May 3, 2021

ગીતા રહસ્ય-૧૦૫-જ્ઞાનેશ્વરી-અધ્યાય-૧૮

અધ્યાય-૧૮-મોક્ષસંન્યાસયોગ-૧
આ અધ્યાયના શરૂઆતમાં અર્જુન –શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછે છે-કે-
“ત્યાગ” અને “સંન્યાસ” એ બંને શબ્દો જુદા જુદા છે,પણ એ બંનેનો અર્થ તો 
“ત્યાગ” હોય એવું જ સમજાય છે. જો આ બંને શબ્દો માં ફરક હોય તો –
“ત્યાગ” અને “સંન્યાસ” એ બંને શબ્દોનો સાચો અર્થ મને સમજાવો.(૧)

“કામ્ય કર્મો” (કામના ના બળથી ઉત્પન થતાં કર્મો) ના ત્યાગને “સંન્યાસ” કહે છે-અને-
કર્મોના ફળનો ત્યાગ અને કર્તૃત્વ (હું કર્મો કરું છું) ના અભિમાનના ત્યાગ ને ‘ત્યાગ’ કહે છે..(૨)

કામના ના બળથી ઉત્પન્ન થનારાં કર્મો-જેવા કે-વાવ-કુવા તળાવ-નિશાળ બંધાવવા,જમીનનું દાન કરવું 
વગેરેને “કામ્ય કર્મો” કહે છે. એટલે કે જે કર્મોનું મૂળ કારણ કામના છે-તેનું આચરણ કરવાથી,
તે કામ્ય-કર્મો, આચરણ કરનારને બદ્ધ (બંધનમાં) કરી તેની પાસે ફળ ભોગવાવે છે.

જેમ વિના સમજ્યે,ભૂલથી પણ મોઢામાં ગોળનો કાંકરો મુકવામાં આવે છે,તો તે ગળ્યો લાગે જ છે,
અથવા અગ્નિને ભસ્મ સમજી તેના પર પગ મુકવામાં આવે તો તે દઝાડે જ છે-તેવી રીતે-
“કામ્ય-કર્મ” માં પરાણે ફળનો ભોગ કરાવવાનું સ્વાભાવિક સામર્થ્ય રહેલું જ છે.
આવા કામ્ય કર્મોનો જ ત્યાગસંન્યાસ છે.

જયારે નિત્ય કર્મો (નૈમિતિક કર્મો) છે તે તો રોજ કરવાં જ પડે છે,અને આ નિત્ય કર્મોથી મળતાં
ફળોનો ત્યાગ અને તે કર્મો ના કર્તાપણાના અભિમાનનો ત્યાગ –તેને ત્યાગ કહે છે.

આમ –જેમ ખેતરમાં ધાન્ય (અનાજ) પાકી ગયા પછી તેની વધારે વૃદ્ધિ થતી અટકી જાય છે-તેમ-
સર્વ કર્મોનો ક્ષય (નાશ) થવાથી,-આત્મ જ્ઞાન –પોતે જ આપણને શોધતું આવે છે.

કેટલાક પંડિતો એમ કહે છે-કે કર્મ માત્ર દોષયુક્ત હોવાથી,તેનો ત્યાગ કરવો જોઈએ,
જયારે કેટલાક પંડિતો એમ કહે છે-કે-યજ્ઞ,દાન અને તપ –એ કર્મોનો ત્યાગ કરવો નહિ.
કર્મોના ત્યાગ વિષે આવા વાદ-વિવાદ ચાલે છે.
તે વખતે શ્રીકૃષ્ણ તેમનો પોતાનો નિશ્ચિત મત શો છે તે કહે છે.
અને ત્રણ પ્રકારના (સાત્વિક,રાજસિક,તામસિક) ત્યાગનું વર્ણન કરતાં કહે છે-કે-(૩-૪)

યજ્ઞ,દાન અને તપ-આ કર્મોનો ત્યાગ કરવો જોઈએ નહિ. એ કર્મો તો કરવાં જ જોઈએ. 
કારણ કે એ “નિષ્કામ કર્મ કરનારા –ચિત્ત”-ને શુદ્ધ કરનારા છે.

જેમ ખોવાઈ ગયેલી વસ્તુ જ્યાં સુધી જડે નહિ ત્યાં સુધી,તેની શોધ કરવાનું છોડી દેવાતું નથી,
તેમ-આત્મજ્ઞાન વિષે દૃઢ નિર્ણય ના થાય ત્યાં સુધી, 
યજ્ઞ,દાન,તપ-ના કર્મ નું વારંવાર આચરણ કરવું જોઈએ.

પરંતુ,આ કર્મો (યજ્ઞ,તપ,દાન) –કર્તૃત્વાભિમાન (હું કરું છું તેવા અભિમાન) વગર અને
ફળની આકાંક્ષા (ઈચ્છા)નો ત્યાગ કરી ને કરવાં જોઈએ.(૫-૬)

જેમ બીજાના આધારથી (બીજા કોઈ તરનારના આધારથી) નદીના બીજે કાંઠે જનારને-
“હું તરનાર છું,કે હું તરી ને આવ્યો” એવું અભિમાન થતું નથી,
એમ  “હું કર્મનો કર્તા છું” એવા “અભિમાન” નો ત્યાગ કરવો જોઈએ

જેમ પીપળાના વૃક્ષ ને કોઈ ફળની આશાથી પાણી સિંચતું નથી, 
તે પ્રમાણે ફળની આકાંક્ષા (આશા) ને ત્યાગીને કર્મો (યજ્ઞ,તપ,દાન) કરવાં જોઈએ.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  
            PREVIOUS PAGE
         NEXT PAGE 
          INDEX PAGE