Feb 18, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪૪

જયારે કોઈ માનવ એમ માનવા લાગે કે –મારું શરીર સુંદર છે-
મારું શરીર બળવાન છે-એટલે પછી-તે શરીર ને શોભાવવામાં લાગી જાય છે,શરીરની  
જોડે પ્રેમ કરતો થઇ જાય છે.અને ધીરે ધીરે તેનામાં અહમ (અભિમાન) આવવા માંડે છે.
અને આત્મસ્વરૂપને ભૂલી જાય છે.

શરીરને જ તે આત્મા માનવા માંડે છે,અને આ શરીર કે –જે- ઇન્દ્રિય સમુદાયનું બનેલું છે,
તેને –જ આત્મા માનીને સાચા આત્મા (શુદ્ધ ચૈતન્ય)ની ખોજ કરવાની ભૂલી જાય છે.
આવો મનુષ્ય કે જેને –આત્મા (શુદ્ધ ચૈતન્ય) દ્વારા –એણે ખોટેખોટા બનાવેલા આત્મા (શરીર ને ઇન્દ્રિયો)ને
જીત્યો નથી તે પોતે જ પોતાનો શત્રુ છે.(તેનો આત્મા જ તેનો શત્રુ છે). અને દુઃખી થાય છે.

આવો માણસ –કોઈ થાંભલા ને બાથ ભરીને ઉભેલા માણસ જેવો છે-કે જે બૂમો મારે છે-કે-
“થાંભલા એ મને બાથ ભરી લીધી છે-કોઈ મને છોડાવો”
પણ અહીં જો “અહમ” ના બે હાથ ખુલ્લા કરી દે તો-દુઃખ છે જ નહિ.

અહમ (શરીરનું અભિમાન) છૂટી જતાં-જ- “હું શુદ્ધ ચૈતન્ય-બ્રહ્મ છું” નું ભાન થાય છે.
અને “હું શરીર છું “ તે ભૂલાઈ જાય છે. અને “આત્મા” જીતાઈ જાય છે.આત્મા મિત્ર બની જાય છે.(૬)

સોનાની અંદર રહેલા મેલને તાવીને કાઢી નાખવામાં આવે તો તે જ સોનું  ઉત્તમ સોનું બની જાય છે-
તેમ મનમાં રહેલા સંકલ્પ-વિકલ્પોનો નાશ થતાં,અહમનો નાશ થતાં,મનને પ્રસન્નતા પ્રાપ્ત થાય છે,
અને જીવ પરમાત્મારૂપ બની જાય છે.(બ્રહ્મત્વને પ્રાપ્ત થાય છે)
ઘટાકાશ ના "ઘટ"(માયા) નો નાશ કર્યા પછી-મહાકાશ ને મળવા જવા ફાંફાં મારવાનાં હોતાં નથી.

આવો આત્મસાક્ષાત્કારના જ્ઞાન (બ્રહ્મજ્ઞાન)થી તૃપ્ત થયેલાને-સુખ-દુઃખ,ઠંડી-ગરમી,માન-અપમાન.
સર્વ દ્વંદો સમાન લાગે છે.અને તે માટી અને સોનાને એકસરખાં (સમાન) સમજે છે.
આવો યોગારૂઢ (યુક્ત) –પુરુષનું મન નિર્વિકાર અવસ્થામાં સ્થિર થયેલું હોય છે.

સૂર્ય જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં તેને પ્રકાશ દેખાય છે- તેમ-
આવો મનુષ્ય-પોતે બ્રહ્મ-સ્વરૂપ હોવાથી,તેને જે જે વસ્તુ નજરે પડે તે સર્વ બ્રહ્મ-સ્વરૂપ જ ભાસે છે.(૭-૮)

“હું જ જગત સ્વ-રૂપ છું” એવો જેના અંતરમાં બોધ થયો છે-તે યોગીને પછી-
શત્રુ શું?કે મિત્ર શું ? સાધુ શું ? કે પાપી શું ?--આ સર્વેમાં તેની સમબુદ્ધિ થયેલી હોય છે.
તેનામાં –પછી- મોટો અને નાનો- એવો ભેદ તો ક્યાંથી રહી શકે ?

જેમ લોખંડ –પારસમણિના સ્પર્શથી –સો ટચનું સોનું બને છે-પછી તેની કસોટી કરવાની શી જરૂર ?
પારસમણી જે સોનું બનાવે તે સર્વોત્તમ જ હોય છે-
તે પ્રમાણે-આવા યોગીની બુદ્ધિ –નિરંતર –સકળ જગતમાં એકત્વને જ અનુભવે છે.
આવું શુદ્ધ અને ખરું તત્વ સમજી ગયેલાને –જગતની ચિત્ર-વિચિત્ર રચનાઓ ભ્રમ(સંશય)માં પાડતી નથી.

અર્જુનના વખાણ કરતાં જ્ઞાનેશ્વર કહે છે-કે-
--અર્જુન એ શ્રીકૃષ્ણ માટે એક મિત્રનું ઘર છે,
--અર્જુન એક શણગારેલો અરીસો છે-કે જેમાં શ્રીકૃષ્ણ પોતાના મનને જોઈ શકે છે.
--અર્જુન એ એક એવું સરસ ખેતર છે-કે જેમાં શ્રીકૃષ્ણ ભક્તિના બીજ વાવી શકે તેમ હોવાથી જ
  અર્જુન શ્રીકૃષ્ણની કૃપા ને પાત્ર થયો હતો.
--અર્જુન એ જાણે ભક્તિનું એક ઉત્તમ પાત્ર છે-કે જેનામાં નવ પ્રકારની જે ભક્તિ (શ્રવણથી આત્મનિવેદન) છે-તેમાંની સખ્ય” (મિત્ર) ભક્તિ ઉત્તમ રીતે રહેલી છે.
--અર્જુન ભગવાનનો એક લાડકો સેવક-મિત્ર છે,જેના પર માત્ર કોઈ અલૌકિક-અત્યંત  પ્રેમને કારણે જ-નિરાકાર બ્રહ્મને સાકારબની ને તેની સાથે દોસ્તી (સખ્ય) કરવાની ઉત્કંઠા થઇ છે.

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત  

     PREVIOUS PAGE    
      NEXT PAGE    
       INDEX PAGE