વિભીષણ વાનરસેના પાસે આવ્યા છે.
વિભીષણ વિચારે છે-કે- રામજી મને સ્વીકારશે કે નહિ ?રાવણ નો ભાઈ માની મારો તિરસ્કાર કરશે તો ?
ના,ના, તેઓ તો અંતર્યામી છે,મારો શુદ્ધ ભાવ છે,તેઓ મને જરૂર અપનાવશે.
સુગ્રીવે રામજી પાસે આવી સમાચાર આપ્યા કે-રાવણ નો ભાઈ વિભીષણ આવ્યો છે,
લાગે છે-કે-રાક્ષસો ની આ માયા છે.અને તે આપણો ભેદ જાણવા આવ્યો હોય તેમ લાગે છે.
રામજી તો બધું જાણે છે,પણ તેઓ સુગ્રીવને પૂછે છે-કે-શું કરીશું ?
સુગ્રીવે કહ્યું-કે રાજનીતિ એમ કહે છે-કે-શત્રુ નો વિશ્વાસ રાખવો નહિ.આ શત્રુ નો ભાઈ છે. એટલે તેના પર
વિશ્વાસ રાખી શકાય નહિ.
રામજી કહે છે-કે- તે શું બોલે છે-તે મને કહો. સુગ્રીવે કહ્યું કે-તે તો કહે છે-કે-“શરણં ગતઃ”(શરણે આવું છું)
હનુમાનજી એ આવી વકીલાત કરી છે.કહે છે-કે- આ કપટથી બોલતો નથી,તેનો સ્વર આર્ત છે.
તેના હૃદયમાં છળ-કપટ નથી,તે શરણે આવ્યો છે-તેનો સ્વીકાર કરવો જોઈએ.
રામચંદ્રજીએ કહ્યું કે-કોઈ પણ જીવ મારી પાસે આવીને કહે કે “હું શરણે આવ્યો છું” તેની ઉપેક્ષા હું કરતો નથી.તેને હું અપનાવું છું. સુગ્રીવ કહે છે-કે-એ,કદાચ, કપટ થી બોલતો હશે.
રામજી કહે છે-કે-એ કપટથી બોલે કે ભાવથી બોલે,પણ તે બોલે છે “શરણં ગતઃ”(શરણે આવ્યો છું)
જીવ નો ધર્મ છે,શરણે આવવું અને મારો ધર્મ છે-કે શરણે આવેલા નું રક્ષણ કરવું.
વિભીષણ ના સ્વર ઉપરથી લાગે છે-કે તે દુઃખી થઇ આવ્યો છે,રાવણે તેને લાત મારી છે.
રામજી એ વિચાર્યું,સુગ્રીવ કિષ્કિંધા નો રાજા બન્યો છે,વિભીષણ લંકા નો રાજા થવાનો છે.
રાજા નું સ્વાગત રાજા કરવા જાય તે યોગ્ય છે.રામજી એ સુગ્રીવ ને આજ્ઞા આપી ,
“તમે વિભીષણ નું સ્વાગત કરી મારી પાસે લઇ આવો.
જયારે જીવ મારી સન્મુખ થાય છે,ત્યારે તેના કરોડો જન્મો ના પાપ નાશ પામે છે.
જે મનુષ્ય નિર્મળ મન નો હોય તે મને પ્રાપ્ત કરે છે,મને છળ-કપટ ગમતાં નથી.”
સુગ્રીવ અને હનુમાન વિભીષણ ને લઇ આવ્યા.વિભીષણ કહે છે-નાથ,તમારા શરણે આવ્યો છું.
કોઈ જીવ રામજી ને શરણે આવે તો રામજી ઉઠી ને ઉભા થાય છે.
રામજી ઉભા થયા છે,તેમનું સન્માન કર્યું છે.પ્રેમ ની મૂર્તિ રામે પ્રથમ મિલન માં વિભીષણ ને કહ્યું છે-કે-
તુ મને મારા ભાઈ લક્ષ્મણ સમાન પ્રિય છે. સમુદ્રનું જળ લઇ આવો,મારે અત્યારે જ વિભીષણ ને લંકા નો
રાજા બનાવી તેનો રાજ્યાભિષેક કરવો છે.
સુગ્રીવ ને આ ગમ્યું નહિ. તે વખતે તે બોલ્યો છે-કે-
રાજ્યનીતિ કહે છે-કે-યુદ્ધ ના સમયે રાજા સેનાપતિને આધીન હોય છે,તમારા સેવક તરીકે નહિ પણ એક સેનાપતિ તરીકે કહું છું કે,આપનો સ્વભાવ બહુ ઉતાવળીયો છે,આપે બહુ ઉતાવળ કરી છે.
વિભીષણ આજે શરણે આવ્યો,તેને લંકાનું રાજ્ય આપી દીધું, પણ જો બે ચાર દિવસ પછી રાવણ ની મતિ સુધરે અને તે આપને શરણે આવે અને સીતાજી ને પાછા સોંપે -તો,પછી રાવણ ને શું આપશો ?
વિભીષણ ને પાછો ગાદી ઉપરથી ઉઠાડશો ? માટે હું કહું છું કે વિભીષણ ને લંકા નું રાજ્ય અત્યારે ના આપો.
રામજી એ કહ્યું-કે –હું બહુ વિચારી ને એક જ વાર બોલું છું.મારી ત્રણ પ્રતિજ્ઞા ઓ છે.
એકવચની,એક્બાણી,એકપત્નીવ્રતધારી.
ભરતજી એ પિતાજી નું રાજ્ય હજુ લીધું નથી,અયોધ્યા ની ગાદી હજુ ખાલી છે, રાવણ જો હવે શરણે આવશે તો –હું ભરત ને સમજાવીશ,અને અયોધ્યા નું રાજ્ય રાવણ ને આપીશ.પણ આજે તો લંકા નું રાજ્ય વિભીષણ ને આપ્યું છે.
તે જ સમયે વિભીષણ નો રાજ્યાભિષેક કર્યો છે. વિભીષણ નો સંકલ્પ પુરો થયો.