Apr 16, 2020

ભાગવત રહસ્ય -૨૪૭

ભરદ્વાજ ઋષિ ભરતને કહે છે-કે-રાક્ષસોનો સંહાર કરવા રામજી આ લીલા કરી રહ્યા છે,માટે શોક ન કરો.તમારું સ્વાગત કરવું એ અમારો ધર્મ છે,આજ ની રાત તમે બધા અહીં રહો.ભરદ્વાજે અણિમાદિક –રિદ્ધિ-સિદ્ધીનું આવાહન કર્યું છે, હજારો સેવકો,હજારો મકાનો ઉભાં થયા છે.ભરદ્વાજે સિદ્ધિનો ઉપયોગ કદી કર્યો ન હતો પણ આજે રામભક્તોનું તેમને સન્માન કરવું હતું.જેને જે ભાવે તે ભોજન આપે છે,બધાનું ભાવથી ભવ્ય સ્વાગત કર્યું છે.

રામજી ના દર્શન કરવા જાય તેનું સરસ સ્વાગત થાય તેમાં શું આશ્ચર્ય ? જે પરમાત્મા માટે ઘરનો 
ત્યાગ કરે છે-તેનું રસ્તામાં અષ્ટસિધ્ધિઓ સેવા કરે છે.
રાતે ભરદ્વાજ ભરતના પ્રેમની પરીક્ષા કરવા નીકળ્યા છે.ભરતનો રામ-પ્રેમ કેવો છે? ભરત શું કરે છે ?
તે જોવા નીકળ્યા છે. આવીને જુએ તો-ભરતજી દર્ભ ના આસન પર,દૃષ્ટિ નાસિકા ઉપર સ્થિર કરી ને-
સીતા-રામના નામનો જાપ કરે છે.

દાસીઓ ભરતજીને મનાવે છે-કે-તમે ભોજન કરો.ત્યારે ભરતજીએ હાથ જોડ્યા છે-કહે છે-કે-
મારા રામ કંદમૂળ ખાય છે-મારે ભોજન કરવું નથી.દાસીઓ કહે છે-હવે તમે થોડો આરામ કરો. 
ભરતજીને રામ-દર્શનની આતુરતા છે,આરામ કરવાની ફુરસદ નથી-કહે છે-કે-
મને મારા રામ મળશે ત્યારે આરામ મળશે.
ભરતજી આખી રાત જાગીને –સતત રામ નામના જાપ કરે છે.
તેમનો રામ-પ્રેમ કોણ વર્ણવી શકે ?તે વાણી અને વર્ણનની પહોંચની બહારની વસ્તુ છે.

પ્રાતઃકાળે ભરદ્વાજ ફરીથી જોવા આવ્યા છે.આખી રાત ભરતજીએ પથારીને સ્પર્શ કર્યો નથી.
રામ-દર્શન માટે ભરતજીના પ્રાણ તલસે છે,નિંદ્રા આવતી નથી.
ભરતની તપશ્ચર્યા જોતાં ભરદ્વાજનું હૃદય ભરાયું છે,અને બોલી ઉઠયા છે –કે-
ભરતજીનો રામ-પ્રેમ સાચો છે,આવા ભરતનાં દર્શન એ જ રામદર્શન નું ફળ છે.

ભરદ્વાજે ઘણી સિદ્ધિઓ બતાવી,ભરતની નજીક અનેક સિદ્ધિઓ આવી પણ તેઓ તેનાથી અલિપ્ત રહ્યા છે.
સિદ્ધિઓમાં તે ફસાતા નથી.કારણ –ભરતને-તો-માત્ર- રામચરણમાં પ્રેમ એ જ સાધન અને એ જ સિદ્ધિ છે.
ઋષિઓ એ માન-પત્ર આપ્યું છે કે-અમે તપસ્વી છીએ પણ તમારા જેવો પ્રભુ-પ્રેમ અમને મળ્યો નથી.


“રામવિલાસ રામ અનુરાગી ,તજત વમન.ઇવ જન બડભાગી”
જેનો રામમાં અનુરાગ થયો છે-તેવા રામ-અનુરાગીને સંસારના ભોગ રોગ જેવા લાગે છે,
વમન (ઉલ્ટી) કરેલા અન્ન ઉપર જેમ કોઈનું મન જતું નથી –
તેમ આવા બડભાગીઓનું મન સંસારસુખ તરફ જતું નથી.

ભોગ અને ભક્તિ એક ઠેકાણે રહી શકે નહિ,સંસારની માયા જ્યાં સુધી લાગેલી છે-ત્યાં સુધી ભક્તિનો રંગ લાગતો નથી. લોકો સમજે છે-કે ભક્તિ કરવી સહેલી છે-પણ સાચે તો ભક્તિ કરવી કઠણ છે.
ભક્તિ એ તો “શિરનું સાટું “ છે. “શિર સાટે નટવર ને વરીએ”
સંસારના કોઈ પણ વિષયસુખમાં મન ફસાયું હોય તેને ભક્તિનો રંગ લાગતો નથી.
સંસારના વિષયસુખનો મનથી જયારે ત્યાગ થાય ત્યારેજ ભક્તિનો સાચો રંગ લાગે છે.

એક શેઠ હતા,તેમનો પુત્ર વેશ્યાના સંગ ફસાયેલો. પિતા કહે કે-કુસંગ છોડી દે તો તારા લગ્ન કોઈ સારી કન્યા સાથે થાય.પુત્ર કહે છે- કે મને પહેલાં કોઈ સારી કન્યા મળે તો હું કુસંગ છોડી દઈશ.
પિતા કહે છે-કે વેશ્યાનો સંગ છોડ્યા વગર ખાનદાન ઘરની કન્યા મળે જ ક્યાંથી ?

આ આપણી જ કથા છે.આપણે વિષય-ભોગ છોડવા નથી અને કહીએ છીએ કે ભક્તિમાં આનંદ મળતો નથી.પણ આનંદ ક્યાંથી મળે ? ભોગ બાધક નથી પણ ભોગની આસક્તિ બાધક છે.
ભોગ-વાસનામાં મન ફસાયું તો તે ઈશ્વરથી દૂર જાય છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE