Feb 25, 2021

ગીતા રહસ્ય-જ્ઞાનેશ્વરી-૪૯

શ્રીકૃષ્ણ કહે છે-જે યોગી,”એક નિષ્ઠા”થી (૧)સર્વ કાળે,સર્વ પ્રાણીમાત્રમાં રહેલા(આત્માને)
(૨) જગતની સર્વ વસ્તુમાં રહેલા “ચૈતન્ય” ને –તે પરમાત્મા થી અલગ નથી,
એમ સમજી –તે સર્વમાં આદર રાખી,તેમને ભજે છે-તે –યોગી-મને (પરમાત્માને) જ ભજે છે.
પછી તે ગમે તે પ્રકારે વર્તતો હોય 
–તો પણ તે મારા (પરમાત્માના) સ્વ-રૂપમાં જ રહેલો હોય છે.(૩૧)


જે યોગીમાં- પોતાના આત્માને તથા જગતના સર્વ આત્માને –પરમાત્મા –માનવાની “સમ-દૃષ્ટિ” પેદા
થઇ હોય છે-તે જો પોતાને સુખ-દુઃખ થાય તો-બીજાને પણ સુખ-દુઃખ થાય એવી સમ-દૃષ્ટિ રાખે છે.
વળી પોતાના સુખ-દુઃખ પ્રત્યે પણ તે સમ-દૃષ્ટિ રાખે છે.
આ સમતા કે સમ-દૃષ્ટિ એ પણ એક ઉપાસના(યોગ) છે અને પરમાત્માને તે માન્ય છે.(૩૨)

શ્રી કૃષ્ણના આ લાંબા ઉપદેશ (ભાષણ) કે જે મનના નિગ્રહ વિષે હતો-તે સાંભળીને-હવે-
અર્જુન જાણે આપણા મનની અંદર ઉઠતા પ્રશ્ન ને જ વાચા આપે છે-

અર્જુન કહે છે-કે-હે દેવ, આપે મારા માટે મનમાં દયા લાવીને મને સમત્વનો માર્ગ બતાવ્યો-પરંતુ-
મારા મનના ચંચળ સ્વભાવ આગળ મારું કંઈ ચાલતું નથી.જેવી રીતે-
--માંકડાં (વાંદરાં)ને સમાધિ –લાગે એવી ઘટના અશક્ય છે-કે- પછી-
--પ્રચંડ વાવાઝોડાને –કોઈ –“સ્થિર થા” એવું કહેતાં જ તે વાવાઝોડું સ્થિર થઇ જાય –
    તેવી ઘટના પણ અશક્ય છે-તેવી જ રીતે –
ઘડીક અહીં તો ઘડીક તહીં-દોડતા મારા મનને સ્થિરતા પ્રાપ્ત થવી અસંભવિત (અશક્ય) છે.

મારું મન મારી બુદ્ધિને ઠગે છે,નિશ્ચયને તોડી નાખે છે,ધૈર્ય ને હાથતાળી આપી છટકી જાય છે.
વિચારોને બહેકાવે છે,અને સંતોષને ખંડિત કરે છે.

(કોઈ મનુષ્ય નિરાંતે એક જગ્યાએ બેઠો હોય-પણ તેનું મન તેને ચારે દિશામાં દોડાવે છે,
જો તે મનને ગોંધી રાખે- મનને નિગ્રહ કરવાનો પ્રયત્ન કરે તો –તે સ્પ્રીંગની જેમ ઉછળીને
બહાર આવે છે. મનનો નિગ્રહ કરવા જતાં-ઉલટો નિગ્રહ જ –મનને સહાય કરે છે)

આવું મન તેનો સ્વભાવ શું છોડશે ?
મનની આવી ચંચળ વૃત્તિ હોવાથી –સમ-દૃષ્ટિ ,પ્રાપ્ત થવી તો બિલકુલ અશક્ય છે.(૩૩-૩૪)

ત્યારે શ્રીકૃષ્ણ કહે છે-કે-તેં જે કહ્યું તે સત્ય છે –કે- મન નો સ્વભાવ ચંચળ છે, પરંતુ,
-તેને “વૈરાગ્ય”ના આધારે –“અભ્યાસ” ના  માર્ગ પર લાવવામાં આવે તો –
તે ધીરે ધીરે સમય જતાં અવશ્ય સ્થિર થાય છે. (સ્વાધીન થાય છે)

કારણકે-આ “મન” એક ઉત્તમ “સદગુણ” ધરાવે છે-કે-એને જે વસ્તુ નો “ચટકો” લાગે છે-
તેમાં જ તે સદાને માટે-રહેવા માટે આકર્ષાય છે. એટલા માટે –
વિનોદ (ગમ્મત) ખાતર પણ એ મન ને “આત્મ-સુખ” પ્રત્યે વાળવામાં આવે-તો-પછી-
જો તે મન ને એ “આત્મ-સુખ” નો ચટકો લાગે તો –તે તે ત્યાં નિરંતર ચોંટી રહે છે.(૩૫)

જ્ઞાનેશ્વરી ગીતા ઉપર આધારિત