Jul 23, 2020

ભાગવત રહસ્ય -૩૪૦

મનુષ્યનું બંધન આ વાનર જેવું છે.મનુષ્યને કોણે બાંધ્યો છે ? મનુષ્યને કોઈએ બાંધ્યો નથી,પણ અજ્ઞાનથી-આસક્તિવશ થઇ તે માને છે કે હું બંધાયેલો છું.જીવ પરમાત્મા નો અંશ છે,તેને કોઈ બાંધી શકે જ નહિ.પણ અજ્ઞાનથી-આસક્તિથી બંધન લાગે છે.
અજ્ઞાનનો-ઉપાધિ નો- નાશ થયો,એટલે કોઈ બંધન નથી,આત્મા અને પરમાત્મા એક જ છે.માયાએ સંસાર-રૂપી-હાંડલીમાં વિષયો-રૂપી-ચણા ભર્યા છે,ચણાને પકડે નહિ તો,જીવ છુટો જ છે.

કેટલાક ડાહ્યા વડીલો (ડોસાઓ) કહે છે કે-હું સર્વ વાતે સુખી છું,મને બંધન નથી,બે છોકરાંઓ છે,બંને માટે જુદા જુદા બંગલા રાખ્યા છે,આ એક છોકરી પરણાવવાની બાકી છે,તેનું લગ્ન થઇ જાય એટલે ગંગા-કિનારે જઈશ.પણ,મનુષ્ય બોલવામાં જેટલો ડાહ્યો છે-તેટલો વર્તનમાં ડાહ્યો નથી.
છોકરી પરણી જાય અને તેના ત્યાં ભાણો આવે એટલે પણ ગંગા-કિનારો તેને યાદ આવતો નથી.
પછી ભાણાની માયા લાગે છે.અને હવે કહે છે-કે-હું તો જવા તૈયાર છું,પણ ફલાણા ભાઈ ના પાડે છે.

છોકરાંઓ વિચારે છે-કે-ડોસો ગંગાકિનારે જશે તો પેન્સનના રૂપિયા ત્યાં મંગાવશે અને સાધુ સંતો પાછળવાપરી નાખશે.તેના કરતાં ઘરમાં હશે તો પૈસા ઘરમાં વપરાશે.ઘરમાં હશે તો નોકર નહિ આવ્યો હોય તો બજારમાંથી શાક-ભાજી લઇ આવશે.બાબા-બેબી ને રમાડશે.બહાર ફરવા જવું હશે-ઘર સાચવશે.
ડોસો હવે કહે છે-કે છોકરાંઓ ગંગા કિનારે જવાની ના પાડે છે.
આજે છોકરાંઓ ના પડે છે,પણ કાલે યમરાજના ઘેરથી વોરંટ આવશે ત્યારે કોઈ ના પાડશે તો ચાલવાનું છે ? ત્યાં તો જવું જ પડશે.

સમજીને છોડે એ સુખી થાય છે,જે ફરજીયાત છોડવું પડે છે તે દુઃખી થાય છે.
કાળ ધક્કો મારે અને રડતાં-રડતાં ઘર છોડીએ તેના કરતાં સાવધાન થઇ સમજપૂર્વક છોડવું સારું છે.
ત્યાગ જો બુદ્ધિપૂર્વક થાય તો તે ત્યાગ સુખ આપે છે.
જીવાત્માને કોઈએ બાંધ્યો નથી,પોતે જ પોતાને બાંધે છે અને દોષ બીજાને આપે છે.
મન વિષયોમાંથી હટી જાય અને ભગવાનનું ચિંતન કરે –એટલે મુક્તિ મળે.મન સંસારને ભૂલી જાય 
તો તે મુક્ત જ છે.સંસારના વિષયોમાંથી મન હટી જાય તો સમાધિ જેવો આનંદ મળે છે.
”હું શરીર છું” એવો દેહાધ્યાસ છૂટી જાય અને વૃત્તિ બ્રહ્માકાર થાય તે મુક્તિ.

વિષયોનું ચિંતન કરે તે મન અશુદ્ધ છે,વિષયોનું ચિંતન છોડી દે તે મન શુદ્ધ છે.
અનાદિ કાળથી મન ને વિષયોનું ચિંતન કરવાની આદત પડી છે.તે જ મન જો શ્રીકૃષ્ણ કથાનું ચિંતન કરે,
કાન કૃષ્ણ-કથાનું શ્રવણ કરે,તો-મન ને વિષયો નું ચિંતન કરવાની આદત છુટે છે.
ઇન્દ્રિયોના સ્વામી શ્રીકૃષ્ણ છે.આંખનું,કાનનું-સર્વ ઇન્દ્રિયોનું લગ્ન શ્રીકૃષ્ણ જોડે કરવું.
સર્વત્ર સર્વમાં શ્રીકૃષ્ણનું દર્શન કરવું.

એક એક ઇન્દ્રિયોના એક એક એમ- પાંચ વિષયો છે. ઇન્દ્રિયો તે વિષયોથી અલગ થાય છે 
ત્યારે તે ઇન્દ્રિયો આત્મા (પરમાત્મા) જોડે શયન કરે છે.
મહાત્માઓ કહે છે કે-ઈન્દ્રિયોરૂપી ગોપીઓને પ્રભુ સાથે પરણાવો.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE