Aug 19, 2020

ભાગવત રહસ્ય -૩૬૫

એક વાર ભજનમાં આનંદ મળી જાય પછી સંસારનો આનંદ ફિક્કો લાગે છે.આ જીવને ભજનમાં આનંદ મળતો નથી એટલે બીજે આનંદ ખોળવા જાય છે.પતિ શાંડિલ્યઋષિ ભોજન કરતા નથી એટલે પત્ની પૂર્ણમાસી પણ ફળાહારથી ચલાવી લે છે.ઘરમાં એક છોકરો મધુમંગલ છે,હજુ નાનો છે,જનોઈ આપી નથી એટલે નંદબાબાને ઘેર જમવા જાય છે.યશોદાજી વૈશ્ય છે એટલે શાંડિલ્યઋષિને કહેલું કે જનોઈ ના આપો ત્યાં સુધી મધુમંગલ ભલે અમારે ત્યાં જમે.ગોરનો દીકરો એટલે યશોદા મા મધુમંગલને માનથી અને પ્રેમથી જમાડે છે.

પણ આજે મધુમંગલ દોડતો ઘેર આવ્યો અને મા ને કહે છે કે-મા,આજે લાલાને આપણા ઘરનું ખાવું છે.મા,જે બનાવ્યું હોય તે મને આપ.પૂર્ણમાસી કહે છે-બેટા તારા પિતા રોજ ઉપવાસ કરે છે,ઘરમાં રસોઈ બનતી નથી,ઘરમાં કંઈ નથી.પૂર્ણમાસી ને દુઃખ થયું છે, આજે કનૈયો ખાવા માગે છે અને ગરીબ બ્રાહ્મણીના ઘરમાં કંઈ નથી.'કનૈયા માટે હું શું આપું ?અતિ તપસ્વી બ્રાહ્મણના ઘરમાં કોઈ વસ્તુ નો સંગ્રહ નથી (અપરિગ્રહતા).
આજે ઘરમાં કાંઇ પણ ખાવાનું નથી જે લાલાને અપાય.

પૂર્ણમાસી વિચારે છે-કે-યશોદાજી તો રોજ મને પૂછે છે કે -મને કોઈ સેવા બતાવો.તો કાલે થોડો માવો માગી લાવીને મીઠાઈ બનાવીશ અને તે આપીશ.
ત્યારે મધુમંગલ કહે છે –કે-મા,કાલે નહિ પણ આજે જ મને કાંઇક આપ.બધા મિત્રો મારી મશ્કરી કરે છે.
કે આ કંઈ લાવ્યો નથી,અને લાલાએ આજે જ માગ્યું છે.તો -કશું પણ લીધા વગર હું પાછો કેમ જાઉં?
પૂર્ણમાસી ઘરમાં શોધે છે,તો ઘરમાં માત્ર થોડી છાશ છે.છાશ ખાટી હશે તો લાલાને પીતાં ત્રાસ થશે,
એમ સમજી છાશમાં થોડી ખાંડ નાંખી વઘાર કરી છાશની મટકી ભરી આપી.

લાલા માટે ખાટી છાશ ભરી આપતાં પૂર્ણમાસીની આંખમાં આંસુ આવ્યા છે.વિચારે છે-કે-
“પણ હું શું કરું ?મારા ઘરમાં બીજું કશું નથી.”મધુમંગલ ને કહે છે –કે-લાલાને કહેજે કે –આજે ઘરમાં આ છાશ સિવાય કશું નથી એટલે મા એ રોતાં રોતાં આ છાશ આપી છે,છાશ થોડી ખાટી છે પણ તેને પીતાં 
ત્રાસ ના થાય એટલે થોડી ખાંડ નાંખી છે, પણ કાલે ગમે તે રીતે મીઠાઈ બનાવી આવીશ.
લાલા માટે ખાટી છાશ આપતાં, પૂર્ણમાસી ના દિલમાં ડૂમો ભરાઈ આવ્યો છે.

પરમાત્મા શ્રીકૃષ્ણને કોઈ વસ્તુની ભૂખ નથી.એમને તો પ્રેમની ભૂખ છે.
પરમાત્મા કદી જોતા નથી કે –જીવ મારા માટે શું લાવ્યો છે ?
પણ એ જુએ છે કે કેવા ભાવથી લાવ્યો છે. કેવા પ્રેમથી લાવ્યો છે.
વસ્તુને જુએ તે જીવ અને કેવળ ભાવને જુએ તે ઈશ્વર.
મધુમંગલ લાલાને માટે છાશ લઈને,લાલા પાસે આવ્યો છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE