May 20, 2020

ભાગવત રહસ્ય -૨૮૦

આ કૃષ્ણ કથામાં હાસ્યરસ છે,વીરરસ છે,શૃંગારરસ છે,કરુણ રસ છે, અને ભયાનકરસ પણ છે.તમામ જાતના રસો આમાં ભર્યા છે.કારણ શ્રીકૃષ્ણ પોતે જ રસ-રૂપ છે.(રસો વૈ સ:) મહાપુરુષો હસતા પણ નથી અને રડતા પણ નથી,તેઓ તો શાંતરસમાં-પોતાના સ્વ-રૂપમાં સ્થિર રહે છે.પણ શ્રીકૃષ્ણની બાળલીલાઓ એવી છે-કે-શુકદેવજીને પણ હસાવે છે.બાળલીલા માં હાસ્યરસ છે,રાસલીલામાં કરુણરસ છે –તેમજ શૃંગારરસ પણ છે.ચાણુર,મુષ્ટિક.કંસ વગેરેને મારે છે-ત્યારે વીરરસ ઝળકે છે.

કોઈ પણ રસમાં રુચિ હોય પણ આ કથા સર્વને ગમે છે.સાહિત્યશાસ્ત્રમાં નવ રસ બતાવ્યા છે.
હાસ્ય,વીર,કરુણ,બીભત્સ,અદભૂત,રૌદ્ર,ભયાનક,શૃંગારઅને શાંત.
પણ અહીં ભાગવતમાં એક દશમો રસ બતાવ્યો છે-તે છે-“પ્રેમરસ”
આ સહુથી શ્રેષ્ઠ પ્રેમરસ –કૃષ્ણ કથામાં છલોછલ ભર્યો છે.કૃષ્ણલીલા એ પ્રેમરસલીલા છે.
આ પ્રેમરસનો સ્વાદ જેને એક વખત ચાખ્યો તેને જગતના બીજા સ્વાદ ફિક્કા- કડવા લાગે છે.

મીરાંબાઈ કહે છે-કે-
સાકર-શેરડીનો સ્વાદ ત્યજીને,કડવો તે લીંબડો ઘોળ મા રે, રાધા-કૃષ્ણ વિના બીજું બોલ મા રે.
પરંતુ એ રસનો સ્વાદ જાણવો અને માણવો એટલો સહેલો પણ નથી-
એટલે નરસિંહ મહેતાજી ગાય છે-કે-
એ રસનો સ્વાદ શંકર જાણે-કે-જાણે-શુક જોગી રે,
કંઈ એક જાણે વ્રજની ગોપી,ભણે નરસૈયો ભોગી રે.

જગતના બધા –રસ-કડવાશથી ભરેલા છે, જગતના શૃંગાર રસમાં પણ કડવાશ છે.
આરંભમાં પતિ પત્ની ને લાગે છે –કે “અમે સ્વર્ગ નું સુખ ભોગવીએ છીએ.” પણ વૃદ્ધાવસ્થામાં
શરીર દુર્બળ થાય છે-ત્યારે સમજાય છે કે-“એ સાચું સુખ નહોતું. સ્વર્ગનું નહિ પણ ચામડાનું સુખ હતું”
એક પ્રેમ (ભક્તિ) રસ જ એવો છે કે જેમાં પૂર્ણ મીઠાશ છે.પ્રેમ વિના પ્રભુનો સાક્ષાત્કાર થતો નથી.

શ્રીકૃષ્ણ પરમ પ્રેમ સ્વરૂપ છે. સર્વ સાથે પ્રેમ કરે તેને પરમ પ્રેમ કહેવાય.
શ્રીકૃષ્ણ માત્ર મિત્રો કે ભક્તો સાથે પ્રેમ કરે છે તેવું નથી,તે તો ઝેર આપનાર (પૂતના) અને લાત મરનાર 
(ભૃગુ-ઋષિ) જોડે પણ પ્રેમ કરે છે.શ્રીકૃષ્ણ અલૌકિક પ્રેમરસનું દાન કરે છે.
પ્રેમરસમાં વાસના નહિ,વિષમતા નહિ,સ્વાર્થ નહિ,હું ને તુ નહિ.

શ્રીકૃષ્ણના પ્રેમમાં પાગલ થતાં તન્મય થતાં,શ્રીકૃષ્ણ પાસે હું-પણું રહેતું નથી.
અને જીવ પોતે જ કૃષ્ણ થઇ જાય છે.
“લાલી મેરે લાલકી સબ જગ રહી સમાય,લાલી દેખન મૈ ગઈ મૈ ભી હો ગઈ લાલ.”

ગોપીઓની જેમ માનવજીવનની એ જ વિશેષતા હોવી જોઈએ કે –કૃષ્ણ પ્રેમમાં પાગલ બનવું.
રોજ લાલાજીને પ્રાર્થના કરવાની કે-“આપ મારા મન ને તમારી પાસે ખેંચી લેજો, મારામાં એવી શક્તિ નથી કે-હું મારા મનથી તમને ખેંચી શકું.” ભગવાન જેના મનને ખેંચી લે છે તેનું મન સંસારમાં જતું નથી.
હૃદય કૃષ્ણમાં તળબોળ બને,આંખો આંસુથી ભીંજાયેલી હોય, એવી દશા થાય ત્યારે બ્રહ્મ-સંબંધ થાય.
અને પછી આ બ્રહ્મસંબંધને ટકાવી રાખવાનો છે.સાવધાન રહેવું કે ફરીથી માયા સાથે સંબંધ ના થાય.
બ્રહ્મચિંતન કરતાં મૃત્યુ પામે તેને સાત દિવસમાં મુક્તિ મળે.
સાત દિવસ સતત બ્રહ્મચિંતન રહે ,તે લક્ષ્યમાં રાખી આ કથા કહી છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE