Jul 24, 2020

ભાગવત રહસ્ય -૩૪૧

ગોકુલની કૃષ્ણલીલાનું તાત્પર્ય એ છે કે-શ્રીકૃષ્ણને ગોપીઓને મર્યા પછી નહિ પણ જીવતા જ મુક્તિ આપવી છે.એટલે તે ગોકુલ લીલા કરે છે.
મનુષ્ય ભક્તિમય જીવન ગાળે,કૃષ્ણ લીલાનું ચિંતન કરે તો-તેને જીવતાં જ મુક્તિનો આનંદ મળે છે.ગોપીઓ ભલે ઘરમાં રહે પણ તેમનું મન કૃષ્ણમાં રહે છે.કોઈ પણ ધ્યાન ધારણા વગર,ગોપીઓના મનનો નિરોધ થઇ તે મન શ્રીકૃષ્ણમય થયું છે.એટલે ગોપીઓ ભક્તિમાર્ગ ની આચાર્યાઓ છે.

મહાપ્રભુજીએ કહ્યું છે કે-હું ગોપીઓનો માર્ગ બતાવું છું,હું કંઈ નવું કહેતો નથી, જગતના લૌકિક રૂપમાં 
જેવી આસક્તિ છે,તેવી જો ભગવાનમાં આસક્તિ થાય તો સંસારનું બંધન છૂટી જાય છે.
શ્રીકૃષ્ણનું સૌન્દર્ય એવું છે કે-જેને જોયા પછી જગતનું સૌન્દર્ય જોવું ગમતું નથી.
શ્રીકૃષ્ણ એક એક ઇન્દ્રિયને યુક્તિથી વિષયોમાંથી હટાવી,પોતાની પાસે ખેંચી લે છે.
મહાત્માઓ કહે છે-કે-“ભગવાન ને રોજ પ્રાર્થના કરો કે-નાથ,મારા મનને ખેંચી લો,મારું મન 
શ્રીકૃષ્ણ સિવાય કોઈ જડ પદાર્થ માં ના જાય.” મન  ત્યારે શાંતિ મળે છે જયારે-તે ઈશ્વરમાં સ્થિર થાય છે.

વેદાંતીઓ મનને અર્ધ ચેતન અને અર્ધ જડ માને છે.મન પૂર્ણ જડ નથી.(પથ્થર પૂર્ણ જડ છે.)
મનુષ્ય જો સંકલ્પ કરે તો તે –મન-હજારો માઈલ દૂર જઈ આવશે.
એ જ મનનો લય માત્ર ઈશ્વરમાં જ થાય છે.મનનો લય કોઈ જડ પદાર્થમાં થતો નથી.
સંસારનો દરેક પદાર્થ નાશવાન છે,સંસારનો અર્થ છે –કે જે ક્ષણે ક્ષણે મરે છે તે.
મન માત્ર ઈશ્વરમાં જ મળી શકે,ઈશ્વર સિવાય બીજી કોઈ વસ્તુ માં મન મળતું નથી.

ઈશ્વરથી મન દૂર જાય એટલે બંધન,ઈશ્વરના ચરણમાં મન તે મુક્તિ.
ગોપીઓ ઈશ્વરમાં મન રાખીને સર્વ કાર્યો કરતી હતી.ઈશ્વર થી મન દૂર જાય તો તે બગડે છે, 
ઈશ્વરમાં મન ચોંટી રહે,તેને માટે ભગવાનની લીલા છે.ભગવાન લીલા કરે છે તેનું –આ જ તાત્પર્ય છે.
દશમસ્કંધની કૃષ્ણ-લીલા જગતનું વિસ્મરણ કરાવી શ્રીકૃષ્ણનું અખંડ સ્મરણ કરાવે છે.
શ્રીકૃષ્ણ (ઈશ્વર)માં મન જોડાઈ જાય તો જગત ભુલાય છે.
માટે એ મણીરામ (મન) ને –ગોકુલ વૃંદાવનમાં શ્રીકૃષ્ણ પાસે મોકલવાનું છે.

બુદ્ધિ પરમાત્માને પકડી શકતી નથી.
'નાયમાત્મા પ્રવચનેન લભ્યો,ન મેણુવા અ બહુના શ્રુતેન,
યમૈવેષ વૃણુંતે તેં લભ્યસ્તસ્યૈષ આત્મા વિવૃણું તે તનુંસ્વામ'
આ આત્મા (પરમાત્મા) વેદો નું અધ્યયન કરવાથી મળતો નથી,વળી બુદ્ધિ,ચાતુરી કે શાસ્ત્રના બહુ 
શ્રવણથી મળતો નથી.પરંતુ જે આત્મા ને જ પ્રાપ્ત કરવા માગે છે,તેને જ તે મળે છે.
પરમાત્મા જેને પોતાનો માને છે,અપનાવે છે તેને જ પરમાત્મા મળે છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE