Aug 13, 2020

ભાગવત રહસ્ય -૩૫૯

દામોદરલીલા પછી માલણનો પ્રસંગ આવે છે.ભાગવતમાં એક-બે શ્લોકમાં આ કથા છે.
પણ વૃંદાવનના મહાત્માઓ,આના પર બહુ વિચાર કરે છે.ભાગવતમાં -સુખિયા માલણ ની આ કથામાં શ્રીકૃષ્ણની બાળલીલાની સમાપ્તિ કરી છે.મથુરામાં સુખિયા નામની એક માલણ રહેતી હતી.તે રોજ ગોપીઓને ઘેર ફુલ-તુલસી આપવા જાય.ગોપીઓના ઘરમાં વાતોનો એક જ વિષય છે.-અને તે શ્રીકૃષ્ણ.એટલે માલણ રોજ આ કૃષ્ણકથા સાંભળે.રોજ કથા શ્રવણ કરતાં કરતાં માલણને શ્રીકૃષ્ણમાં પ્રેમ જાગ્યો છે,તેની ભક્તિ વ્યસનરૂપ થઇ છે.

માલણ વિચારે છે-કે-આ ગોપીઓ જે કનૈયા પાછળ ઘેલી બની છે,તે કનૈયો કેવો છે? મારે તેનાં દર્શન કરવાં છે. માલણને કૃષ્ણ દર્શનની ઈચ્છા થઇ છે.લાલાનાં દર્શન કરવા માલણ રોજ નંદબાબાના ઘર પાસે આવીને ઉભી રહે પણ કનૈયો છુપાઈ જાય,તે બહાર આવતો નથી. જીવ જયારે પૂર્ણ નિષ્કામ અને વાસના વગરનો બને ત્યારે જ ઈશ્વર દર્શન આપે છે.માલણના મનમાં હજુ લૌકિક વાસનાઓ છે,તેથી લાલો દર્શન આપતો નથી.માલણ ને શ્રીકૃષ્ણના દર્શન થતાં નથી,તેથી માલણ ભૂદેવ પાસે ગઈ અને જઈને તેમને પૂછ્યું-કે-મને કૃષ્ણ દર્શનની લાલસા છે,પણ મારાં પાપ એવાં છે કે હું જયારે દર્શન કરવા જાઉં ત્યારે ઘરની બહાર તે આવતા નથી.મને કોઈ ઉપાય બતાવો,કે મને શ્રીકૃષ્ણનાં દર્શન થાય.

ભૂદેવે કહ્યું કે-ઘરમાં બાલકૃષ્ણલાલની સેવા રાખ,અથવા તો દરરોજના ૨૧૦૦૦ જપ કર. પણ માલણ કહે છે કે-સેવા તો હું રાખી શકું તેમ નથી,અમે ગરીબ છીએ.અને મારી સ્થિતિ એવી નથી કે દરરોજ એક આસને બેસી જપ કરી શકું. છેવટે બ્રાહ્મણે ઉપાય બતાવ્યો કે-તું રોજ ગોકુલ જાય છે,બીજું કશું તારાથી ના થાય તો,
નંદબાબાના મહેલની આસપાસ રોજ ૧૦૮ વાર પ્રદિક્ષણા કરજે. પ્રદિક્ષણા કરતી વખતે “હરે રામ હરે કૃષ્ણ” મહામંત્રનો જપ કરજે.તો કોઈ દિવસ કનૈયાને દયા આવશે.

માલણે નિયમ લીધો છે,રોજ ૧૦૮ વાર પ્રદિક્ષણા કરે છે.રોજ પરમાત્માને મનાવે છે.કૃષ્ણ-વિરહ હવે સહન થતો નથી,એક દિવસ નિશ્ચય કરીને આવી છે કે –આજે કનૈયાના દર્શન ના થાય તો ઘેર જવું જ નથી.દર્શન કર્યા વગર નંદબાબાનું આંગણું છોડવું નથી.આજે ફળો લઈને આવી છે અને “ફળ લ્યો,ફળ લ્યો”એમ બુમ મારે છે.વિચારે છે કે કદાચ ફળ લેવાને બહાને કનૈયો બહાર આવે.

પ્રભુ એ વિચાર કર્યો કે આ જીવ હજુ બહુ લાયક થયો નથી પણ તે મને બહુ યાદ કરે છે,અને મારા વિયોગમાં તરફડે છે,-એટલે આજે તેને દર્શન આપવાં છે.લાલાએ ચરણમાં નુપુર પહેર્યા છે અને છુમ છુમ કરતો બહાર આવ્યો છે ને બે હાથ આગળ કરીને માલણને કહે છે કે –મને ફળ આપો.
જગતને તેના કર્મોનું ફળ આપનાર પરમાત્મા આજે ફળ માગે છે.માલણ પાસે હાથ લંબાવ્યા છે.

લાલાના દર્શન કર્યા પછી માલણને લાલા સાથે વાત કરવાની ઈચ્છા થઇ છે.પોતાનાં દુઃખ કહેવાની ઈચ્છા થઇ છે.માલણને સંતાન નહોતું,તેને ઈચ્છા થઇ છે કે લાલો આવી મારી ગોદમાં બેસે અને મને મા કહીને બોલાવે. તેને પોતાની ગરીબીની વાત કહેવી હતી.માલણ ને કહેતાં અતિદુખ થયું છે તેમ છતાં કહે છે કે-
લાલા, હું ફળ આપવા આવી નથી પણ ફળ વેચવા આવી છું. અંતર્યામી ઈશ્વર બધું સમજી ગયા છે અને તરત ઘરમાં જઈ બે મુઠ્ઠી ચોખા લઇ આવ્યા છે. અને માલણની ટોપલીમાં નાખ્યા છે.

માલણે હવે લાલાને કહ્યું-કે –લાલા મારે તને મારા દુઃખ ની વાત કહેવી છે,તું મારી ગોદમાં નહિ બેસે ? મને શું એકવાર “મા” કહીને નહિ બોલાવે ? કનૈયો બધું સમજી ગયો છે-“એની બહુ ઈચ્છા છે તો મને મા કહેવામાં શું વાંધો છે ?” લાલાએ ગોદમાં બેસી કહ્યું કે-મા મને ફળ આપો.
માલણને અતિશય આનંદ થયો છે,લાલાનાં ઓવારણાં લીધા છે,અને લાલાને કહે છે કે-લાલા મારી ભૂલ થઇ છે કે મેં તારા પાસે માગ્યું,પણ હવે હું તારા પાસે કંઈ નહિ માગું,મને બીજી કોઈ ઈચ્છા નથી.હું ફળ લઈને આવું ત્યારે દર્શન આપજે અને બે મિનિટ ગોદમાં બેસજે.

ઘેર આવી માલણે ટોપલીમાં જોયું તો ટોપલી રત્નોથી ભરેલી છે.લાલાએ તેની ગરીબીની વાત પણ યાદ રાખેલી.માલણને આશ્ચર્ય થયું છે.અનેક જન્મનું તેનું દારિદ્રય દૂર થયું છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE