Mar 10, 2020

ભાગવત રહસ્ય-૨૧૦

અંબરીશ રાજા –દુર્વાસાને કહે છે-કે-તેરસ પહેલાં પારણાં કરવાનું મારું વ્રત છે,માટે જલ્દી પધારજો.દુર્વાસા સંધ્યાપૂજા કરવા ગયા છે.જમનાજીના કિનારે  આવી,
સ્નાનવિધિ પતાવી અને પૂજામાં એવા તન્મય થયા છે-કે-સમયનું ભાન રહ્યું નથી. દુર્વાસાએ જાણી જોઈને વિલંબ કર્યો નથી.આ બાજુ અંબરીશ ચિંતામાં છે,
બ્રાહ્મણને જમવાનું આમંત્રણ આપ્યું છે,બ્રાહ્મણને જમાડ્યા પહેલાં જમાય નહિ,

વિચારે છે-કે-“હું કંઈક લઈશ તો શાસ્ત્રના નિયમનો ભંગ થશે.અને તેરસ પહેલાં પારણાં ના કરું તો મારા વ્રત નો ભંગ થશે.બારસ પૂરી થવાને હવે થોડી પળ બાકી છે.”
બ્રાહ્મણોએ કહ્યું-ગઈકાલે નિર્જળા એકાદશી કરી છે,તો ઠાકોરજીને જળ અર્પણ કરી,પ્રસાદી રૂપે જળપાન કરો.શ્રુતિમાં કહ્યું છે-કે-જળ પીવું તે ભોજન નથી અને ઉપવાસ પણ નથી.જળપાન કરવાથી પારણાં થઇ જશે.
બ્રાહ્મણોના કહેવાથી,રાજાએ જળપાન કરી પારણાં કર્યા છે. રાજાએ કંઈ ખાધું નથી.

દુર્વાસાને આવતા મોડું થયું છે,તે વિચારે છે-કે રાજાએ કદાચ વ્રતનો ભંગ કર્યો હશે.
વ્રતનો ભંગ થયો હશે તો રાજા ઉદાસ લાગશે,અને વ્રતનો ભંગ નહિ થયો હોય તો આનંદમાં દેખાશે.
દુર્વાસાને જોઈ રાજાએ ગાલમાં સ્મિત કર્યું,દુર્વાસા વિચારે છે-કે-જો વ્રત નો ભંગ થયો હોય તો રાજા હસે નહિ.
અનુમાનથી ઋષિએ એમ માની લીધું કે-રાજાએ પારણું કરી લીધું છે.

દુર્વાસાએ રાજા ને કહ્યું- કે- રાજા તેં મને આમંત્રણ આપ્યું પણ તેં ભોજન કરી લીધું-તે યોગ્ય નથી.
તેં મારું અપમાન કર્યું છે,અતિથીને જમાડ્યા વગર તે જમી લીધું? આ તારી વિષ્ણુ ભક્તિ કેવી ?
દુર્વાસા ને ક્રોધ આવ્યો છે.રાજા કહે છે-કે-મેં કેવળ જળપાન કર્યું છે,ભોજન કર્યું નથી.
પરંતુ જેને ક્રોધ આવે તે બીજાનું સાંભળતો નથી.દુર્વાસાએ ક્રોધમાં કંઈ સાંભળ્યું નથી.
તેમણે કેશ (વાળ)માંથી “કૃત્યા” ઉત્પન્ન કરી અને કૃત્યા કહ્યું-કે રાજાને માર.

કૃત્યા અંબરીશને મારવા આવી,ત્યાં સુદર્શન ચક્ર આવ્યું અને તેણે કૃત્યાને મારી નાંખી.
ત્યારબાદ સુદર્શન ચક્ર દુર્વાસા પાછળ તેમને મારવા દોડ્યું.
દુર્વાસા બધા લોક ફરી વળ્યા પણ, સુદર્શન ચક્ર પીછો છોડતું નથી.
દુર્વાસાને કોઈ રક્ષણ આપી શક્યું નહિ,ના બ્રહ્માજી કે ના શિવજી. દુર્વાસા શિવજી પાસે ગયા-તો-
શિવજી કહે છે-કે ભગવદ ભક્તનો દ્રોહ કરનારની રક્ષા કરવાનું અમારામાં સામર્થ્ય નથી. તમે ભગવાન નારાયણ પાસે જાવ. દુર્વાસા દોડતા વૈકુંઠ માં ગયા.

નારાયણ કહે –આવો,આવો મહારાજ.
દુર્વાસા કહે-શું આવું ?તમારું ચક્ર મારી પાછળ પડેલું છે,મારી રક્ષા કરો.
ભગવાન કહે છે-કે-વૈષ્ણવો અનન્ય ભાવથી નિત્ય મારી સેવા કરે છે,પોતાનું સર્વસ્વ મને અર્પણ કરે છે,
તેથી મારું સર્વસ્વ હું વૈષ્ણવો ને આપું છું.સુદર્શન ચક્ર હવે અંબરીશની આજ્ઞા માં છે.
હું પણ ભક્ત પરાધીન છું. સુદર્શન ચક્ર હવે મારું રહ્યું નથી,અંબરીશનું થયું છે.

મહારાજ,તપ અને વિદ્યા અતિશય ઉત્તમ છે,પણ તેને વિવેક અને વિનયનો સાથ ન હોય તો,
તે વ્યર્થ છે.તે વિનાશ કરે છે. તપ અને વિદ્યા અભિમાનને મારવા માટે છે.
તપ અને વિદ્યાથી જો અભિમાન વધે તો પતન થાય છે.આપ તપસ્વી છો,તમારી પાસે અનંત શક્તિ છે,
પણ તેનો તમે દુરુપયોગ કર્યો છે.આપ વિચાર કરો,અંબરીશે કોઈ ભૂલ કરી નથી, કેવળ વ્રતનું પાલન કરવા માટે જળપાન કર્યું છે,છતાં તમે એને મારવા તૈયાર થયા.આપ ત્યાં જાવ અને અંબરીશ રાજાને વિનંતી કરો.તેમની ક્ષમા માગો,તો,સુદર્શન ચક્રનો વેગ શાંત થશે.
દુર્વાસા ,અંબરીશ રાજા જોડે આવ્યા છે.
      PREVIOUS PAGE      
       NEXT PAGE               
    INDEX PAGE