Apr 11, 2020

ભાગવત રહસ્ય -૨૪૨

રઘુનાથજી મંદાકિનીના કિનારે પધાર્યા છે.અત્રિ ઋષિનો ત્યાં આશ્રમ છે.
મંદાકિનીના કિનારે પર્ણકુટીમાં સીતારામજી વિરાજે છે, ગુહક સાથે છે,તે બધી સેવા કરે છે.રઘુનાથજી ચિત્રકૂટ આવ્યા છે તે વાતની ભીલ,કિરાત વગેરે લોકોને ખબર પડી છે. લોકો દોડતા રામ- સીતાના દર્શન કરવા આવ્યા છે.રામજીના દર્શનથી તેઓનું પાપ છૂટી ગયું,સ્વભાવ બદલાયો,જીવન સુધરી ગયું. રામજીની નજરમાં એવો જાદુ છે-કે-ભીલ લોકોનું મદિરાપાન અને માંસાહાર છૂટી ગયા છે.ચોરી કરવાનું ભૂલી ગયા છે.

રામજી ચિત્રકૂટમાં વિરાજ્યા છે ત્યારથી,ચિત્રકૂટના ઝાડો ફળફૂલથી નમી ગયાં છે.ઋષિ-મુનિઓ ભગવાનના દર્શન કરવા આવે છે.રામજીનો નિયમ છે કે તે મંદાકિનીમાં સ્નાન કરે છે,સૂર્યને અર્ધ્યદાન આપે છે.ભગવાન શંકરની નિયમથી પૂજા કરે છે.લક્ષ્મણ કંદમૂળ લઇ આવે તે ખાય છે.ગુહકને વિદાય આપી છે.

આ તરફ રામજીએ મંત્રી સુમંતને અયોધ્યા જવા આજ્ઞા આપેલી પણ ગુહક ચિત્રકૂટથી પાછો આવ્યો –
ત્યાં સુધી તે ગંગાકિનારે જ હતા. રામજી જે દિશામાં ગયેલા તે દિશામાં રથના ઘોડાઓ જોયા કરે છે,
ઘોડાઓ ખડ(ઘાસ) ખાતા નથી,પાણી પણ છોડ્યું છે, માલિકના વિયોગમાં વ્યાકુળ થયા છે.
મંત્રી સુમંત વિચારે છે-કે-જે રામજીના વિયોગ માં પશુઓને આટલું દુઃખ થાય છે-તો-
રામજીના માત-પિતાની શું હાલત થઇ હશે ? તેમના પ્રાણ હવે ટકશે નહિ.
હવે અયોધ્યા પાછો જાઉં તો અયોધ્યાની પ્રજા અને રાજા મને પૂછશે કે રામ ને ક્યાં છોડી આવ્યા ?
હું શું જવાબ આપીશ ?ધિક્કાર છે- મને કે રામજીને છોડી ને હું જીવતો ઘેર જાઉં છું!!

ગુહકે આવીને મંત્રી સુમંતને કહ્યું કે-તમે તો જ્ઞાની છો,ધીરજ ધારણ કરો.
ગુહકે ચાર ભીલોને આજ્ઞા કરી છે કે મંત્રીને અયોધ્યા પહોંચાડી આવો.
મંત્રીએ અડધી રાત્રે નગરમાં પ્રવેશ કર્યો. વિચારે છે મારે કોઈને મોઢું બતાવવું નથી.
બીજે દિવસે સવારે કૈકેયીના મહેલમાં રાજા દશરથને મળવા ગયા પણ મહારાજ ત્યાં નહોતા.

એવું બનેલું કે-રામજીએ વન પ્રતિ પ્રયાણ કર્યું –તે પછી દશરથ રાજાએ કહ્યું –કે મારે કૈકેયીના મહેલમાં
રહેવું નથી મને કૌશલ્યાના મહેલ માં લઇ જાઓ. –એટલે તે ત્યાં કૈકેયીના મહેલમાં નહોતા.
સુમંતને તે વાતની ખબર નહોતી. ખબર જાણી - સુમંત કૌશલ્યાના મહેલમાં આવ્યા.
મહારાજ દશરથ ધરતી પર પડ્યા છે.રામવિયોગના પાંચ દિવસ પુરા થયા છે,મુખ ઉપર મૃત્યુની છાયા દેખાય છે, મંત્રીએ આવી પ્રણામ કર્યા,દશરથે આંખો ઉઘાડી અને પૂછ્યું કે-મારો રામ ક્યાં છે ?તમે રામજીને ના લાવ્યા?મારો રામ ક્યાં?મારા રામને તમે ક્યાં મૂકી આવ્યા ?કોઈ તો મારા રામને બતાવો ?સીતાજી પાછાં આવ્યાં કે નહિ?મને રામ પાસે લઇ જાવ.

સુમંત ની આંખ માં આંસુ ભરાણાં છે.
સુમંત કહે છે-કે મહારાજ ધીરજ રાખો,આપ તો જ્ઞાની છો, હું રામજીનો સંદેશો લઈને આવ્યો છું.
હું કેવો નિર્દય કે રામજીના વિયોગમાં જીવતો પાછો આવ્યો છું?? મેં રામજીને અયોધ્યા આવવા ઘણો આગ્રહ કર્યો –ત્યારે રામજીએ કહ્યું-કે-પિતાની આજ્ઞાનું પાલન કરવું એ મારો ધર્મ છે.મારા પિતાજીને મારા પ્રણામ કહેજો,પિતાજીને માટે હું જે કરું તે ઓછું છે.તેમના પ્રતાપથી અમે કુશળ છીએ.
સીતાજીએ મને કહેલું કે-મંત્રીજી આપ તો મારા પિતા સમાન છો,હું અયોધ્યા નહિ આવી શકું,મારા પતિ વગર હું જીવીશ નહિ,મારા સસરાજીના ચરણમાં મારા પ્રણામ કહેજો.

દશરથ મહારાજ અતિ વ્યાકુળ થયા છે,કહે છે-કે-મારા પ્રાણ અકળાય છે,મારી છાતીમાં દુખે છે,મને 
શ્રવણનાં આંધળાં માતપિતાએ શાપ આપ્યો છે-કે –મારું પુત્ર-વિયોગમાં મરણ થશે.તે સમય હવે આવ્યો
હોય તેમ લાગે છે, રામના વિયોગમાં હજુ મારા પ્રાણ કેમ જતા નથી ? 
મધ્યરાત્રિના સમયે દશરથ રાજાએ-રામ.રામ.રામ –એમ પાંચ વાર કહી દેહનો ત્યાગ કર્યો.
(પાંચ પ્રાણને સિદ્ધ કરવા પાંચ વાર રામનામ નો ઉચ્ચાર કર્યો છે)
દશરથ રાજાનો રામ-પ્રેમ સાચો,દશરથનો રામ-વિયોગ સાચો--કે રામના વિયોગમાં તે જીવ્યા નથી.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE