Jul 19, 2020

ભાગવત રહસ્ય -૩૩૬

નિંદ્રામાં મન કોઈ વિષય તરફ જતું નથી,એટલે કે તે નિર્વિષય બને છે,અને જગત ભુલાય છે.અને જેથી નિંદ્રામાં સુખ અનુભવાય છે. સમાધિમાં પણ જગત ભુલાય છે પણ નિંદ્રા ને સમાધિમાં તફાવત છે.સમાધિમાં સર્વ વિષયોમાંથી મન હટી જાય છે,ચિત્તવૃત્તિ નો નિરોધ થાય છે. અને મન પૂર્ણપણે નિર્વિષય થઇ જાય છે, જયારે નિંદ્રામાં મન પૂર્ણપણે નિર્વિષય થતું નથી.

શંકરાચાર્યે શિવમાનસ પૂજાસ્તોત્ર માં કહ્યું છે-કે-
આત્મા ત્વમ ગિરિજા મતિ સહચરા પ્રાણામ શરીરંગૃહ,પૂજા તે વિષયોપભોગ રચના નિંદ્રા સમાધિ સ્થિતિ.
(તમે મારા આત્મા છો,બુદ્ધિ પાર્વતી છે,પ્રાણ આપના ગણ-પોઠીયા છે,શરીર તમારું મંદિર છે,સંપૂર્ણ વિષયભોગોની રચના તમારી પૂજા છે,નિંદ્રા સમાધિ-સ્થિતિ છે)

નિંદ્રામાં સમાધિ જેવો આનંદ મળે છે,પરંતુ નિંદ્રાના આનંદને તમસ આનંદ માન્યો છે.
નિંદ્રામાં સર્વનો વિનાશ થાય છે પણ અહંકારનો વિનાશ થતો નથી,હું પણું,અહમ બાકી રહી જાય છે,
જયારે સમાધિમાં અહમ-ભાવ ભુલાય છે,નામ-રૂપ ભુલાય છે.

સમાધિ ના બે પ્રકાર છે. જડ અને ચેતન.
પ્રાણ અને અપાનને સમાન કરી (પ્રાણાયામ દ્વારા) યોગી મનને બળાત્કારથી વશ કરી,પ્રાણને બ્રહ્મરંઘ્રમાં સ્થાપે છે,તે જડ સમાધિ છે. વિશ્વામિત્રની જડ સમાધિ હતી,૬૦૦૦૦ વર્ષ તપ કર્યું છતાં મેનકાને જોઈ મન લલચાયું હતું.જ્યારે મન પર બળાત્કાર કર્યા વગર તેને પ્રેમથી સમજાવીને તેને વિષયોમાંથી હટાવી,
પરમાત્માના ચિંતન દ્વારા જગતને ભૂલવું તે ચેતન સમાધિ છે.
સમાધિ સહજ હોવી જોઈએ.એવી સહજ સમાધિ શ્રીકૃષ્ણ લીલામાં છે.

કનૈયાની વાંસળી સાંભળી,કૃષ્ણ કથાનું શ્રવણ કરતાં,કૃષ્ણ કથાનું વર્ણન કરતાં,આંખો ઉઘાડી હોવાં છતાં સમાધિ લાગે છે.ગોપીઓએ કદી નાક પકડી ને સમાધિ લગાવવાનો પ્રયત્ન કર્યો નથી.ગોપીઓને તો આપોઆપ સમાધિ લાગે છે.આ કૃષ્ણ કથા એવી છે કે-જગતમાં રહેવા છતાં અનાયાસે જગત ભુલાય છે.
સાત દિવસ માં મુક્તિ આપનાર આ દિવ્ય ગ્રંથ છે.
ભાગવત કથાના શ્રવણથી,પરીક્ષિત રાજા સાત દિવસમાં આ જગત ભૂલીને શ્રીકૃષ્ણમાં તન્મય થયા છે.

મોટા મોટા જ્ઞાની-મહાત્માઓને બીક હતી કે સાત દિવસ માં મુક્તિ કેવી રીતે મળે ?
સાત દિવસમાં રાજામાં જ્ઞાન,ભક્તિ અને વૈરાગ્ય વધે –એટલા માટે આ કૃષ્ણ કથા છે.
કૃષ્ણ કથામાં –કૃષ્ણ લીલામાં રાજાનું મન તન્મય થાય તો સાત દિવસમાં મુક્તિ મળે.
યોગીઓ જગતને ભૂલવા માટે નાક પકડી ને બેસે છે,પ્રાણાયામ-પ્રત્યાહાર કરે છે,
આંખો બંધ કરીને જગતને ભૂલવાનો પ્રયત્ન કરે છે,પણ જગત ભૂલાતું નથી,
જયારે ગોપીઓને જગત યાદ આવતું નથી. કૃષ્ણ કથામાં પ્રાણાયામની જરૂર રહેતી નથી.

કૃષ્ણ કીર્તન,કૃષ્ણ લીલામાં,કૃષ્ણ કથામાં-એવી શક્તિ છે કે અનાયાસે જગત ભુલાય છે.
સાચો આનંદ જગતમાં નથી પણ જગતને ભૂલી જવામાં છે.

      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE