May 19, 2020

ભાગવત રહસ્ય -૨૭૯

કૃષ્ણ કથા એવી છે-કે-તે જગતને ભુલાવે છે.અનાયાસે જગતની વિસ્મૃતિ થાય છે,
અને પ્રભુ સાથે પ્રેમ થાય છે.આનંદ જગતમાં નથી પણ જગતને ભુલવામાં છે.
જગતમાં રહેવાનું અને જગતને ભૂલવાનું છે.સંસાર છોડીને ક્યાં જશું ?
જ્યાં જઈશું ત્યાં મન સાથે આવશે-પાંચ મહાભૂતવાળું (શરીર) સાથે આવશે.
સંસારને છોડવાનો નથી પણ મનમાંથી સંસારને કાઢીને સંસાર માં રહેવાનું છે.
મન પરમાત્મા સ્મરણમાં તન્મય થાય તો-મનમાંથી સંસાર નીકળી જાય છે.

આ કથા માં ભૂખ તરસ ભુલાય છે.દશમ સ્કંધની શરૂઆતમાં શુકદેવજીએ,રાજાની પરીક્ષા કરી અને કહ્યું કે-
રાજા આજે પાંચ દિવસથી તુ એક આસને બેઠો છે,તારે જળપાન કે ખાવું હોય તો ખાઈ લે,પછી આગળની કથા તને કહું છું.ત્યારે પરીક્ષિત રાજાએ સુંદર જવાબ આપ્યો છે.
“મહારાજ,થોડા દિવસ પહેલાં મારાથી ભૂખ તરસ સહન થતાં ન હતાં,તરસના કારણે મુનિના ગળામાં સર્પનો હાર પહેરાવી તેમનું અપમાન કરેલું,અને તેની શિક્ષા આ થઇ છે. હવે તો ભૂખ નથી અને તરસ પણ નથી. 
જળનો પણ ત્યાગ કરી દીધો છે. ભૂખ તરસ મને ત્રાસ આપતાં નથી.કારણકે –
તમારાં મુખકમળમાંથી નીકળતા શ્રીહરિકથા રૂપી અમૃતનું હું પાન કરી રહ્યો છું.”

ભાગવતમાં એમ લખ્યું છે-કે-જેને ભક્તિમાં આનંદ મળે છે.અને જે ભક્તિરસમાં તરબોળ બને છે,તેનાં ભૂખ તરસ ઓછાં થાય છે.શુકદેવજીને રાજાના આવા જવાબથી આનંદ થયો છે, વિચારે છે-કે-રાજા છે તો જિજ્ઞાસુ અને લાયક.કૃષ્ણ કથામાં રાજાની તન્મયતા થયેલી છે.
કથામાં આવી તન્મયતા થવી જોઈએ.તો - કૃષ્ણ કથામાં જગત ભુલાય છે.

જગતને ભૂલવા યોગીઓ પ્રાણાયામ-પ્રત્યાહાર કરે છે,પણ જગત ભુલાતું નથી.પણ જયારે કૃષ્ણકથામાં ભગવત-સ્મરણ કરતાં જગતની વિસ્મૃતિ થાય અને દેશ,કાળ અને દેહનું ભાન ના રહે-
ત્યારે પ્રત્યક્ષ પરમાત્મા ના મળ્યા હોય તો પણ –તે પરમાત્માના પ્રત્યક્ષ મળ્યા બરાબર જ છે.
શુકદેવજીને સમાધિમાં જે આનંદ મળતો હતો તે આનંદ કૃષ્ણ કથામાં મળે છે 
તેથી તો-શુકદેવજીએ સમાધિ છોડી દીધી છે.

આ કૃષ્ણ કથામાં સર્વને આનંદ મળે છે,કારણકે તેમાં સર્વ “રસો” નો સમન્વય થયેલો છે.
કૃષ્ણ કથા-બાળકને પણ આનંદ આપે અને સન્યાસીને પણ આનંદ આપે.
શ્રીકૃષ્ણ બાળક સાથે બાળક,યુવાન સાથે યુવાન,જ્ઞાની સાથે જ્ઞાની અને યોગી જોડે યોગી છે.
શ્રીકૃષ્ણ ભોગી છે-પણ રોગી નથી.ભોગી હોવા છતાં પણ તે યોગી છે.
સાધારણ નિયમ એવો છે –કે જે ભોગી છે તે રોગી થવાનો જ.એકાદશ સ્કંધમાં વર્ણન આવે છે-કે-શ્રીકૃષ્ણ ૧૨૫ વર્ષે સ્વ-ધામ પધાર્યા ત્યારે તેમનો એક વાળ પણ ધોળો થયો નહોતો.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE