Mar 3, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૫૫

માયા (પ્રકૃતિ)થી આવૃત્ત થયેલા (ઢંકાયેલા) -પરમાત્મા–માયાના પડદાને લીધે- સર્વને સ્પષ્ટ
દેખાતા નથી.અને મૂઢ  (મૂર્ખ) લોકો –જન્મ નહિ પામનાર અને અવિનાશી-એવા
પરમાત્માને  (પરમાત્મ-તત્વને) જાણતા નથી (૨૫) 
માયાના પડદાને લીધે જે મનુષ્યો જાણે કે-આંધળા થયેલા છે-અને જેમની બુદ્ધિ “હું એટલે શરીર છું” એટલું જ વિચારી શકે છે-તેને (આત્મા અને) પરમાત્મા–ક્યાંથી દેખાય ???
બાકી જેમાં પરમાત્મા નથી એવી એક પણ વસ્તુ આ જગતમાં નથી !!!!!

શ્રીકૃષ્ણ કહે છે-કે-“ભૂતકાળ,વર્તમાનકાળ અને ભવિષ્યકાળના સઘળા પ્રાણીઓને (જીવોને) હું જાણું છું-
પણ મને કોઈ જાણતું નથી" -કારણકે--“ઈચ્છા અને દ્વેષ” થી ઉત્પન્ન થતા, “સુખ અને દુઃખ” ના “મોહ” થી-
સર્વ જીવો પ્રમાદી (ભોગો ભોગવવામાં મસ્ત) બનીને-
સર્ગ સમયથી (ઉત્પત્તિ સમયથી) જ –જાણે-કોઈ મોટા ગોટાળામાં પડી જાય છે.(૨૬-૨૭)

અહીં જ્ઞાનેશ્વર એક રસમય ઉદાહરણ આપે છે-(જો કે સમજવામાં થોડું વિચારવું પડે તેવું છે)

અભિમાન(અહમ) અને શરીર (દેહ) –
એ બંનેની પ્રિતીથી (બંને વચ્ચે પ્રેમ-મોહ થવાથી) ઈચ્છા નામની પુત્રી પેદા થાય છે. 

જે ઈચ્છા રૂપી પુત્રી કામ રૂપી જુવાનીમાં આવી,દ્વેષ જોડે લગ્ન કરે છે.
કામ અને દ્વેષ ના સંસર્ગથી (મિલનથી) સુખ-દુઃખ (દ્વંદ-મોહ) નામનો પુત્ર થાય છે.

આ પુત્ર –આશા રૂપી દૂધ પીને ઉછરે છે-કે જેને-(જે પુત્ર ને-સુખ-દુઃખ ને) ધીરજ હોતી નથી.
અને તેથી ધીરે ધીરે તે-અસંતોષ રૂપી દારુ નુ સેવન કરવા લાગે છે.
દારુ  (અસંતોષનો) પીને ઉન્મત થયેલો તે વિષય સેવનથી કંટાળતો નથી.

ભક્તિ રૂપી રસ્તા ઉપર વિકલ્પો (વિષય સેવનથી સુખ મળે છે-તેવા) ના કાંટા પાથરી
પછી એવા એવા જ કંઈક- કુમાર્ગો (ખોટા ખોટા માર્ગ) ના આડા આડા માર્ગ કાઢે છે.

અને એવા આડા આડા રસ્તા પર (ખોટી ભ્રમણાઓ માં) ચાલીને-સંસારરૂપી જંગલમાં અથડાયા કરે છે.
અને દુઃખોના મોટા સપાટા તે સહન કરે છે.

આમ સુખ-દુઃખ –એ માનવીએ પોતે જ બનાવેલી એક આગવી પેદાશ છે. પણ
સુખ-દુઃખ ના મોહમાંથી છૂટવાનો દૃઢ નિશ્ચય થાય અને પરમાત્મા ને મળવાના યોગનુ પુણ્ય કર્મ થાય-
એટલે કે-પરમાત્મા ને ભજે-તો સર્વ પાપો –આપોઆપ બળી જાય છે.

પરમાત્માનું શરણું સ્વીકારીને-જે જીવ-મુક્ત થવાનો પ્રયત્ન કરે છે-તે જ પરમાત્માને જાણી શકે છે.(૨૮-૨૯)

શ્રીકૃષ્ણ કહે છે-કે-
જે યોગીઓ (આધ્યાત્મિક જીવો-આત્મામાં રહેલા –આત્મામાં મગ્ન-જીવો)
--અધિભૂત (મહાભૂતોમાં રહેલા),
--અધિદૈવ  (દેવોમાં રહેલા) અને
--અધિયજ્ઞ  (યજ્ઞમાં રહેલા)
   સહિત મને (પરમાત્માને) જાણે છે-
તે-મૃત્યુ સમયે પણ સ્થિર મનવાળા થઇ –મારામાં મળી જાય છે.(મને જાણે છે) (૩૦)

અધ્યાય-૭-જ્ઞાન-વિજ્ઞાન-યોગ-સમાપ્ત

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત