Jul 6, 2020

ભાગવત રહસ્ય -૩૨૪

બાલકૃષ્ણ ધીરે ધીરે મોટા થયા છે.ત્રણ વર્ષ પૂરાં થયા અને ચોથું બેઠું છે.
મનસુખ,મધુમંગલ,શ્રીદામા –વગેરે મિત્રો સાથે રમવા જાય છે.કેટલાક ગરીબ ગોવાળ ના છોકરા બહુ દુર્બળ હતા.કનૈયો કહે છે-મનસુખ તું બહુ દુબળો છે,આવો દુર્બળ મિત્ર મને ગમે નહિ,તું મારા જેવો તગડો થા.મનસુખ રડવા લાગ્યો,કહે છે-કે- તું તો રાજા નો દીકરો છે,તારી મા તને રોજ માખણ ખવડાવતી હશે,કનૈયા અમે ગરીબ છીએ,માખણ ક્યાંથી ખાઈ શકીએ? લાલા,મને તો દૂધ પણ મળતું નથી,મારે તો છાશ પીવી પડે છે,મને પણ કોઈ માખણ ખવડાવે તો તારા જેવો તગડો થાઉં.

શ્રીકૃષ્ણ પૂછે છે-કે તારા ઘરમાં ગાયો છે કે નહિ ?માખણ થાય છે કે નહિ ?મનસુખ કહે છે-કે-ગાયો પણ છે અને માખણ પણ થાય છે,પણ મોટા રાજા કંસ ને કર માં બધું માખણ આપવું પડે છે.
કંસનો હુકમ હતો કે –જે માખણ થાય તે બધું તેને આપવું.કંસ દુષ્ટ હતો,જુલમ કરતો હતો,પ્રજા દુઃખી હતી.
વ્રજવાસીઓ ભોળા હતા,તેમને કપટ કરતાં આવડતું નહોતું,બાળકોને માખણ ના આપે અને બધું માખણ
કંસને આપે. કંસ આ માખણ પોતાના પહેલવાનોને ખવડાવે.

શ્રીકૃષ્ણ પૂછે છે-કે-ગાયોની સેવા કોણ કરે છે ? ગોપબાળકો કહે છે-કે-અમે કરીએ છીએ.
કનૈયો કહે છે-કે-આ તો કેવું ?ગાયોની સેવા કોઈ કરે અને માખણ ખાય કંસ? હવે આ અન્યાય હું નહિ થવા દઉં.વ્રજવાસીઓ જે કર રૂપે માખણ કંસને આપે છે-તે હું મથુરા જવા નહિ દઉં.તેને માખણ જોઈતું હોય તો ગાયો રાખે. ગામનું ગામમાં જ રહેવું જોઈએ.મનસુખા તું રડ નહિ,આવતી કાલથી હું તને રોજ માખણ ખવડાવીશ,એટલે તું મારા જેવો તગડો થઇ જઈશ.

ઈશ્વર અપેક્ષા રાખે છે-કે- જીવ મારા જેવો થાય.જીવ ઈશ્વર સાથે પ્રેમ કરે તો ઈશ્વર એવી આશા રાખે છે.
મિત્રો કહે છે-કે-લાલા તું રોજ માખણ ક્યાંથી ખવડાવીશ ?તારા ઘરમાંથી રોજ માખણ આપશે તો,તારી મા તને મારશે.કનૈયો કહે છે-કે-ના.ના, હું મારા ઘરનું માખણ નહિ પણ બહારનું કમાવીને ખવડાવીશ.
મિત્રો પૂછે છે-કે-કનૈયા તને કમાતાં આવડે છે? કનૈયો કહે છે-કે-હા,કમાવું હોય તો બધા ભેગા મળીને સહકારી મંડળી કાઢવાની.બધા સાથે મળે તો વ્યાપાર બરોબર થાય!! મિત્રો પૂછે કે-એટલે શું ચોરી કરવાની ?

કનૈયો કહે છે-કે- હા,ચોરી કરવાની,તે માટે આપણે એક મંડળ રચીશું. અને તેનું નામ રાખીશું-
“બાલ ગોપાલ ચૌર્ય વિદ્યા પ્રચારક મંડળ”
મિત્રો પૂછે છે કે-કનૈયા આપણે ચોરી કરવા જઈએ અને કોઈ આપણને પકડે તો? પકડાઈશું તો સજા થશે.
કનૈયો કહે છે-કે-મારા ગુરુએ મને મંત્ર શીખવાડ્યો છે.એ મંત્ર બોલીએ તો કોઈ આપણને ચોરી કરતાં જોઈ શકે નહિ. કદાચ પકડાઈએ તો પકડમાંથી. છૂટી જઈએ.

મિત્રો ને માખણ ખવડાવવા,અને કંસ ને માખણ નહિ આપવા,કનૈયો ચોરી કરવા તૈયાર થયો છે.કનૈયો મિત્રો ને મંત્ર આપે છે,આપણને નહિ, એટલે આપણે કોઈએ ચોરી કરવાની ઈચ્છા કરવી જોઈએ નહિ.આ તો પ્રભુ ની લીલા છે.તુલસીદાસે કહ્યું છે-કે-“સમરથ કો નહિ દોષ ગુસાઈ” સમર્થ ને કોઈ દોષ લાગતો નથી.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE