Apr 28, 2020

ભાગવત રહસ્ય -૨૫૮

પરમાત્મા જીવ માત્રના સાચા મિત્ર છે. જીવ ઈશ્વર સાથે મૈત્રી કરે તો જીવન સફળ થાય છે.જગતનો મિત્ર આ લોકમાં કદાચ સુખ આપશે,પરંતુ પરલોકમાં કે અંતકાળે સુખ આપી શકશે નહિ.જીવ ઈશ્વર સાથે મૈત્રી કરે તો ઈશ્વર તેને પોતાના જેવો બનાવે છે.પરમાત્મા અતિશય ઉદાર છે,ઈશ્વર જીવને આપે છે-ત્યારે આપવામાં સંકોચ કરતા નથી, જયારે જીવ આપે છે-ત્યારે વિચાર કરીને આપે છે.પોતાના માટે થોડુંક રાખીને બીજાને આપે છે.

મારા માટે કાંઇક રહેવું જોઈએ –એવો વિચાર ઈશ્વર કરતા નથી.
પરમાત્મા જોડે મૈત્રી કરવા જેવી છે.(સખ્ય).પરમાત્મા જોડે મૈત્રી તે જ કરી શકે છે-કે-
જે કામની દોસ્તી છોડશે. કામ અને કૃષ્ણ,રામ અને રાવણ જોડે રહી શકે નહિ.

જયારે સુગ્રીવે કહ્યું કે –એક રાક્ષસ આકાશમાર્ગે એક સ્ત્રીને લઈને જતો હતો,તે સ્ત્રીએ અમને જોઈ ને પોતાનાદાગીના ફેંક્યા છે,આ જુઓ તે દાગીના.સીતાજી ના દાગીના જોઈ રામ ગમગીન થયા છે.
લક્ષ્મણને પૂછે છે-આ હાથના કંકણ તારી ભાભીનાં છે ?આ ચંદ્ર્હાર,આ કર્ણફૂલ તારી ભાભીનાં છે ?
લક્ષ્મણ કહે છે-કે-હું કંઈ જાણતો નથી. ત્યારે રામજી કહે છે-કે-તારી ભાભીના દાગીના તુ ઓળખાતો નથી ?
લક્ષ્મણજી કહે છે-કે-ભાભીના ચરણના વંદન કરવા જતી વખતે મેં માત્ર તેમનાં નુપુર (ઝાંઝર) જ જોયેલા છે.
તે નુપુરને માત્ર હું ઓળખું છું.બીજા કોઈ દાગીના મેં જોયેલા નથી.
લક્ષ્મણજી સંયમનું પ્રતિક છે.સંયમી માણસ કદી નારીના અંગોને નીરખતો નથી.

રામજી એ સુગ્રીવ સાથે મૈત્રી કરી.
હનુમાનજીએ સુગ્રીવને અપનાવેલા છે –તેથી રામજીએ સુગ્રીવને પોતાના મિત્ર બનાવ્યા છે.
હનુમાનજી બ્રહ્મચર્યનું પ્રતિક છે.કહેવાય છે-કે જન્મ થયો ત્યારથી હનુમાનજી લંગોટી પહેરીને આવ્યા છે.

બે જગ્યાએ ઈશ્વરે મોહ રાખ્યો છે-દ્રવ્યસુખમાં અને કામસુખમાં.
આ બે સુખનો જે ત્યાગ કરે તો માનવું કે તે ઈશ્વરનો અંશ છે.દેવો પણ તેને વંદન કરે છે.
બ્રહ્મચર્ય સાથે મૈત્રી થાય,મનુષ્ય જીતેન્દ્રિય અને સંયમી બને તો પરમાત્મા સાથે મૈત્રી થાય છે.
પરમાત્મા સાથે પ્રેમ ન થાય તો જીવન સુંદર થઇ શકે નહિ.

મનુષ્ય પ્રેમ કર્યા વગર રહી શકતો નથી,
કોઈ પૈસામાં,કોઈ સ્ત્રીમાં,કોઈ બાળકોમાં પ્રેમ કરે છે.પણ આ પ્રેમ ટકતો નથી.(બદલાતો રહે છે)
પ્રેમ કરવા લાયક એક માત્ર પરમાત્મા છે.પરમાત્મા વિના બીજા કોઈ સાથે કરેલો પ્રેમ રડાવે છે.

રામજીએ સુગ્રીવને પૂછ્યું કે –તુ કેમ દુઃખી છે ?
સુગ્રીવ કહે છે-કે-મારા ભાઈ વાલીએ મને માર મારી કાઢી મુક્યો છે,વાલીએ મારું સર્વસ્વ લઇ લીધું છે,
મારી પત્નીનું પણ તેણે અપહરણ કર્યું છે.મિત્રના દુઃખે- દુઃખી થાય તે મિત્ર.વાલી-સુગ્રીવનું યુદ્ધ થયું.
રઘુનાથજી એ ઝાડ પાછળથી વાલીને તીર માર્યું છે. વાલી રામજીને કહે છે-કે-
તમે તો ધર્મની રક્ષા કરવા માટે અવતાર ધારણ કર્યો છે,મેં તમારો કોઈ અપરાધ કર્યો નથી.
ક્ષત્રિયો વાનરોને મારતા નથી,પણ તમે તો ઝાડની ઓથે છુપાઈને મને બાણ માર્યું છે.
હે નાથ,મારા કયા દોષથી તમે મને બાણ માર્યું છે? આપે આ અધર્મ કેમ કર્યો ?

તે સમયે રામજી બોલ્યા છે-તુ તારા દોષનો વિચાર કરતો નથી અને મને ઠપકો આપે છે ?
ભાઈની સ્ત્રી,બહેન,પુત્રની સ્ત્રી અને કન્યા ...આ ચારે સમાન છે. ભાઈની સ્ત્રી કન્યારૂપે હોવાં છતાં તેં તેના પ્રત્યે કુભાવ રાખ્યો,તુ મહાપાપી છે,તારા જેવા પાપીનો ઉદ્ધાર કરવા મેં તને માર્યો છે.
સ્વદોષ દર્શન વગર ઈશ્વરદર્શન થતું નથી,પરદોષદર્શન –એ પરમાત્મા ના દર્શન માં વિઘ્ન કરે છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE