Aug 8, 2020

ભાગવત રહસ્ય -૩૫૫

આ અનિત્ય એવા શરીરથી –નિત્ય એવા પરમેશ્વરને પ્રાપ્ત કરી શકાય છે.આ શરીર પરમાત્માના કાર્ય માટે છે.પ્રભુએ તે કૃપા કરીને આપ્યું છે.પણ મદમાં અંધ થયેલાઓને કોઈ ભાન નથી.નારદજીને દુઃખ થયું અને દયા પણ આવી કે આ લોકોને સન્માર્ગે વાળું.અને આશીર્વાદ જેવો શાપ આપ્યો કે-તમે ઝાડ થશો.આ બંને યક્ષો મદથી આંધળા,સ્ત્રીલંપટ અને અજીતેન્દ્રિય બન્યા છે માટે તેઓ સ્થાવરપણું પામવાને યોગ્ય છે.માટે તેવા ભોગીઓને ઝાડ તરીકે જન્મ મળે એવો શાપ આપ્યો છે.શાપ સાંભળી નળકુબેર અને મણીગ્રીવ ને પશ્ચાતાપ થયો અને નારદજીને શરણે આવ્યા.

નારદજીએ કૃપા કરી -ને તેમને ગોકુળમાં નંદબાબાના ઘરના આંગણામાં ઝાડનો અવતાર થશે અને 
શ્રીકૃષ્ણના ચરણનો સ્પર્શ થતા મુક્તિ થશે તેવા આશીર્વાદ પણ આપ્યા.ઉદ્ધવ જેવા મહાપુરુષ પણ 
વૃંદાવન માં ઝાડ-લતાનો અવતાર માગે છે,એટલે નારદજી નો આ શાપ નથી એને આશીર્વાદ જ ગણાય.
તે નળકુબેર અને મણીગ્રીવ નંદબાબાના આંગણામાં ઝાડ થયેલા ને શ્રીકૃષ્ણ ખાંડણીને ખેંચતા ખેંચતા 
આવ્યા ત્યારે તેમના ચરણ નો સ્પર્શ થતાં તે ઝાડ માંથી બે પુરુષો બહાર આવ્યા છે.
શ્રીકૃષ્ણે નળકુબેર અને મણીગ્રીવ નો ઉદ્ધાર કર્યો છે.

ઝાડ પડવાનો અવાજ સાંભળી ગોપીઓ દોડતી આવી તેમને આશ્ચર્ય થયું કે વર્ષો જુનાં આ ઝાડ મૂળમાંથી કેવી રીતે ઉખડી ગયા ? સારું થયું કે કનૈયાને કશું થયું નથી,નારાયણની કૃપા થઇ છે.
ધડાકો સાંભળી નંદબાબા દોડતા આવ્યા,અને જોયું તો કનૈયા ને ખાંડણી જોડે બાંધેલો છે.
નંદબાબાની આંખો ભીની થઇ છે. “અનેક બાધાઓ રાખ્યા પછી દીકરો થયો પણ એની મા ને કદર નથી.”
તેમણે કનૈયાને છોડ્યો છે.અને કનૈયાને કહે છે-કે- બેટા તારી માએ તને બાંધ્યો હતો અને મે તને છોડ્યો છે.બોલ હવે તું કોનો દીકરો ? કનૈયો કહે છે કે- આજ સુધી હું મા નો હતો પણ આજથી હું તમારો દીકરો.

પહેલાં રોજ જયારે નંદબાબા કનૈયાને પૂછે કે-લાલા તું કોનો દીકરો?ત્યારે કનૈયો કહે કે- હું મા નો દીકરો.
પણ આજે જયારે લાલાએ કહ્યું કે –હું તમારો દીકરો છું. એટલે નંદબાબાને આનંદ થયો છે.
નંદબાબાની ઈચ્છા હતી કે –લાલો એક વાર કહે કે- હું તમારો દીકરો છું.તે ઈચ્છા પૂર્ણ થઇ છે.
નંદજીએ યશોદાને ઠપકો આપ્યો છે.”તને વિવેક નથી.લાલાને કેમ બાંધ્યો?”
યશોદા રડવા લાગ્યાં.”જે આવે છે તે મને જ ઠપકો આપે છે,મારી ક્યાં ઈચ્છા હતી કે લાલાને બાંધું,પણ તેને ચોરી કરવાની આદત પડી છે તે છોડાવવી છે,એટલે પ્રેમથી તેને બાંધ્યો હતો.હું તેની મા છું,મા બાળકને ના સુધારે તો તેને કોણ સુધારે ?”યશોદા, લાલા ને બોલાવે છે-“બેટા અહીં આવ”

કનૈયો હવે જવાબ આપે છે-કે –હું નહિ આવું,હું તો નંદબાબાનો દીકરો છું.
યશોદા લાલાને બોલાવે છે પણ લાલો તેમની જોડે જતો નથી.
યશોદા વિચારે છે-કે-“ગોપીઓ રડતી હતી,બાળકો રડતાં હતા અને લાલાને બાંધવાની ના પાડતાં હતાં પણ નિષ્ઠુર થઇને મે લાલાને બાંધ્યો,તે યોગ્ય થયું નથી,મારો લાલો મારાથી રિસાયો છે,મારો લાલો મારા ગોદમાં ક્યારે આવશે ? “ યશોદા મા રડે છે. લાલાએ તે જોયું.ભક્ત રડે તે પરમાત્માથી સહન થતું નથી.કોઈ પણ જીવ પરમાત્મા માટે જયારે રડે છે ત્યારે પરમાત્માને દયા આવે છે.
શ્રીકૃષ્ણ પ્રેમ કરે છે તેવો પ્રેમ દુનિયા માં બીજો કોઈ કરી શકે નહિ.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE