Mar 17, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૭

શ્રીકૃષ્ણ કહે છે-કે-દેવો અને મહર્ષિઓને પણ મારી “ઉત્પત્તિ” વિષે જાણ નથી.
સકળ સૃષ્ટિમાં, માત્ર,હું (બ્રહ્મ) જ સર્વ દેવો અને મહર્ષિઓનું આદિ (મૂળ) કારણ છું.(૨)
પરમાત્મા(બ્રહ્મ)નું સ્વરૂપ જાણવામાં વેદોની વાણી પણ કુંઠિત થઇ ગઈ છે.
જે પ્રમાણે,માતાના ઉદરમાં રહેલો ગર્ભ,માતાની ઉંમર જાણવા માટે અસમર્થ છે,તે પ્રમાણે,
પરમાત્મામાંથી જ ઉદભવેલા દેવો-પરમાત્માને જાણવા સમર્થ નથી.

જે પ્રમાણે સમુદ્રના જળચરો (માછલી વગેરે) સમુદ્રનો અંત (સમુદ્ર કેવડો છે તે) જાણી શકતા નથી,
કે મચ્છર પુરા આકાશને ઓળંગી શકતું નથી,તે પ્રમાણે મહર્ષિઓનું જ્ઞાન બ્રહ્મને જાણી શકતું નથી.

પરમાત્મા (બ્રહ્મ) કોણ છે?કેવડા છે? કોના છે? શામાંથી ઉત્પન્ન થયા છે? તેનો નિર્ણય કરતાં-
મહર્ષિઓ-જ્ઞાનીઓને યુગોના યુગો વીતી ગયા છે.-કારણ કે-
આ સર્વ મહર્ષિઓ, સર્વ દેવો અને સર્વ પ્રાણીઓનું મૂળ (આદિ) પરમાત્મા છે.
પરમાણુમાં જો જગત સમાઈ જાય–એવું બનતું જો દેખાય તો જ –જીવ પરમાત્માને જાણી શકે.
પણ આવું બનતું નરી આંખે-જોઈ શકાતું નથી,એથી પરમાત્માને જાણવા કઠિન છે.

તેમ છતાં પણ જો કોઈ વખત સહેજ ભૂલથી પણ –જો કોઈ જીવ –
બાહ્ય પ્રવૃત્તિનો માર્ગ છોડી –ઇન્દ્રિયોને વશ કરે તો –અને દેહ (શરીર)નો દેહભાવ-છોડી,
મનને અંદરની તરફ વાળે-તો-અંદરના નિર્મળ આત્માના પ્રકાશથી જ 
–અવ્યક્ત પરમાત્મા (આત્મા)ને પોતાની આંખ સમક્ષ જોઈ શકે છે.
પરમાત્માના આ અવ્યક્ત,અવિનાશી,અજન્મા,નિરાકાર,અનાદિ –“તત્વ” ને જે જાણી જાય છે
-તે-સર્વ પાપોના બંધનથી મુક્ત થઇ જાય છે.(૩)

જુદી જુદી જાતના નીચે દર્શાવ્યા છે-તે જાતના ભાવ (વિકાર) પણ ઈશ્વર વડે જ ઉત્પન્ન થાય છે.

૨૦-પ્રકારના જુદા જુદા ભાવો કહેવાય છે.
--બુદ્ધિ (નિશ્ચય કરવાની શક્તિ)—તત્વજ્ઞાન (અમર્યાદ જ્ઞાન)—નિર્મોહતા (અમૂઢતા)—સહનશીલતા—
ક્ષમા—સત્ય—મનોનિગ્રહ (શમ) અને ઈન્દ્રિયનિગ્રહ (દમ)—સુખ-દુઃખ—ઉત્પત્તિ-વિનાશ—ભય-અભય—
યશ-અપયશ—અહિંસા—સમતા—સંતોષ—તપ—દાન—

જેમ,જગતના સર્વ જીવો એકબીજાથી જુદા પડે છે,તેમ તેમના વિકારો (ભાવો) પણ જુદાજુદા છે.
આમાંના કેટલાકને પરમાત્માનું જ્ઞાન થાય છે અને કેટલાંકને થતું નથી.
જેમ,પ્રકાશ અને અંધકાર –એક સૂર્યથી જ પેદા થાય છે-તે જ પ્રમાણે-
ઈશ્વરનું જ્ઞાન થવું કે ના થવું તે તેમના કર્મોનું ફળ છે.અને એટલા માટે જ –તેમનામાં –
જુદા જુદા વિકારોના આવિર્ભાવ થાય છે.(૫)

ઉપર દર્શાવ્યા તે ૨૦-જુદી જુદી જાતના વિકારો (ભાવો)થી જગત(સૃષ્ટિ) ભરેલું છે.
હવે જેઓમાંથી જગતની વૃદ્ધિ થઇ છે--જેઓ આ પૃથ્વીના પાલક છે-અને 
–જેમની આજ્ઞા મુજબ જગતના સર્વ લોકો વર્તે છે-તેવી ૧૧-વિભૂતિઓ (૧૧-ભાવો) છે.(૬)

----૪-બ્રહ્માના (માનસ) પુત્રો-મનુઓ-(સ્વાયંભુવ.સ્વરોચિષ,ઉત્તમ અને તામસ)
----૭-મહર્ષિઓ-(ભૃગુ,મરીચિ,પુલસ્ત્ય,પુલહ,ક્રતુ,અત્રિ,વશિષ્ઠ)

સહેલાઈથી સમજવા-ટૂંકમાં જોઈએ તો-
--પરમાત્મામાંથી સહુ પ્રથમ મનની ઉત્પત્તિ થઇ- અને
--મનમાંથી મનુઓ-(ચાર) અને સાત ઋષિઓ ઉત્પન્ન થયા.(અગિયાર ભાવો –વિકારો-વિભૂતિઓ)
--તેમાંથી ઇન્દ્ર વગેરે ૮-લોક્પાલો ઉત્પન્ન થયા-જેમણે અનેક પ્રકારના “લોકો” ઉત્પન્ન કર્યા.
--અને આ લોકોમાંથી સર્વ ૨૦-પ્રકારના જુદાજુદા ભાવો-વિકારોવાળા-જીવોની ઉત્પત્તિ થઇ.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત