Jul 2, 2020

ભાગવત રહસ્ય -૩૨૨

યશોદા મા હવે ગર્ગાચાર્યને કહે છે-કે-નાદાન છોકરો છે,તેને અક્કલ નથી,બાળક છે,
ભૂલ થઇ છે,તમે ક્ષમા કરો.ગર્ગાચાર્ય કહે છે-કે ક્ષમા તો કરું પણ આ ખીર મારાથી કેવી રીતે ખવાશે ?ફરીથી ખીર બનાવવી પડશે.યશોદા મા કહે છે-કે- મહારાજ તમે ફરીથી ખીર બનાવો.યશોદાજીનો પ્રેમ એવો હતો કે-મહારાજ ફરી રસોઈ કરવા તૈયાર થયા છે,મહારાજે ઘડો ઉઠાવ્યો,અને યમુનાજી માં ફરીથી સ્નાન કરવા ગયા છે.


યશોદાજી વિચારે છે કે –હવે આ બ્રાહ્મણ જમે નહિ ત્યાં સુધી લાલાને છોડવો નથી.યશોદા લાલાને ખોળામાં લઈને ઓટલે બેઠાં છે.કનૈયો બહાર આવે ત્યારે કોયલને,મોરને બહુ આનંદ થાય છે.કોયલ કુહુ કુહુ- કરે અને લાલો પણ સામે તેના જેવો જ અવાજ કરે.કોયલને લજાવે તેવો લાલાનો કંઠ છે.
મોર આવી નાચે છે,તો લાલો પણ મોરની જેમ નાચે છે.મોરને અતિ આનંદ થાય છે,
“પ્રભુ ને હું શું આપું?” એટલે આવીને મોરપીંછ અર્પણ કર્યું છે. યશોદાજી તે લાલાના માથે નાખે છે.
મા પૂછે છે કે-“લાલા તને આવું નાચતાં કોને શીખવ્યું ?” કનૈયો કહે છે-કે-“મા હું તારા પેટમાં હતો ત્યારથી શીખી ને આવ્યો છું,” આ કનૈયાનો ગુરૂ કોઈ થઇ શકે નહિ.તે બધાનો ગુરૂ છે.”કૃષ્ણમ વંદે જગદગુરુમ”

મહારાજે ખીર બનાવી ઠંડી પાડી છે. આ બાજુ લાલાએ ગમ્મત કરી છે.માની ગોદમાં સૂઈ ગયા છે.
યશોદાજી વિચારે છે-કે હવે લાલો સૂઈ ગયો છે એટલે મહારાજ શાંતિથી જમશે.
ગર્ગાચાર્યે-ખીરમાં તુલસીદલ અર્પણ કર્યું, અને- ત્વદીય વસ્તુ ગોવિંદ –બોલવા લાગ્યા.
“નાથ હું તમારો સેવક છું,હે લક્ષ્મીપતે જલ્દી પધારો,બહુ પ્રેમથી ખીર બનાવી છે”

આ સાંભળી લાલાને જવાની ઉતાવળ થઇ છે.કોઈ પ્રેમથી બોલાવે ત્યારે લાલાની ઈચ્છા થાય છે.
જગતનું આકર્ષણ શ્રીકૃષ્ણ કરે છે અને શ્રીકૃષ્ણનું આકર્ષણ પ્રેમ કરે છે.
લાલાને થયું કે કેવો પ્રેમાળ બ્રાહ્મણ છે. લાલાએ યોગમાયાને હુકમ કર્યો-કે માની આંખમાં જા.
યશોદાની આંખ મળી છે.કનૈયો દોડતો દોડતો આવ્યો અને ખીર આરોગવા લાગ્યો.
ગર્ગાચાર્યે જોયું, અરે આ વૈશ્યનો છોકરો ફરીથી આવીને ખીર ખાવા લાગ્યો.

પ્રભુએ વિચાર કર્યો-કે-આ બ્રાહ્મણ મારો ભક્ત છે,તે મારા સ્વરૂપને જાણતો નથી.તેને ક્યાં સુધી હું ભ્રાંતિમાં રાખું ? એટલે બાળ-સ્વરૂપ અદશ્ય કરી ને ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે.
ગર્ગાચાર્યે જોયું તો-આજે પ્રત્યક્ષ નારાયણના દર્શન થયા છે,સાષ્ટાંગ પ્રણામ કર્યા છે,આંખમાં આંસુ છે.
દર્શન કરતાં સ્તબ્ધ થઇ ગયા છે,વિચારે છે-હવે તો આ કનૈયો ગોદમાં બેસે તો સારું.
બાળ-સ્વરૂપે થયેલ કનૈયો આવીને ગર્ગાચાર્યની ગોદમાં બેસી ગયો,કહે છે-મહારાજ હવે જમો.
ગર્ગાચાર્ય કહે છે-કે- મારા ઇષ્ટદેવ મને મુખમાં કોળિયો આપે પછી જમું.
કનૈયો તો પ્રેમાળ છે,ગર્ગાચાર્યના મુખમાં કોળિયો આપે છે.
આજે ગર્ગાચાર્યનું જીવન સફળ થયું છે.સાક્ષાત નારાયણ સદેહે તેમને જમાડે છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE