Jul 28, 2020

ભાગવત રહસ્ય -૩૪૫

કનૈયો ઘુંટણે ચાલતો યશોદામા ના પાસે આવ્યો અને મા ને કહે છે –મા મને ભૂખ લાગી છે.યશોદાજી એ ગોળી તરફ નજર કરી,થોડું માખણ ઉપર આવ્યું છે –તે વિચારે છે-કે-માખણ ઉતારીને લાલાને ધવડાવીશ.યશોદાજી એ જે કામ હાથમાં લીધેલું તે મુકવાનું મન થતું નથી.મા કનૈયા ને ગોદમાં લેતી નથી એટલે લાલો રડવા લાગ્યો.એટલે મા નું હૃદય પીગળ્યું છે.મા એ બધું કામ મૂકીને કનૈયાને ગોદ માં લીધો અને કનૈયાને ધવડાવવા લાગ્યા.

વિચાર કરો-કે આ રુધિર માંસના શરીરમાંથી દૂધ કેમ નીકળતું હશે ? કે જે દૂધમાં નથી ખાંડ નાખવાની જરૂર કે નથી ગરમ કરવાની જરૂર !!!  મા ના હ્રદયનો પ્રેમ એ દૂધરૂપે બહાર આવે છે.
યશોદાજી પરમાત્માને હૃદયનો પ્રેમ-રસ આપે છે.પરમાત્મા –માત્ર-હૃદયનો પ્રેમરસ જ માગે છે.બીજું કાંઇ નહિ.શ્રીધર સ્વામી કહે છે-કે-આ કથા,કેવળ મા બાળકને ધવડાવે છે તેની નથી.આ બ્રહ્મ-સંબંધની કથા છે.
યશોદા એ જીવ છે અને શ્રીકૃષ્ણ એ ઈશ્વર છે. જીવ-ઈશ્વરના મિલનની કથા છે,અદ્વૈતની કથા છે.

મા,દીકરાને ધવડાવે છે ત્યારે બંને એક બને છે,મા-પુત્રનું આ મિલન કેવું છે ?તે બીજો કોઈ જાણી શકે નહિ.
યશોદા બાલકૃષ્ણને ગોદમાં લઇ અને પરમાત્મા સાથે એક થયાં છે. (અદ્વૈત થયું છે)
(આવે વખતે) જીવ અને ઈશ્વરના મિલન વખતે સંસાર ને મન માં લાવવો જોઈએ નહિ.
કારણ કે-ઈશ્વર કસોટી કરે છે કે-જીવને હું વહાલો છું? કે સંસાર વહાલો છે ?

સ્તનપાન કરતા લાલાને આજે એવી ઈચ્છા થઇ છે કે-ચાલ,આજ મા ની પરીક્ષા કરું કે –માતાને હું વહાલો છું કે સંસાર વહાલો છે ? મા ને સંસારિક કામમાં વિશેષ પ્રેમ છે કે-મારામાં વિશેષ પ્રેમ છે ?
કનૈયો જયારે જીવની પરીક્ષા કરે છે ત્યારે –તેને ઉપર મુજબ એક જ પ્રશ્ન હોય છે.જીવનો પ્રેમ ક્યાં છે ? 
કસોટી કર્યા વગર પરમાત્મા જીવને અપનાવતા નથી. કૃપા કરતા નથી.
બે ચાર સિક્કા (પૈસા) માટે મનુષ્ય કેવું પાપ વારંવાર કરે છે ? પાપ ના કરવું એ જ પુણ્ય છે.

મનુષ્યનો પ્રેમ વિખરાયેલો છે,માત્ર એક પરમાત્મામાં તેને પ્રેમ થતો નથી.
પણ-પરમાત્મા એવી ઈચ્છા-અપેક્ષા રાખે છે કે-આ જીવ સંપૂર્ણ રીતે મને જ પ્રેમ કરે,
ઈશ્વરનો પટ્ટો (કંઠી-માળા) ગળામાં પહેર્યા પછી,જીવ ઈશ્વર સિવાય બીજામાં પ્રેમ કરે તે ઇશ્વરને માન્ય નથી. પ્રેમ કરવા લાયક એક પરમાત્મા છે,જગતના પદાર્થો માં કરેલો પ્રેમ એક દિવસ રડાવે છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE