Mar 16, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૬૬-અધ્યાય-૧૦-વિભૂતિયોગ

અધ્યાય-૧૦-વિભૂતિયોગ
જ્ઞાનેશ્વર અત્યાર સુધીમાં આવી ગયેલા ૧ થી ૮ અધ્યાયને –પૂર્વ ખંડ- કહે છે. 
અને હવે પછી આવનારા ૯ થો ૧૮ અધ્યાયને –ઉત્તરખંડ –કહે છે.
હવે આ પૂર્વખંડમાં આવી ગયેલા ૧ થી ૮ અધ્યાયોનું –થોડું ચિંતન કરીને પછી આગળ વધીશું.


(૧) પહેલા અધ્યાય માં સગાં-સંબંધી,મિત્ર અને ગુરૂજનો સાથે યુદ્ધ કરવું અયોગ્ય છે 
      –એમ લાગવાથી (મોહના લીધે) અર્જુનને શોક (વિષાદ) થયો.
(૨) બીજા અધ્યાયમાં યોગ સ્પષ્ટતાથી કહ્યો છે-પરંતુ તેમાં જ્ઞાનયોગ અને કર્મયોગ એમ બે ભેદ દર્શાવ્યા છે.
(૩) ત્રીજા અધ્યાય માં કેવળ કર્મયોગનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
(૪) ચોથા અધ્યાયમાં કર્મયોગનું જ્ઞાનયોગ સહિત પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
(૫) પાંચમા અધ્યાયમાં યોગ-તત્વનો પ્રારંભ કરેલો છે.
(૬) છઠ્ઠા અધ્યાયમાં યોગ ની આસન વિધિથી લઇ જીવના બ્રહ્મ સાથેના ઐક્ય થવા સુધીની રીત વિષે
     કહેવામાં આવ્યું છે.યોગભ્રષ્ટની ગતિ વિષેનું પણ વર્ણન છે.
(૭) સાતમા અધ્યાયમાં પ્રકૃતિનો ઉપક્રમ અને ઈશ્વરને ભજનારા ચાર જુદા જુદા પ્રકારના ભક્તોનું
      (આર્ત,જિજ્ઞાસુ,અર્થાર્થી અને જ્ઞાની) વર્ણન કરવામાં આવ્યું.
(૮) આઠમા અધ્યાયમાં ૭-પ્રશ્નોનું સ્પષ્ટીકરણ કરી- મરણ સમયે ચિત્તશુદ્ધિ કરવાના નિર્ણય વિષે કહ્યું.
(૯) નવમા અધ્યાયમાં ગીતાનું સર્વ જ્ઞાન-અત્યંત ગૂઢ જ્ઞાન –એટલે કે –પરમાત્માના અવ્યક્ત
     સ્વરૂપના જ્ઞાન વિષે વર્ણન કર્યું છે.

જેવી રીતે,ગોળ અને સાકરના ગાંગડા –એક જ શેરડીના રસમાં થી તૈયાર કરવામાં આવે છે-તેમ છતાં
તે બંને ના સ્વાદમાં (મિષ્ટતામાં) થોડો ફરક લાગે છે.
તેવી રીતે,ગીતા ના સર્વ અધ્યાયો માં “બ્રહ્મ-તત્વ” નું જ નિરૂપણ કરવામાં આવ્યું છે –તો પણ –
--કેટલાક અધ્યાયો –બ્રહ્મને પ્રથમ થી જ ઓળખેલ હોય –તે પ્રમાણે “બ્રહ્મ” નું પ્રતિપાદન કરે છે.
--કેટલાક અધ્યાયો-બ્રહ્મનું સ્થળ દર્શાવે છે. અને-
--કેટલાક અધ્યાયો-બ્રહ્મને જાણવા જતાં-જ્ઞાન અને ગુણો સહિત મનુષ્ય પોતે જ “બ્રહ્મ-રૂપ” થાય છે
  એમ દર્શાવે છે.

હવે ઉત્તરખંડનો પ્રારંભ થાય છે-અને પ્રારંભમાં- ૧૦ મા અધ્યાયમાં –
શ્રીકૃષ્ણ –પોતાની મુખ્ય અને ગૌણ –વિભૂતિઓ વિષે વર્ણન કરે છે.

શ્રીકૃષ્ણ કહે છે-હે અર્જુન,તું ફરીથી મારાં પરમ વચન સાંભળ. તું મારા ભાષણથી સંતુષ્ટ થાય છે,
એટલા માટે –તારું હિત થાય એવી ઇચ્છાથી –આ (જ્ઞાન) હું તને (ફરીથી) કહું છું...(૧)

આગળના નવ અધ્યાયના ભાષણમાં અર્જુન નું ધ્યાન કેવું છે? તે શ્રીકૃષ્ણે જોઈ લીધું.
જેવી રીતે-માટલામાં થોડું પાણી રેડી પ્રથમ ખાતરી કરવામાં આવે છે કે-પાણી ગળે છે કે નહિ-
પછી જ –તે માટલું પાણીથી પૂરું ભરવામાં આવે છે-
તેવી રીતે,શ્રીકૃષ્ણે અર્જુનને થોડું કહી સંભળાવ્યું-અને હવે ખાતરી થતાં –વધુ સંભળાવવા માટે તૈયાર થયા છે. જાણે- એક નાની શી પરીક્ષામાં અર્જુન ઉત્તીર્ણ થયો છે.
અને હવે સહુ પ્રથમ- અગાઉના અધ્યાયમાં કહેલો –પોતાનો અભિપ્રાય –શ્રીકૃષ્ણ ફરીથી અર્જુનને કહે છે.

જેમ દરેક વર્ષે પાક સારો મળે તો-ફરી ફરી અનાજ વાવવાનો કંટાળો આવતો નથી-કે-
જેમ ઉપરાઉપરી તાપ આપવાથી સોનાનો કસ વધે છે-સોનું વધુ શુદ્ધ થાય છે-
તેમ- શ્રીકૃષ્ણના આ ભાષણથી જેમ જેમ અર્જુનનું હિત સધાય–તેમ તેમ –શ્રીકૃષ્ણ અને અર્જુન
(અને આપણું પણ) સુખ અનેક ગણું વૃદ્ધિ પામતું જશે.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત