Jul 13, 2020

ભાગવત રહસ્ય -૩૩૦

યશોદાજી ગોપીઓને શિખામણ આપે છે-કે- અરી સખી,કનૈયો આવે છે,તેવી તમને ખબર પડે છે,તો તે આવવાનો હોય તે દિવસે માખણ તમારા ઘરમાં ના રાખો,કોઈ આડોશી-પાડોશીના ઘેર મૂકી આવો.બે-ચાર વખત ફેરો ખાલી જશે, પછી તે નહિ આવે.ત્યારે ગોપી બોલી-કે-મા તમે જે શિખામણ આપો છો તે પણ અમે કરી જોયો છે,પણ તે કામમાં આવે તેમ નથી. મા,તમને શું કહું ?એક દિવસ કનૈયો મને રસ્તામાં મળ્યો,મારી સામું જોઈ હસવા લાગ્યો.અને મને કહે છે-કે-આવતી કાલે હું ત્યારે ત્યાં આવીશ. હું ઘેર આવી અને બધું માખણ મારે પિયર મૂકી આવી,ઘરમાં કશું રાખ્યું નહિ,

બીજે દિવસે કનૈયો આવ્યો,ઘરમાં જુએ તો માખણ મળ્યું નહિ,એટલે તે ગુસ્સે થયો.અને 
પારણામાં સૂતેલા મારા દીકરાને ચૂંટીઓ ભરી કહ્યું કહ્યું-તારી મા કંજૂસ છે.ઘરમાં કંઈ રાખતી નથી,
પણ જે ઘરમાં હું જાઉં છું,તે ઘરમાંના લોકો ને પ્રસાદ આપીને જાઉં છું.લે આ મારો પ્રસાદ.
એમ કહી બાળકને ચૂંટીઓ ખણીને તેને ઉઠાડ્યો,ને રડાવ્યો.

ઈશ્વર ઘરમાં આવે અને ઘરમાં રહેલા સૂતા હોય તો તેને ઈશ્વર જગાડે છે.
ઈશ્વર કયા રૂપે આવે છે તે કહી શકાતું નથી.કોઈ વખત ભિખારી,કોઈ વખત વૃદ્ધ રૂપે,કોઈ વખત બ્રાહ્મણ રૂપે,કયા સ્વરૂપે ભગવાન આવે છે તેની ખબર પડતી નથી,માટે દરેકનું સન્માન કરવું જોઈએ.કોઈનો તિરસ્કાર કરવો નહિ.જીવ “અજ્ઞાન” નિંદ્રામાં સૂતો રહે તો ભગવાન ચાલ્યા જશે.

વેદાંત કહે છે-કે ઈશ્વરને કોઈ રૂપ નથી,જયારે ભક્તો કહે છે-કે-જગતમાં જેટલાં રૂપો દેખાય છે તે 
ઈશ્વરનાં સ્વ-રૂપો છે. ઈશ્વરના અનંત રૂપો છે.ઈશ્વરનું કોઈ એક રૂપ નથી.તે અનેક રૂપો ધારણ કરે છે.
તે અનેક રૂપધારી છે,પરમેશ્વર કોઈ પણ સ્વરૂપે આવે છે,
પણ આ જીવ પ્રમાદ નિંદ્રામાં સૂતેલો છે,એટલે તેને સમજ પડતી નથી.

યશોદાજી હવે બીજું સૂચન કરે છે-કે- માખણની જેમ તમારાં છોકરાંઓને પણ પિયર મૂકી આવો તો ?
ત્યાં બીજી ગોપી બોલી કે-મા,મે આમ પણ કર્યું હતું,અને લાલો ઘેર આવ્યો અને ઘરમાં કશું ના મળ્યું,
એટલે તે મિત્રોને કહે છે-કે-આ ઘરમાં મારા માટે કશું રાખ્યું નથી,માટે એ સ્મશાનરૂપ છે.
મિત્રો પૂછે છે-કે લાલા હવે શું કરવાનું ? એટલે શ્રીકૃષ્ણ કહે છે-કે-સ્મશાનમાં ગામની બહાર લોકો એકી-બેકી કરવા જાય છે,આપણે અહીં સ્મશાનમાં આવ્યા છીએ તો,જેને એકી-બેકી પતાવવી હોય તે અહીં જ પતાવો. અને બાળકોએ આખા ઘરને બગાડ્યું છે.

ગોપી કહે છે-કે- લાલો મને રસ્તામાં મળ્યો,મે તેને પૂછ્યું કે લાલા,તોફાન તો નથી કર્યું ને ?
તો તે મને કહે છે કે-તારા ઘેર જઈ ને જો -પછી પૂછજે.સાચવી ને ઘરમાં પગ મૂકજે.
યશોદાજી કહે છે-કે-સખીઓ,તમે કહો છો-કે લાલાએ તોફાન કર્યું,પણ હું જયારે લાલાને પુછું છું,ત્યારે તો તે ના પાડે છે.તમે કનૈયાને ચોરી કરતાં જ પકડી લાવો,,તો જ હું તમારી વાત સાચી માનીશ.
તેનું મોઢું માખણથી ખરડાયેલું હોય ત્યારે જ મુદ્દામાલ સાથે પકડી લાવો,તો તેણે હું સજા કરીશ.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE