Apr 25, 2020

ભાગવત રહસ્ય -૨૫૬

શબરીને આશા હતી કે –એક દિવસ મારા માલિક - મારા ઘેર આવશે.તેથી રોજ તે વનમાંથી સારાં સારાં બોર લઇ આવે.આખો દિવસ પ્રતીક્ષા કરે અને સંધ્યા કાળે રામજી--ના આવે એટલે તે બોર બાળકોને વહેચી દે.મનથી વિચારે છે-કે હું પાપી છું,
હું લાયક નથી એટલે પરમાત્મા મને પ્રત્યક્ષ દર્શન આપતા નથી,મારાં બોર તે આરોગતા નથી.પ્રભુની પ્રતીક્ષા કરતાં કરતાં-શબરી હવે વૃદ્ધ થઇ છે-પણ હજુ એ તે- તે જ ઉત્સાહથી પ્રતીક્ષા કરે છે.મારા ગુરુજીએ કહ્યું છે-એટેલે રામજી જરૂર આવશે.

રામજી માટે લાવેલાં બોર –“ઘટ ઘટમાં રામજી રહે છે” --એમ સમજી- ઋષિકુમારોને આપી દે.
બાર વર્ષ ખૂબ તપશ્ચર્યા કરી છે.કહેવાય છે-કે –બાર વર્ષ ખૂબ તપશ્ચર્યા થાય તો સિદ્ધિ જરૂર મળે છે.
આખો દિવસ શબરી રામ-મંત્રનો જપ કરે છે,સંયમ હતો,જીવન સેવામય હતું.દિવ્ય નિષ્ઠા હતી.
આવાના ઘેર રામજી ના પધારે તો કોના ઘેર પધારે ?

રામ-લક્ષ્મણ પંપા સરોવર પાસે આવે છે.ઋષિ-મુનિઓ સ્વાગત કરે છે,મોટા મોટા ઋષિઓ કહે છે-કે-
અમારા આશ્રમમાં પધારો. પણ રામજી કહે છે-કે-મારે તો શબરીના ઘેર જવું છે.
આ ઋષિઓએ શબરીનું (ભક્તનું) અપમાન કર્યું છે-એટલે પરમાત્મા તેમને ત્યાં જતા નથી.
પ્રભુ કહે છે-“આખું જીવન જે મને શોધે છે-તેને એક દિવસ હું શોધવા નીકળું છું,તેને હું મળું છું”
જે જીવ પરમાત્માને શોધે છે-તો-પરમાત્મા કોઈ દિવસ તેને શોધતા શોધતા તેને ઘેર આવે છે.

દૂરથી માલિકને જોતાં શબરી હરખાઈ ઉઠી છે,દોડીને પ્રણામ કર્યા છે,અને પોતાની ઝુંપડીમાં રામજીને બેસવા સુંદર આસન આપ્યું છે. રામજીને કહે છે-કે-“હું જાતિહીન છું પણ આપને શરણે આવી છું”
રામજી કહે છે-કે-હું બીજા કોઈ સંબંધ માં માનતો નથી,મારે તો સબસે ઉંચી પ્રેમ સગાઇ.
મા,મને ખૂબ ભૂખ લાગી છે,હું ભૂખ્યો છું,મને કંઈ ખાવાનું આપ.

શબરીએ માલિક માટે બોર રાખ્યા છે,બે પડિયામાં શબરી બોર લાવ્યા છે.
“રખે ને માલિક ને ખાટું બોર આવી જાય તો ?” એમ વિચારી ને શબરી માલિકને દરેક બોર ચાખી ચાખીને આપે છે.અતિ પ્રેમમાં શબરી ને એ ભાન પણ નથી રહ્યું કે તે –પોતાનાં એંઠાં બોર રામજીને ખવડાવી રહી છે. રામજી બોર ના વખાણ કરતા જાય છે,અને ખાતા જાય છે.

સાધારણ ભક્તિ –સાધારણ પ્રેમ હોય ત્યાં પરમાત્મા રસરૂપે આરોગે છે-પણ જો વિશિષ્ઠ ભક્તિ –
તીવ્ર ભક્તિ થાય તો પરમાત્મા પ્રત્યક્ષ આરોગે છે.શબરી અને નામદેવની વિશિષ્ઠ ભક્તિ હતી.વિશિષ્ઠ પ્રેમ હતો.એટલે એમની સેવાનો પ્રભુ એ પ્રત્યક્ષ સ્વીકાર કર્યો હતો.
પરમાત્મા મંત્રને નહિ,પણ મન ને પારખે છે. વસ્તુમાં મીઠાશ નથી,પ્રેમમાં મીઠાશ છે.

લોકોએ આજકાલ “પ્રેમ” શબ્દને કલંકિત કર્યો છે.
ઈશ્વર સાથે પ્રેમ કરવાનો તો માત્ર ઈશ્વર સાથે જ નિષ્કામ પ્રેમ કરવાનો.
શબરીની ભક્તિ નિષ્કામ હતી,તેથી પ્રભુ તેના પર પ્રસન્ન થયા છે.અને શબરીના એંઠાં બોર ખાધા છે.
(આ પ્રસંગ બતાવે છે-કે-નાત-જાત રામજી પાસે નહોતી,કે પછી તેમણે-ઊંચ-નીચ - નાત-જાત જોઈ નથી- તેમ છતાં આજકાલ લોકો કહે છે-કે પ્રભુ એ નાત જાત –ઊંચ-નીચ બનાવ્યા છે!!!)
મહાપુરુષોએ વર્ણન કર્યું છે-કે-તે બોરના ઠળિયાની –દ્રોણાચલ પર્વત પર સંજીવની વનસ્પતિ થઇ છે-
કે જેણે લક્ષ્મણજી ને જીવતદાન આપ્યું હતું.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE