Jul 9, 2020

ભાગવત રહસ્ય -૩૨૭

જીવ ખૂબ જ નમ્ર બને અને સાધન કરે તો તે ઈશ્વરને ગમે છે,અને ઈશ્વર તેના પર કૃપા કરે છે.નિઃસાધન બની જે ભક્તિ કરે તે શ્રેષ્ઠ છે.નિઃસાધન બનવું એટલે –સાધન બધાં કરવાના પણ માનવાનું કે મારા હાથે કંઈ થતું નથી-એમ માનવું તે.એવા નિરાભિમાની થવાનું છે.પણ ઘણી વખત એવું થાય છે કે –મનુષ્ય સાધન કરે અને સાધનનું અભિમાન વધવા માંડે –એટલે તે પડે છે.પડવાનું નહિ પણ દીન બનીને રડવાનું છે.

બીજા કોઈ જીવને હલકા માનશો,તો હૃદય શુદ્ધ રહેશે નહિ.
ચાર વાર નહાવાથી શું મનુષ્ય શુદ્ધ થાય છે ? એમ તો માછલાં ચોવીસે કલાક નદીમાં નહાય છે.
પોતે ઉપવાસ કરે તે સારું છે,પણ દાળ-ભાત ખાનારને હલકા માનવા તે સારું નથી.
એમ તો-વાંદરાં ઉપવાસી છે,પણ તેમનું મન કેટલું ચંચળ છે?
ઉપવાસ કરો,નહાઓ.ખૂબ ભક્તિ કરો કે ખૂબ સાધન કરો,પણ સાવધાન રહેવાનું છે કે અંદરનું “હું” ના વધે.
અભિમાનને મારવા માટે તો આ બધાં સાધન છે,એટલે સાધનનું અભિમાન નકામું છે.

યશોદાજી ગોપીને કહે છે-કે-તારા ઘેર કનૈયો આવે અને તોફાન કરે તો તેને ધમકાવજે.વૃદ્ધાવસ્થામાં દીકરો થયો છે,મને તો એ પ્રાણ પ્યારો લાગે છે,હું તેને કેમ કરી ધમકાવું ? મારા લાલાને તું ધમકાવે તો હું તને ઠપકો આપીશ નહિ.ત્યારે ગોપી બોલી કે-મા,લાલાને શું ધમકાવીએ ? એ તો સમો અમને ધમકાવે છે,તે એવો રીઢો થઇ ગયો છે,કે.મને વિચાર થાય છે કે એને કોણ સમજાવશે ? મા,ગઈકાલે એ મારા ત્યાં આવેલો,હું તેને પકડવા ગઈ,તે નાસી ગયો,તેની પાછળ દોડી હું થાકી ગઈ,એટલે દૂરથી મને અંગુઠો બતાવી અને છોકરાઓને એવું શીખવાડે છે-કે છોકરાંઓ મારો હુરિયો બોલાવે છે.

બીજી ગોપી કહે છે,કે-મા તમને શું કહું? લાલાને માખણ ચોરીની ટેવ પડી ગઈ છે,ઘરમાં કોઈ ના હોય ત્યારે આવે છે, અને માખણની ચોરી કરીને ખાય છે.
યશોદાજી ગોપીના કાનમાં કહે છે-કે- આ વાત કોઈને કહીશ નહિ,નહિતર મારા લાલાને કન્યા કોણ આપશે?
ગોપી કહે છે-કે-મા,તમને શું કહું ?કનૈયો માગે તે આપું, પણ તે માગતો નથી,એ ચોરી કરે છે,અત્યારે એ 
માખણની ચોરી કરે છે,અને મોટપણમાં પૈસાની ચોરી કરશે તો ?

યશોદાને થયું કે લાલાને ધમકાવું,પણ પાછો વિચાર આવ્યો કે –હું ધમકાવું અને તેના પેટમાં બીક 
દાખલ થઇ જાય તો ? એટલે તે કનૈયાને સમજાવે છે-કે-“તું ઘરનું માખણ કેમ ખાતો નથી ?”
લાલાએ કહ્યું કે મને ઘરનું માખણ ભાવતું નથી,હું તો બહાર જઈ ને કમાઈને ખાઈને આવું છું,
ગોપીના માખણમાં વિશેષ મીઠાશ મને લાગે છે.
યશોદાજી પાસે ગોપીઓ ફરિયાદ કરે છે,મા,લાલાને બહુ લાડ લડાવશો નહિ.તે માખણચોર છે.
પણ શુકદેવજી બહુ વિવેકથી કથા કરે છે.શ્રીકૃષ્ણ ચોરી કરે છે,તેવું તે બોલ્યા નથી. તે કહે છે-કે-
“રાજા હું આ કહેતો નથી, પણ ગોકુળની ગોપીઓ જે કહેતી હતી તેનો અનુવાદ કરું છું.”

ગોપીઓ ભલે અતિપ્રેમમાં લાલાને માખણચોર કહે,પણ શુકદેવજી એ પણ તેમ કહ્યું નથી તો,પછી,
આપણાથી તો તેણે માખણચોર કેવી રીતે કહેવાય ? શ્રીકૃષ્ણ તો સર્વેશ્વર છે,સર્વના માલિક છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE