Aug 17, 2020

ભાગવત રહસ્ય -૩૬૩

પાપ અને સાપ સરખાં છે.સાપ કરડે કે તરત જ જે અંગ પર સાપ કરડ્યો હોય તે આંગળી અથવા અંગ કાપી નાખવામાં આવે તો ઝેર શરીરમાં પ્રસરતું નથી અને બચી જવાય છે. તે જ પ્રમાણે પાપનો વિચાર મનમાં આવે તે જ ક્ષણે તેને કાપી નાખવામાં આવે તો પાપમાંથી બચી જવાય છે.જો પાપ થોડો સમય પણ મનમાં ઘર કરે તો પછી તેને અટકાવવું મુશ્કેલ છે.

પાપ હોય કે પુણ્ય હોય,પણ તેનું ફળ ભોગવ્યા સિવાય તેનો નાશ થતો નથી.
પુણ્ય ભોગવવા માટે પણ જન્મ લેવો પડે છે. તેથી જ ઋષિઓ-મહાત્માઓ પુણ્યને કૃષ્ણાર્પણ કરે છે.
પુણ્ય કૃષ્ણાર્પણ (કૃષ્ણને અર્પણ) થઇ જાય પછી તે પુણ્ય ને ભોગવવું પડે નહિ.ફરી જન્મ લેવો પડે નહિ.
પુણ્ય કૃષ્ણાર્પણ થઇ શકે પણ પાપ કૃષ્ણાર્પણ થઇ શકે નહિ.તે તો ભોગવે જ છૂટકો છે.
પરમાત્માની કૃપા થાય તો જ પાપ કરવાની વાસના છૂટે છે.માટે પરમાત્માનું શરણું લેવું જ રહ્યું.

અઘાસુરના પેટમાંથી ગોપબાળો બહાર આવ્યાં.બાળકો કનૈયાને કહે છે કે-
લાલા,તું રાક્ષસોને મારે છે પણ અમારી ભૂખ મારતો નથી.અમને ભૂખ લાગી છે.અમારે જમવું છે.
લાલાએ પણ મિત્રો ને કહ્યું-કે-ચાલો,આપણે આ સુંદર યમુનાકિનારે ભોજન કરીએ,
વાછરડાંઓ ભલે નિરાંતે ચરે. લાલો મિત્રો સાથે ભોજન કરવા બેઠો છે.
તે સમયે શ્રીકૃષ્ણની ચારે બાજુએ બાળકો શ્રીકૃષ્ણને અડીને પદ્મવ્યૂહથી ભોજન કરવા બેઠા છે.

પદ્મવ્યૂહ-ચક્રવ્યૂહની રચના યુદ્ધમાં થાય છે.પણ અહીં ભાગવતની સમાધિ ભાષા છે.
હજાર પાંખડીનું કમળ (પદ્મ) હોય પણ પ્રત્યેક નાની કે મોટી પાંખડી તેના મૂળ (સ્ટેમ-દાંડી) જોડે જોડાયેલી 
હોય છે. નાની પાંખડીઓ મૂળ (સ્ટેમ) ની નજીક દેખાય અને મોટી દૂર દેખાય –પણ મોટી પાંખડીઓ,
નાની પાંખડીઓને અડકેલી દેખાય છે અને બધી પાંખડીઓ એકની સાથે જ જોડાયેલી હોય છે.તેવી જ રીતે નાનાં બાળકો શ્રીકૃષ્ણની નજીક અને મોટાં થોડા દૂર પણ બધા શ્રીકૃષ્ણને અડીને –ઘેરીને –બેઠા છે.પ્રત્યેક બાળકને ઈચ્છા છે કે-મારે શ્રીકૃષ્ણની નજીક બેસવું છે,લાલાની મુખમાં કોળીઓ મુકવો છે.

જેમ ગોપીઓ સાથેની રાસલીલામાં લાલાએ પ્રત્યેક ગોપીઓને અનુભવ કરાવ્યો છે કે-“હું તારી પાસે જ છું”
જેટલી ગોપીઓ તેટલા શ્રીકૃષ્ણ.તે જ પ્રમાણે પદ્મ(કમળ) વ્યૂહની રચના કરી,શ્રીકૃષ્ણે પ્રત્યેક બાળકને 
અનુભવ કરાવ્યો કે હું તારી પાસે જ બેઠેલો છું. પરમાત્મા એક જ સમયે સર્વને મિલન નો આનંદ આપે છે.
પ્રત્યેકને સ્પર્શનો આનંદ આપે છે. બ્રહ્મ-સ્પર્શ વગર આનંદ નથી. 
આ લીલામાં જાણે-ગોવાળ-મિત્રો સાથેનો રાસ છે-રાસલીલા છે.

પરમ પરમાત્મા એ યજ્ઞના ભોક્તા છે.યજ્ઞમાં આહવાન કરવા છતાં ઘણીવાર પરમેશ્વર ભોજન કરતા નથી.ત્યારે આજે સાક્ષાત પરમાત્મા શ્રીકૃષ્ણ બાળકો સાથે ભોજન કરે છે.આ બાળકોનો પ્રેમ પણ એવો છે કે-સારામાં સારું લાલા માટે જુદું રાખે,મધ્યમ મિત્રને આપે અને ખરાબમાં ખરાબ પોતે ખાય.
ઉત્તમમાં ઉત્તમ વસ્તુ,ખૂબ પ્રેમથી ભગવાન ને આપવી તે જ ભક્તિ છે.પરમાત્મા પ્રેમને વશ છે.
સારામાં સારું મારા માટે અને ખરાબ બીજા માટે –એ-ભક્તિ નથી પણ આસક્તિ છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE