Aug 14, 2020

ભાગવત રહસ્ય -૩૬૦

કરેલાં સત્કર્મોનું પુણ્ય એ “ફળ” છે. જે મનુષ્ય પોતાના આ સત્કર્મોનું પુણ્ય-ફળ ભગવાનને અર્પણ કરે છે,તેની બુદ્ધિ-રૂપી ટોપલી, ભગવાન બ્રહ્મવિદ્યા-રૂપી દિવ્ય રત્નોથી ભરી દે છે.માલણ એ જીવ છે.જીવ પાસે પરમાત્મા સત્કર્મનું ફળ (પુણ્ય) માગે છે.અને જીવ જો તે ફળ અર્પણ કરે તો પરમાત્મા અનેક ગણું કરીને પાછું આપે છે.
ગીતામાં શ્રીકૃષ્ણ અર્જુન ને કહે છે કે-હે અર્જુન,તું જે કાંઇ કર્મ કરે,જે કાંઇ ખાય,જે કાંઇ હવન કરે,જે કાંઇ દાન કરે,જે કાંઇ તપ કરે તે-સઘળું મને અર્પણ કર.તો તું મને પ્રાપ્ત કરી શકીશ. (ગીતા-૯-૨૭) 

માટે સર્વ કર્મો ભગવાનને અર્પણ કરવાના છે.કૃષ્ણને અર્પણ કરેલા કર્મનું ફળ ભોગવવાની ઈચ્છા રાખવી નહિ. જે કર્મનું ફળ પણ ભગવાનને અર્પણ કરે છે તેની બુદ્ધિરૂપી ટોપલી બ્રહ્મજ્ઞાનથી ભરાઈ જાય છે.
લાલાની ગોકુળની આ બાળ લીલા અહીં સમાપ્ત થાય છે.બાળલીલા સાંભળવાથી ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે.શ્રદ્ધા વધે પછી પ્રભુમાં આસક્તિ થાય છે.આ આસક્તિ જ ભક્તિ બને છે જેને મહાત્માઓ પ્રેમલક્ષણા ભક્તિ કહે છે.પ્રેમલક્ષણા ભક્તિ પ્રભુને બાંધે છે. તે પછી ભક્તિ વ્યસન-રૂપ થાય છે.

હવે વૃંદાવનલીલા શરુ થાય છે.
બાલકૃષ્ણલાલ પાંચ વર્ષના થયા છે.બાલકૃષ્ણલાલ ને વૃંદાવન જવાની ઈચ્છા છે.
ગોકુળમાં થતા ઉત્પાતો જોઈ ઉપનંદકાકાએ સૂચન કર્યું કે- “આપણે બાળકોને લઇ ને બીજે સ્થળે રહેવા જઈએ.અહીંથી થોડે દૂર વૃંદાવન નામનું વન છે.તે રહેવાને યોગ્ય છે.”
બલરામ-કૃષ્ણ અને બાળકોને આનંદ થયો છે.બધા વૃંદાવનમાં રહેવા આવ્યા છે.

વૃંદા એટલે ભક્તિ. વૃંદાવન એટલે વૃંદાનું વન-ભક્તિનું વન.
મહાત્માઓ કહે છે કે-બાળક પાંચ વર્ષનો થાય એટલે તેને ગોકુળમાંથી (તેને લાડ કરવાના છોડીને) –
વૃંદાવનમાં (ભક્તિના (વનમાં) લઇ જાવ.પાંચ વર્ષ પછી બાળકમાં ધર્મના સંસ્કારો દૃઢ કરવા તેને નાનપણમાં જ ધર્મનું-ભક્તિનું શિક્ષણ આપો.જે મા-બાપ બાળકને સારા સંસ્કારો ના આપે તે બાળકના વેરી છે.
બાળક નું હૃદય કોમળ હોય છે.તેના મનમાં કોઈ પણ વાત જલ્દી ઠસી જાય છે. તેને જે બાજુ વાળશો-
તે બાજુ તે વળશે.બાલ્યાવસ્થાના સારા સંસ્કારો જુવાનીમાં તેનું રક્ષણ કરશે,તે બગડશે નહિ.

વૃંદાવનમાં એકલા ન જવું.બીજાને પણ સત્કર્મમાં પ્રેરણા આપવી જોઈએ.ગોપ-ગોપીઓ પણ સાથે ગયાં છે. વૃંદાવનમાં ગોવર્ધન પર્વત અને યમુનાના કિનારાઓ જોઈ બલરામ-કૃષ્ણને આનંદ થયો છે.
વૃંદાવનમાં આવ્યા પછી ભગવાન શ્રીકૃષ્ણ “વત્સપાલ” થયા છે.
બાળમિત્રો સાથે ગાયનાં વાછરડાં ચરાવે છે-એટલે “વત્સપાલ”
યમુના ને કિનારે શ્રીકૃષ્ણ અનેક પ્રકારની રમતો રમે છે.આ રમતો દિવ્ય છે.
અગિયારમા અધ્યાયમાં ભગવાન “વત્સપાલ” બને છે અને પછી ગાયોને ચરાવવા લઇ જાય છે-
એટલે પંદરમા અધ્યાયમાં ભગવાન “ગોપાલ” બને છે.(ગાયોને ચરાવે છે એટલે ગોપાલ)
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE