Mar 16, 2020

ભાગવત રહસ્ય -૨૧૬

દશરથ એટલે-દશે ઇન્દ્રિયોના ઘોડાઓને કાબુમાં રાખી જેનો રથ રામજી તરફ (પ્રભુ તરફ) જાય છે-તે...આવા દશરથને ત્યાં ભગવાન પુત્ર રૂપે આવે છે.
દશમુખ રાવણ વિષયોને હદ ઉપરાંત ભોગવે છે-એટલે રાવણને ત્યાં ભગવાન કાળ-રૂપે આવે છે.
નવ માસ પરિપૂર્ણ થયા છે,રાત્રે દશરથજી સૂતેલા હતા,તેમને સુંદર સ્વપ્નું દેખાયું

“મારે આંગણે મહાત્મા ઋષિઓ આવ્યા છે,મને ઉઠાડે છે “ સ્વપ્નમાં જ દશરથજીએ સરયુમાં સ્નાન કર્યું.
પ્રભુનો પંચામૃતથી અભિષેક કર્યો,અને સ્વપ્નમાં જ લક્ષ્મીનારાયણની આરતી ઉતારતા હતા.
દશરથ મહારાજ,નારાયણને વારંવાર વંદન કરે છે,પ્રભુ આજે તેમને હસતા દેખાય છે.
દશરથ સ્વપ્નમાંથી જાગ્યા છે,વિચારે છે-કે-લાવ,ગુરુદેવ વશિષ્ઠને સ્વપ્નની વાત કરું.
તે વશિષ્ઠ પાસે આવ્યા.અને સ્વપ્ન ની વાત કરી.

વશિષ્ઠ કહે છે-આ સ્વપ્નનું ફળ અતિ ઉત્તમ છે,પરમાત્મા નારાયણ તમારે ઘેર આવવાના છે,તેનું સૂચક છે.
મને ખાતરી છે-કે-આ સ્વપ્નનું ફળ તમને ચોવીસ કલાકમાં મળશે.
રાજા નો આનંદ સમાતો નથી. પરમાત્મા મારે ઘેર પધારવાના છે.!!
રાજા સરયુમાં સ્નાન કરી નારાયણની સેવા કરે છે.
આ બાજુ કૌશલ્યા ધ્યાનમાં છે, આજે પવિત્ર રામનવમીનો દિવસ છે.

ચાર વેદો શિવજીના શિષ્યો થયા છે,શિવજી અયોધ્યાની ગલીમાં –શ્રી રામ-શ્રી રામ-બોલતાં ભમે છે.
કોઈ પૂછે તો કહે છે-મારું નામ સદાશિવ જોશી છે. (કહે છે-કે-શંકર ના ઇષ્ટ દેવ બાળક –રામ- છે)
પ્રાતઃ કાળથી દેવો,ગંધર્વો-પ્રતીક્ષા કરે છે. આતુરતા વગર ભગવાનનો જન્મ થતો નથી.
પરમ પવિત્ર સમય પ્રાપ્ત થયો છે,ચૈત્ર માસ,શુક્લપક્ષ,નવમી તિથી,બપોર ના બાર વાગ્યે રઘુનાથજી પ્રગટ થયા છે. દશરથને ત્યાં પરબ્રહ્મ શ્રી હરિ પ્રગટ થયા છે.
જે પરમાત્મા નિર્ગુણ –નિરાકાર છે-તે આજે ભક્તોને પ્રેમ વશ સગુણ-સાકાર બન્યા છે.
આકાશમાંથી દેવો-ગંધર્વો પુષ્પ વૃષ્ટિ કરે છે.

માતાજીને આજે પ્રભુએ બતાવ્યું-કે મારા ભક્તોનું હું ચારે તરફથી રક્ષણ કરું છે,એટલે ચતુર્ભુજ રૂપે પ્રગટથયા છે. માતાજીએ સુંદર સ્તુતિ કરી છે-નાથ, મારા માટે તમે બાળક બનો,મને મા,મા કહી બોલાવો.
એટલે ચતુર્ભુજ સ્વરૂપ અદૃશ્ય થયું છે અને બે હાથવાળા બાળક બન્યા છે.
દાસીઓ ને ખબર પડી,કૌશલ્યા મા ના ખોળામાં સુંદર બાળક બિરાજે છે. દાસી વધાઈ આપે છે.
કૌશલ્યાએ નવલખો હાર દાસીને આપ્યો છે.”મારો રામ સુખી થાય”

દાસી કહે-કે- મારે કાંઇ જોઈતું નથી,મારે તો રામને રમાડવો છે. દાસીના ગોદમાં રામને આપ્યા છે.
આજે દાસીનો બ્રહ્મ સંબંધ થયો છે.
બીજી દાસી દોડતી દોડતી દશરથ રાજા પાસે ગઈ અને કહે છે-કે-
મહારાજ ,વધાઈ.વધાઈ-,લાલો ભયો હૈ,સાક્ષાત નારાયણ આવ્યા હોય તેવું લાગે છે.

દશરથજીને વૃદ્ધાવસ્થામાંઆજે ઘણા વર્ષે પુત્ર આવ્યો છે.
પુત્ર પણ સાધારણ નહિ, સાક્ષાત પરમાત્મા આજે પુત્રરૂપે આવ્યા છે.
રાજાએ સુંદર શૃંગાર કરી પ્રથમ ગણપતિપુજન કર્યું છે, પુણ્યાહવાચન થયું,નાન્દીશ્રાદ્ધમાં પિતૃઓની પૂજા કરી છે, અને ત્યાર બાદ એટલું બધું દાન કર્યું છે-કે અયોધ્યામાં કોઈ ગરીબ રહ્યા નથી.
વશિષ્ઠે વેદ-મંત્રોનો ઉચ્ચાર કરી મધમાં મંત્રનો અભિષેક કર્યો છે.અને પછી તે મધને અંદર લઇ જઈ બાળકને અનામિકા (આંગળી)થી ચટાડવાનું રાજાને સૂચવ્યું.

રાજા અંતઃપુરમાં (રાણી વાસમાં) આવ્યા છે. છડીદારો પોકાર કરે છે-હટો,હટો,મહારાજ પધારે છે.
રાજ કહે છે-કે હટો હટો નહિ બોલો,બધાના આશીર્વાદથી મારે ત્યાં દીકરો આવ્યો છે.
વશિષ્ઠજી આગળ થયા, આજે હરિ દર્શનની સર્વ ને લાલસા છે,દેવો-ગંધર્વો સૂક્ષ્મરૂપે આવ્યા છે.
પરમાનંદ થયો છે,બાળક રામના આજે સર્વને દર્શન થયા છે.
રાજા દશરથ આજે આનંદથી ભાવ વિભોર થયા છે.
નિરાકાર બ્રહ્મ આજે સાકાર થઇ –તેમના ઘેર પુત્ર રૂપે પધાર્યા છે.
      PREVIOUS PAGE
     NEXT PAGE
   INDEX PAGE