આ બતાવે છે-કે-પ્રત્યક્ષ પ્રભુનાં દર્શન થાય પછી પણ ધ્યાન કરવાની ખાસ જરૂર છે.
જ્ઞાનનો દીવો પ્રગટ થયા પછી પણ જો ઇન્દ્રિય-રૂપી –એકાદ દરવાજો ઉઘાડો રહી જાય તો-
તેમાંથી વિષય-રૂપી પવન દાખલ થાય છે,અને જ્ઞાનદીપ બુઝાય છે.
જ્ઞાનમાર્ગમાં ઘણાં વિઘ્નો આવે છે,જયારે ભક્તિમાર્ગ પ્રમાણમાં સહેલો છે.
દરેક ઇન્દ્રિયોને ભક્તિ-રસમાં તળબોળ કરી દો પછી વિષય-રૂપી પવન તેને અસર કરી શકશે નહિ.
અગિયાર ઇન્દ્રિયો જયારે ધ્યાનમાં એકાગ્ર થાય છે,ત્યારે સાક્ષાત્કાર થાય છે.
તેથી ગીતાજીમાં પણ અગિયારમા અધ્યાયમાં અર્જુન ને વિશ્વ-રૂપનાં દર્શન થયાં છે.
ભગવાને એટલે જ દેવકી-વસુદેવ ને અગિયાર વર્ષ ધ્યાન કરવાનું કહ્યું છે.
ચતુર્ભુજ સ્વ-રૂપના દર્શન આપ્યા પછી તે સ્વરૂપ અદશ્ય થયું અને ........
બે હાથ વાળા બાળ-કનૈયા લાલાજી પ્રગટ થયા........બાળ કનૈયાલાલકી જય.........
પ્રભુએ કહ્યું “મને જલ્દી ગોકુલમાં લઇ જાઓ”વસુદેવે ટોપલીમાં લાલાજીને પધરાવ્યાં છે,
પણ હવે બહાર જવું કેમ ? કારાગૃહના દરવાજા બંધ છે,બંધન તૂટતાં નથી.
ત્યારે દેવકી કહે છે-લાલાજીને માથે પધરાવો,એટલે બધા બંધન છૂટી જશે.
વસુદેવે જ્યાં ટોપલી માં સુવાડેલા લાલાજી ને માથે પધરાવ્યા એટલે સર્વ બંધન તૂટી ગયા છે,
હાથપગની બેડીઓ તૂટી ગઈ અને કારાગૃહના દરવાજા ખુલ્લા થઇ ગયા છે.
માથામાં (મસ્તકમાં) બુદ્ધિ છે. અને તે બુદ્ધિમાં પરમાત્માનો અનુભવ કરવાનો છે.
બુદ્ધિમાં ઈશ્વરનો અનુભવ થાય તો સંસારનું બંધન છૂટે છે,મોક્ષના દરવાજા ખુલી જાય છે.
લાલાજીને ઘરમાં પધરાવો-તો પણ હાથ-પગની બેડીઓ તો રહી જાય છે,
કેવળ ઘરમાં લાલાજીને પધરાવો તો –તે બેડીઓ તૂટતી નથી.
પ્રભુને મસ્તક ઉપર –બુદ્ધિમાં પધરાવવામાં આવે તો જ હાથ-પગની બેડીઓ તૂટે છે,
ભગવાનને ઘરમાં પધરાવવું તે સારું છે-પણ તેમને આંખમાં,બુદ્ધિમાં પધરાવવા અતિ ઉત્તમ છે.
બાકી તો આખો સંસાર મોહ-રૂપી દરવાજા થી બંધ-કારાગૃહ માં સૂતેલો છે.
વસુદેવજી કારાગૃહમાંથી બહાર આવ્યા,
ત્યાં દાઉજી (શેષનાગ) દોડતા આવ્યા અને લાલાજી પર છત્ર ધર્યું છે.!!!!!!!
યમુનાજીનો આનંદ સમાતો નથી,પ્રભુને મળવું છે,યમુનાજીના જળ વધવા લાગ્યા છે,
પ્રભુજીએ લીલા કરી,ટોપલીમાંથી બે પગ બહાર કાઢ્યા છે.
યમુનાજીએ ચરણ સ્પર્શ કરી કમળ નું ફૂલ અર્પણ કર્યું છે. ધીરે ધીરે જળ ઓછાં થયાં અને જમુનાજીએ માર્ગ કરી આપ્યો છે. પ્રભુએ પ્રથમ મિલનનો આનંદ યમુનાજી ને આપ્યો છે.!!!!!!!!
(આ દૃશ્યની આંખ સમક્ષ કલ્પના કરવા જેવી છે)