Aug 24, 2020

ભાગવત રહસ્ય -૩૭૦

એક દિવસ કનૈયો મા ને કહે છે કે-મા હું મોટો થયો,મા હું હવે ગાયોને ચરાવવા લઇ જાઉં ? યશોદાજી લાલાને સમજાવે છે કે-બેટા, હજી તું નાનો છે,જરા મોટો થા પછી સારું મુહૂર્ત જોઈને ગોપાળ બનાવીશ. તે વખતે શાંડિલ્ય ઋષિ આવ્યા છે,યશોદાએ તેમને પૂછ્યું કે-લાલાના જન્માક્ષર જોઈ ને તેને ગોપાળ બનાવવાનું મુહૂર્ત જોઈ આપો.
કાર્તિક માસ શુક્લપક્ષ અષ્ટમી તિથીના દિવસે કનૈયો ગોપાળ થાય છે.કનૈયાને તે દિવસે બહુ ઉતાવળ થાય છે,આગલા દિવસે લાલાને ઊંઘ આવતી નથી.

પ્રાતઃકાળમાં સ્નાન કર્યું છે,શાંડિલ્ય ઋષિ આવ્યા છે.કનૈયો ગાયોની પૂજા કરે છે.ગાયોને આજે ઘણો આનંદ થયો છે. “આજે અમારા માલિક અમારી પૂજા કરે છે” લાલાએ ગાયોને ફૂલોની માળા પહેરાવી મીઠાઈ ખવડાવી. ગાયોએ આશીર્વાદ આપ્યા છે. “અમારા લાલાનો જયજયકાર થાય “

મહાત્માઓ કહે છે –કે-પ્રભુએ સંપત્તિ આપી હોય તો ઘરમાં ગાય રાખજો. ગાયમાં સર્વ દેવોનો નિવાસ છે.
ગાયની સેવા કરવાથી અપમૃત્યુ ટળે છે.ગાયને ખાલી ચાંદલો કરવાથી કાંઇ એનું પેટ ન ભરાય,તેને ખૂબ 
ખવડાવો.ગાય એ વ્રજ ભક્ત છે.આજ ના સંપત્તિવાન ઘરમાં ગાય રાખતા નથી પણ ઘરમાં કૂતરો રાખે છે. બહાર ફરવા જાય ત્યારે પણ મોટરમાં કૂતરો રાખે છે.કૂતરા સાથે અતિ સ્નેહ કરે છે.
કહે છે કે કૂતરા સાથે અતિસ્નેહ કરે અને કૂતરામાં વાસના રહી જાય તો બીજા જન્મમાં કૂતરાનો અવતાર 
મળે છે. કુતરાનો તિરસ્કાર કરવો નહિ પણ તેની સાથે અતિસ્નેહ પણ કરવો નહિ જોઈએ.
આંગણે કૂતરો આવે તો તેને રોટલો નાખવો,તેનો તિરસ્કાર ના કરવો,તે પણ એક જીવ છે.

એકનાથી ભાગવતમાં એકનાથ મહારાજે વિનોદ કર્યો છે.રામજીએ શું નથી કર્યું ?રાક્ષસો માર્યા,અનેક યજ્ઞો કર્યા,રામાવતારમાં રામે બધું કર્યું,પણ રાજાધિરાજ હતા,એટલે ગાયોની પૂજા –ગાયોની સેવા તેમને કોઈ કરવા દે નહિ.રામજી એ ગાયોની પૂજા કોઈએ કરવા દીધી નહિ એટલે ગાયની સેવા કરવાની તેમની વાસના રહી ગઈ,એટલે રામજી કૃષ્ણરૂપે ગાયોની સેવા કરવા ગોપાળ બનીને આવ્યા છે.

પ્રાતઃકાળમાં બ્રાહ્મણો આવ્યા અને ગણપતિ પૂજન કરાવ્યું અને ગાયોની વિધિસર પૂજા કરાવી છે.
શ્રીકૃષ્ણ ગાયોની પ્રદિક્ષણા કરે છે.શ્રીકૃષ્ણ સાત વર્ષના થયા છે,પૌગંડ અવસ્થામાં આવ્યા છે.
મા ને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે.મા ના આંખમાંથી હર્ષનાં આંસુ નીકળ્યા છે.
લાલો પૂછે છે કે-મા તું કેમ રડે છે ? ત્યારે યશોદાજી કહે છે કે-બેટા,તું ગાયો ચરાવવા સવારે જઈશ 
અને સાંજે પાછો આવીશ.એટલો સમય તારા મનોહર મુખડાનાં મને દર્શન નહિ થાય.
તને જોયાં વગર મને એક પળ પણ ચેન પડતું નથી.
જીવની આવી દશા થાય કે-ઈશ્વર વગર એક પળ પણ ચેન પડે નહિ,ત્યારે ઈશ્વર ગોદમાં આવે છે.

યશોદા મા લાલાના માટે પગરખાં લાવ્યા છે,પણ લાલો પહેરવાની ના પાડે છે. શ્રીકૃષ્ણ કહે છે કે-
મા,હું હવે ગોપાળકૃષ્ણ છું.ગાયોની સેવા કરનાર,ગાયોનો નોકર શ્રીકૃષ્ણ.
મારી ગાયો પગમાં જોડા ના પહેરે તો આ તેમનો નોકર પગમાં જોડા કેવી રીતે પહેરે ?
યશોદા કહે છે-બેટા,ગાયો પશુ છે. ત્યારે કનૈયો કહે છે-કે-મા,ગાયો પશુ નથી,ગાયો,સર્વની મા છે,
ગાયોમાં સર્વ દેવોનો વાસ છે,હું ગાયોનો સેવક છું.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE