May 27, 2020

ભાગવત રહસ્ય -૨૮૭

દાઉજી (બળદેવજી)નું પ્રાગટ્ય થયું છે-પણ દાઉજી આંખ ઉઘાડતા નથી. મનમાં વિચારે છે-કે-“જ્યાં સુધી મારા કૃષ્ણ ના આવે ત્યાં સુધી મારે આંખ ઉઘાડવી નથી શ્રીકૃષ્ણનું સ્વરૂપ હું હૃદયમાં ઉતારીશ પછી જ મારે જગત જોવું છે.મારે મારી આંખ બીજા કોઈને આપવી નથી ”યશોદાજીએ શાંડિલ્યઋષિનાં ધર્મપત્ની પૂર્ણમાસીને બોલાવ્યાં અને બલદેવની નજર ઉતારવાનું કહ્યું.

પૂર્ણમાસી કહે છે-કે-આંખ બંધ રાખી આ તો કોઈનું ધ્યાન કરે છે,આ બાળકનાં પગલાંથી તારે ત્યાં બાળકૃષ્ણ પધારશે.યશોદાજી કહે છે-હવે પંચાવનની ઉંમર થઇ,હવે આશા નથી,ગામના બધા છોકરાઓને મેં મારા દીકરાઓ માન્યા છે.યશોદા સર્વને રાજી કરતા હતા. 

સર્વને યશ આપીએ અને અપયશ આપણા માથા પર રાખીએ તો ઈશ્વર પ્રસન્ન થાય છે,
પણ જીવ એવો દુષ્ટ છે કે-યશ પોતે લે છે અને અપયશ બીજાને માથે નાખે છે.
કોઈ આપણું કોઈ બગાડે તો પણ તેને અપયશ આપવો નહિ,પણ “મારા પાપે મારું બગાડ્યું છે”-એમ માનવું .
યશોદા=યશો દદાતિ ઇતિ યશોદા. જે બીજા ને યશ આપે છે-તે યશોદા.પોતે યશ લે નહિ તે યશોદા.
નંદ=જે સર્વ ને આનંદ આપે છે-તે નંદ.
વાણી,વિચાર અને વર્તનથી જે સર્વ ને આનંદ આપે છે-તેમને ત્યાં ભગવાન આવે છે.
નંદ બાબા સર્વને આનંદ આપતા હતા,તો બધા નંદબાબાના ભલા વિષે વિચારતા હતા.

બધા ગોવાળો શાંડિલ્યઋષિ પાસે ગયા,અને તેમને કહે છે-કે-
મહારાજ તમે એવું કોઈ અનુષ્ઠાન કરો કે જેથી નંદબાબાને ઘેર પુત્ર આવે.
શાંડિલ્ય ઋષિ કહે છે-કે-બાર વર્ષથી હું ગોપાલજીનો જપ કરું છે,તેનું પુણ્ય હું નંદબાબાને આપીશ.
નંદજીના ભાગ્ય માં પુત્ર યોગ છે,પણ મંગળ થોડો નડે છે,તેથી પુત્ર થતો નથી.
ગોવાળો કહે છે-કે-મહારાજ અમે શું પુણ્ય કર્મ કરીએ ?
શાંડિલ્ય કહે છે-કે- તમે બધા એકાદશીનું વ્રત કરી તેનું પુણ્ય નંદબાબાને અર્પણ કરો.તો તેમને ત્યાંપુત્ર થશે. ઋષિના કહેવાથી બધા એકાદશીનું વ્રત કરે છે.એકાદશી એ મહાન વ્રત છે.

જેનું જીવન સાદું છે,જેના ઘેર ગાયોની સેવા થાય છે,જેના ઘરમાં એકાદશી થાય છે,જેના ઘરમાં ગરીબોનું સન્માન થાય છે,ત્યાં પરમાત્મા પધારે છે. વ્રજવાસીઓ ભોળા છે,પૈસા માટે તેઓ કપટ કરતા નથી.
જીવન બહુ સાદું છે,તેથી લાલાને ગોકુલ ગમ્યું છે.એટલે પ્રભુ વ્રજમાં આવ્યા છે.
નંદજી પણ બહુ ભોળા છે,વ્રજવાસીઓ અભણ છે,તેમ છતાં ખરો આનંદ ભગવાને વ્રજવાસીઓને આપ્યો છે.
બહુ ભણેલાને ત્યાં જતાં ભગવાન ને ડર લાગે છે,વિચારે છે-કે-”બહુ ચતુર છે,મને છેતરશે તો ?”

બાળકો પણ વ્રત કરે છે.બાળકો કહે છે-કે-અમે એકાદશી કરી એટલે લાલો આવ્યો.
ગોપીઓ માને છે-કે અમે અનેક બાધાઓ રાખી તેથી લાલો આવ્યો.
બ્રાહ્મણો માને છે-કે-અમે જપ કર્યા એટલે લાલાજી પધાર્યા છે. કન્હૈયો બધાનો છે.
પ્રત્યેક ને એમ લાગે છે-કે- કન્હૈયો મારો છે. એટલે લાલા માટે-આખું ગામ વ્રત,તપ કરે છે,બાધાઓ રાખે છે.
તેથી નંદ મહોત્સવમાં આખું ગામ નાચે છે. નહિતર કોઈ ને ત્યાં દીકરો થાય તો આખું ગામ શા માટે નાચે ?
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE