Jun 20, 2020

ભાગવત રહસ્ય -૩૧૦

શ્રી કૃષ્ણના “કાલ્પનિક સ્વ-રૂપ” નું મનથી ચિંતન કરતાં કરતાં પ્રાણત્યાગ કરનાર યોગીને મુક્તિ મળે છે,ત્યારે સાક્ષાત પરમાત્માનાં દર્શન કરનારને અને હૃદય પર ધારણ કરનારને (પૂતનાને) સદગતિ મળે તેમાં શું આશ્ચર્ય ? શ્રીકૃષ્ણ દયાળુ છે,પ્રભુના મારમાં પણ પ્યાર છે.જેને મારે છે-તેને તારે પણ છે.ઝેર આપનારને પણ માતાને આપવા યોગ્ય સદગતિ આપી છે.તો પ્રેમથી લાલાની કરે પૂજા કરે તેને લાલો શું ના આપે ?

સતત હરિ-સ્મરણ અને હરિ-રટણ કરવાની ટેવ હોય તો વાસના અંદર પ્રવેશી શકતી નથી.
પણ -જો એકવાર વાસનાએ અંદર પ્રવેશ કર્યો તો પછી ડહાપણ ચાલતું નથી.વાસના જાગ્યા પછી મનુષ્ય ક્યાંક તો વિષય ભોગવે છે અને ના ભોગવે તો મન ચંચળ થાય છે.વાસના બંને રીતે મારે છે.
વાસનાનો વિનાશ થાય તો જ ભક્તિ થાય છે, અને ભક્તિમાં અતિ આનંદ મળે છે.
જેને ભક્તિ કરવી હોય તેને ઠાકોરજી (પરમાત્મા) ના સ્વરૂપમાં આસક્ત થવું જોઈએ.
ભક્તિ કેવી રીતે કરવી તે –આ ગોપીઓ બતાવે છે,ગોપીઓને ગુરૂ કરવાની જરૂર છે.
ગોપીઓ પહેલાં એક એક અંગનું અને પછી સર્વાંગ (સર્વ અંગો) નું ધ્યાન કરે છે.

પૂતનાના છ દોષો છે.કામ,ક્રોધ,લોભ,મોહ,મદ અને મત્સર. અને આ દોષો અજ્ઞાનથી આવે છે.
પ્રભુના છ ગુણો છે,ઐશ્વર્ય,વીર્ય,યશ,શ્રી,જ્ઞાન અને વૈરાગ્ય.
ભગવાનના એક એક સદગુણને હૃદયમાં મનુષ્ય ઉતારે તો એક એક દોષ દૂર થાય.

ભાગવતમાં બાળલીલાઓ ઘણી વર્ણવી છે,પણ કોઈ બાળલીલાની ફળશ્રુતિ કહેલી નથી.પણ-
એક આ પૂતના ચરિત્રની ફળશ્રુતિ એટલે- કહી છે-.કે-મનુષ્ય એક અજ્ઞાનને-કામવાસનાને ઓળખે 
તો યે ઘણું છે,અજ્ઞાન દૂર થાય તો શ્રીગોવિંદ માં પ્રીતિ થાય છે.

પૂતના કોણ હતી ? ( તેની કથા આગળ આવી ગઈ છે.અહીં ટુંકાણમાં)
બલિરાજા અને વિન્ધ્યાવલીની પુત્રી રત્નમાલાનો પુનર્જન્મ પૂતના તરીકે થયેલો.
જયારે વામન ભગવાન બલિરાજાના દરબારમાં દાન માગવા આવે છે,ત્યારે તેમના મનોહર રૂપને જોઈ,
સહુ પ્રથમ રત્નમાલા ને તેમના પ્રત્યે વાત્સલ્યભાવ થયો,અને તેમને ધવડાવવાની ઈચ્છા થઇ,
પણ પાછળથી તે બાળકના કરતુત જોઈ તેને મારી નાખવાની ઈચ્છા થઇ.
આમ બંને વાસનાવાળી રત્નમાલા બીજા જન્મમાં પૂતના થઇ છે.

મનમાં જ્યાં સુધી સૂક્ષ્મ વાસના-વિરોધ રહી જાય ત્યાં સુધી,મનનો નિરોધ થતો નથી,અને
મનનો નિરોધ ન થાય ત્યાં સુધી મુક્તિ મળતી નથી. શ્રીકૃષ્ણ લીલા એ નિરોધ લીલા છે.
પૂતનાની લીલા પછી હવે શકટભંજનની લીલા આવે છે.શુકદેવજી વર્ણન કરે છે- કે-
રાજન,શ્રીકૃષ્ણે શકટભંજન (શકટ નામના રાક્ષસ ને માર્યો) કર્યું ત્યારે તે ૧૦૮ દિવસના હતા.

ગોપીઓને કૃષ્ણનાં દર્શન વગર ચેન પડતું નથી.રોજનો મંગળાના દર્શન કરવાનો તેમનો નિયમ છે.
યશોદાજી કહે છે-કે અરી,બાવરી ગોપીઓ,હજુ મારો કનૈયો સૂતેલો છે,આટલી વહેલી કેમ આવો છે ?
જરા દૂરથી કનૈયાનાં દર્શન, વાતો કર્યા વગર કરો,નહિ તો મારો લાલો જાગી જશે.
એક દિવસે સવારે ગોપીઓ આવી છે,અને લાલા ના પારણા ને ઘેરી ને ઉભી છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE