.” એ વિચારે દૂધને ઉભરો આવ્યો.
“જીના હૈ ઉસકા ભલા જો ઇન્સાન કે લિયે જીયે.મરના હૈ ઉસકા ભલા જો અપને લિયે જીયે”
પોતાના માટે-કુટુંબ માટે જીવે એ જીવન નથી.પરમાત્મા માટે-પરોપકારમાં પણ જીવન થોડું ઘસવું જોઈએ,
જાતે સુખ ભોગવવાની વાસના ભક્તિમાં બાધક છે,પરમાત્માને –બીજાને સુખી કરવાની ભાવના ભક્તિ છે.

(૪) ચોથા મહાત્મા કહે છે-કે-આ દૂધ ઋષિરૂપા ગાયનું હતું.ઋષિઓ સાધન અને તપ કરીને થાકી ગયા પણ બુદ્ધિ-ગત કામ નો નાશ ના થયો એટલે ગોકુલમાં ગાયો થઇ ને આવેલા.દૂધ ને એવી ઈચ્છા હતી કે-હું લાલા ના પેટમાં જઈશ તો મારો ઉદ્ધાર થઇ જશે.કોઈ કામીના પેટમાં જઈશ તો ભોગવિલાસમાં મારો વિનાશ થશે.મારે વિલાસીના પેટમાં જવું નથી.મારે તો વિરક્તના પેટમાં જવું છે.મારે તો લાલાના પેટમાં જવું છે. યશોદાજીનું ધ્યાન ખેંચવા અને યશોદાજી લાલા ને ઓછું ધવડાવે તો હું લાલાના પેટમાં જાઉં-
એમ વિચારી દૂધ ને ઉભરો આવ્યો.

કેટલાક મહાત્માઓ,ભગવાનના હ્રદયમાં (પેટમાં) તન્મય થઇ સમાઈ જાય છે.સ્વ-રૂપમાં મળી જાય છે.
જયારે ભક્તો શ્રીકૃષ્ણને પોતાના હૃદયમાં (પેટમાં)-સ્વરૂપમાં, તન્મય થઇને સમાવે છે.
અલગ લાગતા આ માર્ગો એક જ છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE