શબરી ને આશા હતી કે –એક દિવસ મારા માલિક - મારા ઘેર આવશે.
તેથી રોજ તે વનમાંથી સારાં સારાં બોર લઇ આવે.આખો દિવસ પ્રતીક્ષા કરે અને
સંધ્યા કાળે રામજી--ના આવે એટલે તે બોર બાળકો ને વહેચી દે.
મન થી વિચારે છે-કે હું પાપી છું ,હું લાયક નથી એટલે પરમાત્મા મને પ્રત્યક્ષ દર્શન આપતા નથી,
મારાં બોર તે આરોગતા નથી.
પ્રભુ ની પ્રતીક્ષા કરતાં કરતાં-શબરી હવે વૃદ્ધ થઇ છે-પણ હજુ એ તે- તે જ ઉત્સાહ થી પ્રતીક્ષા કરે છે.
મારા ગુરુજી એ કહ્યું છે-એટેલે રામજી જરૂર આવશે.
રામજી માટે લાવેલાં બોર –“ઘટ ઘટ માં રામજી રહે છે” --એમ સમજી- ઋષિકુમારો ને આપી દે.
બાર વર્ષ ખૂબ તપશ્ચર્યા કરી છે.કહેવાય છે-કે –બાર વર્ષ ખૂબ તપશ્ચર્યા થાય તો સિદ્ધિ જરૂર મળે છે.
આખો દિવસ શબરી રામ-મંત્ર નો જપ કરે છે,સંયમ હતો,જીવન સેવા મય હતું.દિવ્ય નિષ્ઠા હતી.
આવા ના ઘેર રામજી ના પધારે તો કોના ઘેર પધારે ?
રામ-લક્ષ્મણ પંપા સરોવર પાસે આવે છે.ઋષિ-મુનિઓ સ્વાગત કરે છે,મોટા મોટા ઋષિઓ કહે છે-કે-
અમારા આશ્રમ માં પધારો. પણ રામજી કહે છે-કે-મારે તો શબરી ના ઘેર જવું છે.
આ ઋષિઓ એ શબરી નું (ભક્ત નું) અપમાન કર્યું છે-એટલે પરમાત્મા તેમને ત્યાં જતા નથી.
પ્રભુ કહે છે-“આખું જીવન જે મને શોધે છે-તેને એક દિવસ હું શોધવા નીકળું છું,તેને હું મળું છું”
જે જીવ પરમાત્મા ને શોધે છે-તો-પરમાત્મા કોઈ દિવસ તેને શોધતા શોધતા તેને ઘેર આવે છે.
દૂર થી માલિકને જોતાં શબરી હરખાઈ ઉઠી છે,દોડી ને પ્રણામ કર્યા છે,અને પોતાની ઝુંપડીમાં
રામજી ને બેસવા સુંદર આસન આપ્યું છે. રામજી ને કહે છે-કે-
“હું જાતિહીન છું પણ આપને શરણે આવી છું”
રામજી કહે છે-કે-હું બીજા કોઈ સંબંધ માં માનતો નથી,મારે તો સબસે ઉંચી પ્રેમ સગાઇ.
મા,મને ખૂબ ભૂખ લાગી છે,હું ભૂખ્યો છું,મને કંઈ ખાવાનું આપ.
શબરીએ માલિક માટે બોર રાખ્યા છે,બે પડિયામાં શબરી બોર લાવ્યા છે.
“રખે ને માલિક ને ખાટું બોર આવી જાય તો ?” એમ વિચારી ને શબરી માલિક ને દરેક બોર ચાખી ચાખી ને આપે છે.અતિ પ્રેમ માં શબરી ને એ ભાન પણ નથી રહ્યું કે તે –પોતાનાં એંઠાં બોર રામજી ને ખવડાવી રહી છે. રામજી બોર ના વખાણ કરતા જાય છે,અને ખાતા જાય છે.
સાધારણ ભક્તિ –સાધારણ પ્રેમ હોય ત્યાં પરમાત્મા રસ રૂપે આરોગે છે-પણ જો વિશિષ્ઠ ભક્તિ –
તીવ્ર ભક્તિ થાય તો પરમાત્મા પ્રત્યક્ષ આરોગે છે.
શબરી અને નામદેવ ની વિશિષ્ઠ ભક્તિ હતી.વિશિષ્ઠ પ્રેમ હતો.એટલે એમની સેવાનો પ્રભુ એ પ્રત્યક્ષ સ્વીકાર કર્યો હતો.
પરમાત્મા મંત્ર ને નહિ,પણ મન ને પારખે છે. વસ્તુ માં મીઠાશ નથી,પ્રેમ માં મીઠાશ છે.
લોકો એ આજકાલ “પ્રેમ” શબ્દ ને કલંકિત કર્યો છે.
ઈશ્વર સાથે પ્રેમ કરવાનો તો માત્ર ઈશ્વર સાથે જ નિષ્કામ પ્રેમ કરવાનો.
શબરી ની ભક્તિ નિષ્કામ હતી,તેથી પ્રભુ તેના પર પ્રસન્ન થયા છે.અને શબરીના એંઠાં બોર ખાધા છે.
(આ પ્રસંગ બતાવે છે-કે-નાત-જાત રામજી પાસે નહોતી,કે પછી તેમણે-ઊંચ-નીચ - નાત-જાત જોઈ નથી- તેમ છતાં આજકાલ લોકો કહે છે-કે પ્રભુ એ નાત જાત –ઊંચ-નીચ બનાવ્યા છે!!!)
મહાપુરુષો એ વર્ણન કર્યું છે-કે-તે બોર ના ઠળિયા ની –દ્રોણાચલ પર્વત પર સંજીવની વનસ્પતિ થઇ છે-
કે જેણે લક્ષ્મણજી ને જીવતદાન આપ્યું હતું.