જ્ઞાનેશ્વર ના પૂર્વજ પૈઠણ (મહારાષ્ટ્ર) ની નજીક
આવેલા આપેગાંવ ગામના કુલકર્ણી હતા.
તેઓ યજુર્વેદ ની માધ્યંદિની શાખાના દેશસ્થ
બ્રાહ્મણ હતા.
તેમનું ગોત્ર પંચ પ્રવરવાળું “વત્સસ” હતું.
જ્ઞાનેશ્વર ના પૂર્વજ હરિહર પંત,તેમના પુત્ર
રામચંદ્ર પંત,તેમના પુત્ર ગોપાલ પંત,તેમના પુત્ર ત્ર્યંબક પંત.
ત્ર્યંબકપંત ગોરક્ષનાથ ના શિષ્ય હતા તેમની સમાધિ
આપેગાંવ માં છે.
ત્ર્યંબકપંત ના પુત્ર ગોવિંદ પંત ,તેમના પુત્ર
વિઠ્ઠલ પંત અને તેમના પુત્ર –તે જ્ઞાનેશ્વર.
વિઠ્ઠલપંત વૈરાગી હતા,પૈઠણ માં વેદ,કાવ્ય,વ્યાકરણ
નો અભ્યાસ કરી તીર્થાટન કરવા નીકળેલા.
રસ્તામાં આળંદી નામના ગામના કુલકર્ણી સિધોપંત ની
કન્યા રુકિમણી બાઈ સાથે તેમનું લગ્ન થયું.
કેટલોક કાળ વહી ગયા છતાં સંતાનપ્રાપ્તિ નો સંભવ નહિ
જણાયાથી વિઠ્ઠલપંતે,રુકિમણી બાઈ ને કહ્યું-કે-
“મને સંન્યાસ લેવાની આજ્ઞા આપો.” રુકિમણી બાઈ એ પોતાના
પિતા (સિધોપંત) મારફત કહેવરાવ્યું-કે-
“સંતતિ વગર સન્યાસ લેવો ઉચિત નથી”
ત્યાર પછી એક વખત વિઠ્ઠલપંતે –સિધોપંત (સસરા) ને “ગંગા
માં સ્નાન કરવા જાઉં છું” એમ કહ્યું.
અને “જાઓ” એવો ઉત્તર સાંભળી અનાયાસે આજ્ઞા મળેલી
ગણી કાશી તરફ પ્રયાણ કર્યું.
કાશીમાં રામાનંદ સ્વામી એ તેમને મંત્રદીક્ષા આપી
સંન્યાસ ગ્રહણ કરાવ્યો.અને તે ચૈતન્યાનંદ બન્યા.
રામાનંદ સ્વામી તે વખતે કાશીમાં વિખ્યાત હતા,એમ
કહેવાય છે-કે-કબીર પણ તેમના જ શિષ્ય હતા.
(એમ કહેવાય છે-કે વિઠ્ઠલ પંતે અસત્ય “મારે
સ્ત્રી-પુત્રાદિ નથી” એમ બોલી ને –સંન્યાસ લીધેલો)
વિઠ્ઠલ પંત ના સંન્યાસ ની વાત રુકિમણી ના
જાણવામાં આવતાં તેમને અતિશય દુઃખ થયું.
અને ભગવત્સેવા માં જીવન વિતાવવા લાગી.અને આમ બાર
વર્ષ વીતી ગયાં.
એક વખત રામાનંદ સ્વામી શિષ્યો સહિત રામેશ્વરની
જાત્રાએ નીકળ્યા.
ફરતા ફરતા તે આળંદી માં આવ્યા અને મારુતી ના
મંદિર માં નિવાસ કર્યો.
રુક્મિણી બાઈ રોજ ના નિયમ મુજબ મારુતી નાં દર્શને
આવ્યાં.દેવદર્શન પછી રામાનંદ સ્વામીને જોઈ તેમને પણ વંદન કર્યું. રામાનંદ સ્વામી એ
પણ ભગવતપ્રેરણા અનુસાર “પુત્રવતી ભવ” એવો આશીર્વાદ આપ્યો.
આ આશીર્વચન સાંભળતા જ રુક્મિણી બાઈ ને હસવું
આવ્યું.સ્વામીએ હસવાનું કારણ પૂછ્યું.
રુકિમણી બાઈ એ કહ્યું કે-“પતિએ તો કાશી જઈને સંન્યાસ ગ્રહણ કર્યો છે,તો પછી આપનો આશીર્વાદ શી
રીતે સત્ય થશે ? એવો વિચાર આવવાથી મને હસવું આવ્યું છે”
સ્વામીએ સવિસ્તાર હકીકત પૂછતાં તેમને માલુમ
પડ્યું કે –આ ચૈતન્યાનંદ(વિઠ્ઠલપંત) ની જ પત્ની છે.
સ્વામી ને અતિ દુઃખ થયું અને આળંદી થી જ તેઓ કાશી
પાછા ફર્યા.અને ચૈતન્યાનંદ (વિઠ્ઠલપંત) ને
ગૃહસ્થાશ્રમ માં પાછા ફરવાની આજ્ઞા કરી.
ગુરૂ ની આજ્ઞા અનુસાર વિઠ્ઠલપંતે રુક્મિણી નો
ફરીથી અંગીકાર કરી ગૃહસ્થાશ્રમ માં ફરી પગલાં કર્યા.
વિઠ્ઠલપંત આમ ફરી થી ગૃહસ્થાશ્રમી થયા તેથી લોકો
તેમની નિંદા કરવા લાગ્યા અને તેમને અડચણ કરવા
લાગ્યા.”સન્યાસી થયા પછી ફરીથી ગૃહસ્થાશ્રમી કેમ
થયો?” તે પ્રશ્ન વારંવાર પૂછાવા લાગ્યો.
કોઈ વિઠ્ઠલ પંત ને વિષયલંપટ કહી તેમનો, તો કોઈ
રામાનંદ સ્વામીનો –તો કોઈ રુક્મિણી નો દોષ
કાઢવા લાગ્યા.
લોકો ની નિંદા અને બ્રાહ્મણો તેમજ આપ્તજનો એ
તેમનો ત્યાગ કર્યો એટલે વિઠ્ઠલપંત જંગલ માં ઝૂંપડી બનાવી,ભગવત સ્મરણ માં જીવન
જીવવા લાગ્યા.ધીમે ધીમે તેમને ભિક્ષા પણ મળતી બંધ થઇ ગઈ.
કોઈ વાર એક વખત નું અન્ન મળતું તો કોઈ વાર ઝાડ ના
પાંદડાં કે વાયુભક્ષણ કરી દિવસ કાઢતાં –
બાર વર્ષ પસાર થઇ ગયાં.
વિઠ્ઠલ-રુક્મિણી ના આંગણે બે બે વર્ષના અંતરે-ચાર
બાળકો નો જન્મ થયો.
(૧) નિવૃત્તિ નાથ-શકે ૧૧૯૫
(૨) જ્ઞાનેશ્વર--શકે-૧૧૯૭ –શ્રાવણ વદ-૮-મધ્યરાત્ર.(
ઈસ્વીસન -૧૨૭૫)
(૩) સોપાનદેવ-શકે ૧૧૯૯
(૪) મુક્તાબાઈ-શકે-૧૨૦૧
કેટલાક લોકો ના મત અનુસાર તેમનો જન્મ અનુક્રમે
શકે--૧૧૯૦-૧૧૯૩-૧૧૯૬-૧૧૯૯ –માં થયો હતો.
(નોંધ-“શકે”
ની સાલ માં ૭૮ વર્ષ ઉમેરતાં ઈસ્વીસન (અંગ્રેજી) વર્ષ થાય છે.