Jun 4, 2020

ભાગવત રહસ્ય -૨૯૫

મહાપ્રભુજી કહે છે-કે-મથુરા અને મધુરા એક જ છે.મધુરાધિપતે અખિલમ મધુરમ. 
મધુ=મધ અને રા=રક્ષણ કરે છે. એટલે મધથી શરીરનું રક્ષણ કરે છે-તે.
મધથી માનવ શરીરને- જે-મનુષ્ય- સાચવે તેનું શરીર મથુરા (મધુરા) બને છે.
મધ બે જગ્યાએ છે.કામસુખ ને સંપત્તિમાં. આ બે વસ્તુમાં મન ફસાયેલું છે.
શરીર હંમેશને માટે કોઈનું સારું રહેતું નથી,શરીરને તો-ક્ષય રોગ લાગુ પડ્યો છે.”શીર્યતે ઇતિ શરીરમ” એટલે ભલે બીજું બધું બગડે પણ મન ના બગડે તેની કાળજી રાખવાની છે.

જે મનથી ભક્તિ કરવાની છે-તે મનને બહુ પવિત્ર રાખવાની જરૂર છે.મન સાચવે તે મહાન છે.
મન સતત ભક્તિ ના કરે તો કદાચ-બહુ વાંધો નહિ -
પણ તે કામસુખ અને દ્રવ્ય-સુખનું ચિંતન ના કરે તો ધીરે ધીરે -તે મન શુદ્ધ થાય છે.
આ જગત બગડ્યું નથી પણ મન બગડ્યું છે.
અનેક વાર મનુષ્ય તનથી કામ નો ત્યાગ કરે છે,પણ મનથી નહિ,તે દંભ છે.

પ્રભુએ આ બે વસ્તુઓમાં આસક્તિ (માયા) રાખી છે,આસક્તિ-રૂપ મધ રાખ્યું છે.આ બેથી બચવાનું છે.
આ બે છૂટ્યા સિવાય ખરી ભક્તિનો પ્રારંભ થતો નથી.આ મધથી મનને બચાવવાનો ઉપાય શો ?
મથુરા શબ્દને ઉલટાવો તો તે થશે રાથુમ. થુ –ને વચ્ચેથી કાઢી નાખો તો રહેશે-રામ.
જેના મુખમાં રામ રહે છે-તેનું શરીર મથુરા (પવિત્ર) બને છે.પરમાત્માનું સતત અનુસંધાન હોય તો “રામ” રહે છે,અને તે ન હોય- તો રહે છે –થુ. યમદૂતો તેના પર થુ-થુ-કરે છે.

આમ ઇન્દ્રિયો શુદ્ધ થાય એટલે હૃદય ગોકુલ બને અને તેમાં પરમાત્મા વિરાજે છે.
ગો-શબ્દના ઘણા અર્થ થાય છે. ગો=ગાય,ગો=ઇન્દ્રિય,ગો=ભક્તિ,ગો=ઉપનિષદ.
ઇન્દ્રિયો (ગો) ને વિષયો તરફ ના જવા દેતાં પ્રભુ તરફ વાળવાની છે,કારણ તેના માલિક પ્રભુ છે.

ભક્તિ (ગો) આંખથી અને કાનથી પણ થાય છે.
આંખથી ભક્તિ-એટલે-આંખમાં પ્રભુ ને રાખીને જગતને જોવાથી,જગત કૃષ્ણમય દેખાય છે.
કાનથી ભક્તિ –એટલે-કેટલાક કથા શ્રવણ (સાંભળે) છે-તે.
ઘણા કાનથી ભક્તિ (કથા શ્રવણ) કરે છે,પણ આંખથી ભક્તિ કરતા નથી,
ઘણા આંખથી ભક્તિ કરે પણ મનથી ભક્તિ કરતા નથી.

એક એક ઇન્દ્રિયને ભક્તિરસ માં તળબોળ કરવાથી જ હૃદય ગોકુલ બને છે,અને પરમાનંદ પ્રગટ થાય છે.
પ્રત્યેક ઇન્દ્રિયથી શ્રીકૃષ્ણરસ નું પાન કરે છે-તે ગોપી.(અહીં ગો=ઇન્દ્રિયો અને પી=પાન)
પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ થાય તો જ હૃદય પીગળે અને બાલકૃષ્ણલાલ પ્રગટ થાય.
કદાચ ભગવાન પ્રત્યક્ષ ન દેખાય –તો પણ આનંદ જરૂર આવશે. એ આનંદ પરમાત્માનું સ્વ-રૂપ છે.

જ્ઞાની ઇન્દ્રિયોને રોકી,પ્રાણ ને બ્રહ્મરંઘ્ર માં સ્થિર કરે છે,અને લલાટમાં બ્રહ્મ-જ્યોતિ નાં દર્શન કરે છે.
જયારે વૈષ્ણવો (ભક્તો) હૃદય સિંહાસન પર બાલકૃષ્ણને પધરાવે છે.અને પરમાત્માના દિવ્ય પ્રકાશને હૃદયમાં નિહાળે છે (દર્શન કરે છે) શ્રીકૃષ્ણના સ્મરણમાં દેહનું કે સંસારનું ભાન ના રહે –તો જ-નંદ મહોત્સવ સફળ છે.
નંદ-મહોત્સવમાં વ્રજવાસીઓ અતિ આનંદમાં ઘેલા થયા છે.દેહનું ભાન રહ્યું નથી.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE