Jul 7, 2020

ભાગવત રહસ્ય -૩૨૫

શંકરાચાર્યજીએ કહ્યું છે-કે- પરમાત્માનો સાક્ષાત્કાર થાય પછી,તેવા જ્ઞાનીને હાથે પાપ થતું નથી,અને કદાચ થાય તો દોષ તેના માથે જતો નથી.પણ પરમાત્માનો સાક્ષાત્કાર જેને નથી થયો,તેવા અજ્ઞાની જીવ માટે શાસ્ત્ર છે.ચોરી કરવી જોઈએ નહિ તેવી આજ્ઞા શાસ્ત્ર આપે છે.પરમાત્મા જેને અપનાવે છે-પછી આખું જગત તેનું -જ – થઇ જાય છે.પછી તે ચોરી કરતો નથી.જે પરમાત્મા (આત્મા)ને ઓળખે છે,જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે,તે જ્ઞાની માટે શાસ્ત્ર નથી,તે શાસ્ત્ર-વિધિ-નિષેધથી પર થઇ જાય છે. શાસ્ત્ર પશુ માટે પણ નથી,શાસ્ત્ર મનુષ્ય માટે છે.

કેટલાક લોકો કહે છે કે-કૃષ્ણ માખણ-ચોર છે,ચોરી કરે છે.તત્વ-દૃષ્ટિથી જોવા જાઓ,તો,ઈશ્વર સર્વના માલિક છે,જગતમાં જે બધું છે તે ઈશ્વરનું જ છે.શ્રીકૃષ્ણ સર્વેશ્વર છે.જે ગોપી,તન,મન અને ધન શ્રીકૃષ્ણને અર્પણ કરે છે,તેના ઘરનું થોડું માખણ શ્રીકૃષ્ણ ખાય તો તે શું ચોરી કહેવાય ? લૌકિક દૃષ્ટિથી જોવા જાઓ તો પણ આ ચોરી ના કહેવાય.કારણ કે જેના ઘેર ચોરી કરવા જાય છે,તે ઘરધણીનો છોકરો લાલા સાથે છે.
આ ચોરી નથી,આ દિવ્ય-પ્રેમ-લીલા છે.ગોપીઓને પરમાનંદનું દાન કરવા માટે આ લીલા છે.

ગંગાકિનારે શુકદેવજી આ ગોપીપ્રેમની વાત કરે છે.
લાલાએ આજે મંડળની સ્થાપના કરીને પોતે અધ્યક્ષ થયો છે.મિત્રો પૂછે છે-કે અમારે શું કામ કરવાનું ?
શ્રીકૃષ્ણ કહે છે-કે-તમારે એટલું જ ધ્યાન રાખવાનું કે-કઈ ગોપી ઘરમાંથી ક્યારે બહાર જાય છે.અને ક્યારે ઘરમાં પાછી આવે છે.
આમ તો ગોપીઓની ઈચ્છા છે-કે-કનૈયો રોજ મારા ઘરે આવે. રોજ સવારે મંગળાનાં –લાલાનાં દર્શન કરવા માટે ગોપીઓ યશોદાના ઘેર લાલાને ઠપકો આપવાને બહાને-કે લાલાની ફરિયાદ કરવાના બહાને આવે છે,
અને યશોદાજીને લાલાની એક એક લીલા સંભળાવે છે.અને ફરિયાદ કરતાં કહે છે-કે-મા,કનૈયો, હવે બહુ તોફાન કરે છે,ગાય દોહવાનો સમય ના થયો હોય તો પણ વાછરડાંને કનૈયો છોડી દે છે, એટલે વાછરડાં બધું દૂધ પી જાય છે,દૂધ દોહવા જઈએ ત્યારે બશેર દૂધ પણ મળતું નથી.અમારા ઘરનું માખણ ચોરી જાય છે,અને તેના મિત્રોને ખવડાવી દે છે,ગમે ત્યાં છેટે કે ઉંચે માખણ મુકીએ તો પણ તે ત્યાં પહોંચી જાય છે,રાતનું અંધારું પણ તેને અસર કરતુ નથી,તે જ્યાં જાય છે ત્યાં પ્રકાશ થાય છે.અમે જયારે તેને માખણચોર કહીએ છીએ,ત્યારે તે અમને કહે છે-કે-તું ચોર,તારા ઘરનાં બધાં ચોર,હું તો ઘરનો માલિક છું.

ગોપીઓ ભલે અતિપ્રેમમાં લાલાને માખણચોર કહે,બીજા કોઈથી કહેવાય નહિ.અને જો કહે તો –તે કહેશે કે-“તારો બંગલો કેવી રીતે બાંધ્યો છે (ચોરીના બે નંબરના પૈસાથી) તે મને ખબર છે.હું તો માલિક છું.” શ્રીકૃષ્ણ સર્વ ના માલિક છે.નરસિંહ મહેતા તેમના સુંદર ભજનમાં કહે છે.કે-
જશોદા તારા કાનુડાને સાદ કરી ને વાર રે,આવડી ધૂમ મચાવે વ્રજમાં,નહિ કોઈ પૂછણહાર રે.
શીકું તોડ્યું,ગોરસ ઢોળ્યું,ઉઘાડીને બાર રે,માખણ ખાધું,ઢોળી નાખ્યું,જાન કીધું આ વાર રે...જશોદા..
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE